વેબ શો-રિવ્યુ - અપસ્ટાર્ટ્‍સ - આ સ્ટાર્ટઅપ લાંબું નહીં ચાલે

22 January, 2020 05:59 PM IST  |  મુંબઈ | પાર્થ દવે

વેબ શો-રિવ્યુ - અપસ્ટાર્ટ્‍સ - આ સ્ટાર્ટઅપ લાંબું નહીં ચાલે

વેબ શો-રિવ્યુ - 'અપસ્ટાર્ટ્‍સ'

નેટફ્લિક્સની ઓરિજિનલ ‘અપસ્ટાર્ટ્સ’માં ત્રણ મિત્રોએ શરૂ કરેલા સ્ટાર્ટઅપ બાદ બિઝનેસમાં આવતી ચૅલેન્જિસ, થતા મતભેદો, મળતી સફળતા અને તૂટતા-સંધાતા સંબંધો દર્શાવાયા છે. ધીમી ધારે ચાલતી વાર્તામાં ચિયર્સ-અપની મોમેન્ટ્સ બહુ ઓછી છે, હ્યુમર મિસિંગ છે. પ્રિયાંશુ પૈન્યુલી અને રાજીવ સિદ્ધાર્થ સિવાયનાની ઍક્ટિંગ ઍવરેજ છે.

કપિલ, યશ અને વિનય નામના ત્રણ મિત્રો નવથી પાંચની જૉબને બદલે સ્ટાર્ટઅપ કરવા માગે છે. કંઈક એવું વિચારી રહ્યા છે જે આજ સુધી નથી થયું. દરરોજ ભેગા થાય એટલે નવા આઇડિયા વિશે ચર્ચા કરે. તેઓ નવું કરવા માટે એટલા આતુર છે કે વિનય માટે છોકરીને ભગાડવા યશ અને કપિલ જાય છે પછી કપિલ વિચારે કે આપણે ભાગીને લગ્ન કરવા માટે મદદરૂપ થતી કોઈ ઍપ શરૂ કરીએ તો?

એમાં એક દિવસ ગામડામાં એક વૃદ્ધનું દવાના અભાવે મૃત્યુ થાય છે અને કપિલને આઇડિયા આવે છે દુકાનેથી દરદી સુધી દવા પહોંચાડતી ઍપ બનાવવાનો. ત્રણે મિત્રો સહમત થાય છે અને પોતપોતાના કામ કરવાના વિભાગ નક્કી કરીને લાગી જાય છે ઍપ્લિકેશન બનાવવામાં.

વાર્તામાં નવું શું છે?

આ અગાઉ ૨૦૦૯માં આવેલી ‘રૉકેટસિંહ ઃ સેલ્સમૅન ઑફ ધ યર’થી ૨૦૧૫માં આવેલી TVFની જાણીતી વેબ-સિરીઝ ‘TVF પિક્ચર્સ’ સુધીનાં એક્ઝામ્પલ્સ આપણી સામે છે જેમાં સ્ટાર્ટઅપની વાત બડી રસપ્રદ રીતે કહેવાઈ હોય. મિત્રો ભેગા થઈને કંઈક નવું કરવા માગતા હોય એ પ્રકારની વાર્તા કૉમન છે. ‘અપસ્ટાર્ટ્સ’માં ત્રણ મિત્રો બિઝનેસ સ્ટાર્ટ કરી લે છે, એને માટે ફન્ડિંગ મેળવી લે છે, પછી તેમની સામે આવતા પ્રશ્નો, સ્ટાર્ટઅપ દુનિયાની ભયાનક વાસ્તવિકતા, ચૅલેન્જિસ, સફળ થયા પછી ઑન્ટ્રપ્રનર્સની લાઇફ, તેના પર્સનલ સંબંધોમાં થતા ફેરફાર કે નુકસાન આ બધું દર્શાવાયું છે.

અહીં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ઇન્વેસ્ટર્સ અને ઑન્ટ્રપ્રનર્સ વચ્ચેના રિલેશન પણ દર્શાવવાની ટ્રાઇ કરાઈ છે. ઇન્વેસ્ટરને આંધળું પ્રૉફિટ જોઈએ છે અને ઑન્ટ્રપ્રનર ફન્ડ માટે વલખાં મારતો હોય છે. આમાં કોણ પોતાની પ્રામાણિકતા ગીરવી મૂકે છે, ખરાબ અને વધુ ખરાબમાંથી કયા એકની પસંદગી કરે છે એ તમામ વાતો ધીમા વાર્તાપ્રવાહમાં, સંવાદોની મદદ વડે ‘અપસ્ટાર્ટ્‍‌સ’ તમને કહે છે.

કૅરૅક્ટર

જેને સ્ટાર્ટઅપ શરૂ કરવાની ધૂન લાગી છે તે મહત્ત્વાકાંક્ષી અને હોશિયાર યુવાન કપિલનું પાત્ર પ્રિયાંશુ પૈન્યુલી ભજવે છે. તેને સફળ બિઝનેસમૅન બનવું છે અને સાથે મિત્રોને પણ પાછળ નથી છોડવા. તે પોતાના નિર્ણયમાં મક્કમ છે, પણ બાકીનાનું સાંભળે છે. એ દરેકને સાથે રાખવા માગે છે અને એ જ સમયે પોતાને આગળ વધવાની પણ ખ્વાહિશ છે. તે બિઝનેસના ગ્રોથ માટે અંદરના અવાજને દબાવી શકે છે. આ તમામ ભાવો, મિત્રો સાથે મશ્કરીનાં દૃશ્યો, કંપનીનું પ્રેઝન્ટેશન વગેરે પ્રિયાંશુએ બખૂબી દર્શાવ્યું છે. તેનો ચહેરો, બૉડી-લૅન્ગ્વેજ છેવટ સુધી ધ્યાન ખેંચે છે. તેનું કાસ્ટિંગ પર્ફેક્ટ છે. તેના મિત્રો યશ અને વિનયમાં અનુક્રમે ચંદ્રચુર રાય અને શાદાબ ખાન છે. આ બન્ને પાત્રો સાથે શરૂઆતમાં સેટ થતાં આપણને વાર લાગે છે.

યશ આલ્કોહૉલિક છે, તેને પોતાને પાર્કિન્સન્સની બીમારી હોવાનો વહેમ છે. તે અતડો રહે છે. વિનય શાંત રહે છે, તેની પ્રેમિકા છોડીને જતી રહી છે ત્યારથી સાદાં કપડાં પહેરે છે. યોગ કરે છે અને મિત્રોને સલાહ-સૂચન આપતો રહે છે. હવે લોચો એ છે કે આ બન્ને પાત્રો આ બધું પ્રયત્નપૂર્વક કરી રહ્યાં હોય એવું લાગે છે. સવા-દોઢ કલાક પછી તમને એ બન્ને પોતાના લાગે છે, જે વેબ-ફિલ્મની સેહત માટે સારું નથી! શરૂઆતના યશ અને વિનયના ડાયલૉગ પણ ઉભડક લખાયા છે. મિત્રો વચ્ચેની મસ્તી પણ આર્ટિફિશ્યલ લાગે છે. ફિલ્મમાં જયા (શીતલ ઠાકુર)નો એક સબ-પ્લૉટ છે, તેની ઍક્ટિંગ પ્રમાણમાં સારી છે. ‘બિડી કિંગ’ ઇન્વેસ્ટર વીર ધવનના પાત્રમાં રાજીવ સિદ્ધાર્થ છે તે જામે છે. તેની અને પ્રિયાંશુ વચ્ચેનાં દૃશ્યો સ-રસ છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

‘ઍરલિફ્ટ’ અને ‘ઇનકાર’ના અસોસિયેટ ડિરેક્ટર ઉદયસિંહ પવારની આ પહેલી ફીચર-ફિલ્મ છે. તેઓ ખુદ IIT કાનપુરમાં ભણેલા છે અને માઇક્રોસૉફ્ટ રિસર્ચમાં કામ કરી ચૂક્યા છે. તેમણે પોતાના અનુભવો બૅન્ગલોરની સિલિકોનવૅલીમાં આકાર લેતી આ ફિલ્મમાં જોડ્યા છે. તેમણે સ્ક્રિપ્ટનું સ્ટ્રક્ચર એકદમ શાંત, ડ્રામા વિનાનું રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એમ કરવામાં હ્યુમર ગાયબ થઈ ગયું છે! ખુદ પવાર અને કેતન ભગતે લખેલા સંવાદો એટલા હૅપનિંગ નથી લાગતા જેટલી આ ઝોનરની ફિલ્મોમાં હોવા જોઈએ. ‘TVF પિક્ચર્સ’ની સિરીઝમાં કયું સ્ટાર્ટઅપ છે એનું નામ છેલ્લે સુધી નથી આવતું, પણ એ તમને ખેંચી લે છે વાર્તા-પ્રવાહમાં. ‘અપસ્ટાર્ટ્સ’માં તમે અડધે સુધી બોર થઈ જાઓ છો. શુષ્ક સંવાદો અને ધીમા સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મના મિત્રો તમારા મિત્રો બને ત્યાં સુધી પોણી વાર્તા પૂરી થઈ ચૂકી હોય છે!

અહીં શરૂઆતથી સામાન્ય માણસોની મદદ પર ભાર મુકાયો છે. દક્ષિણ ભારતમાં આવેલા પૂરનો પણ રેફરન્સ છે. શીતલ ઠાકુરના પાત્ર (જયા) દ્વારા ફીમેલ ઑન્ટ્રપ્રનરના જેન્ડર ડિસ્ક્રિમિનેશનની વાત પણ રજૂ કરાઈ છે, પણ જયાનો એ સબ-પ્લૉટ હાફ-હાર્ટેડ લખાયો છે. બીજું, લૉજિકનાં ક્યાંક ગાબડાં છે. એક જગ્યાએ કપિલને પૂછવામાં આવે છે કે ખોટી દવા પહોંચાડવાથી કોઈ દરદીનું મૃત્યુ થાય અને તમારી કંપની પર કેસ થાય તો તમે શું કરો? આનો જવાબ કપિલ કે આખી ફિલ્મ ક્યાંયથી આપણને નથી મળતો.

જોવી કે નહીં?

આજે સ્ટાર્ટઅપ એ ભારતના યુવાનો માટે યુઝ્‍ડ ટુ થઈ ગયેલો શબ્દ છે! ઇન્ટરનેટ ઍક્સેસ કરતો દરેક યુવાન એના વિશે જાણે છે. જે યુવાન એના વિશે વિચાર કરી ચૂક્યો છે, વેન્ચર કૅપિટલ માટે પાવર પૉઇન્ટની સ્લાઇડ્સ બનાવી ચૂક્યો છે કે તેને ભવિષ્યમાં કંઈક કરવાની ઇચ્છા છે તેને આ ઍવરેજ ‘અપસ્ટાર્ટ્સ’ પ્રમાણમાં ગમશે. ઍટ લિસ્ટ, એ રિલેટ કરી શક્શે.

આ પણ વાંચો : 

ફિલ્મની સક્સેસ કરતાં ઍક્ટિંગની પ્રોસેસને રણવીર સિંહ વધુ એન્જૉય કરે છે : કબીર ખાન

આ પણ વાંચો : ફિલ્મની સક્સેસ કરતાં ઍક્ટિંગની પ્રોસેસને રણવીર સિંહ વધુ એન્જૉય કરે છે : કબીર ખાન

બાકીના લોકોને નહીં ગમે, નહીં પચે

છેલ્લી વાતઃ માત્ર ૧ કલાક અને ૫૨ મિનિટની હોવા છતાં તમને ઘેરબેઠાં મોબાઇલ ઉપાડવાનું મન થાય, ફિલ્મના લૉજિક કે કલાકારો કોણ છે, કોણ નહીં એ બધું ચેક કરવાનું મન થાય તો સમજી જવું કે ક્યાંક લોચો છે.

web series television news netflix