16 June, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રાખ’ સિરીઝ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે
‘પાતાલ લોક’ના ડિરેક્ટર ક્રાઇમ-ડ્રામા ‘રાખ’ લઈને આવ્યા છે. ૧૯૭૦ના દાયકાના અંતની દિલ્હીની પૃષ્ઠભૂમિ પર આધારિત આ સિરીઝની વાર્તા બે બાળકોના રહસ્યમય રીતે ગુમ થવાથી શરૂ થાય છે. આ બન્ને બાળકો રેડિયો-કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળે છે પણ ત્યાર બાદ અચાનક લાપતા થઈ જાય છે. આ ઘટનાથી માત્ર તેમના પરિવારનું જીવન નથી વિખેરાઈ જતું, આખા શહેરમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાય છે.સિરીઝમાં અલી ફઝલ એક તપાસ-અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જે બાળકોની શોધખોળ માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરે છે. ‘રાખ’ કુખ્યાત રંગા-બિલ્લા કાંડ પરથી પ્રેરિત છે. આ સિરીઝ માત્ર ગુનાની તપાસ પૂરતી સીમિત નથી રહેતી, ગુનેગારોની ક્રૂર માનસિકતા અને તેમના મનોચિકિત્સાત્મક પાસાઓની પણ ઊંડી છણાવટ કરે છે. ‘રાખ’માં અલી ફઝલ ઉપરાંત સોનાલી બેન્દ્રે, આમિર બશીર, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને રાકેશ બેદી મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની વાર્તા લંડનથી પાછા ફરેલા અર્જુન આચાર્યની આસપાસ ફરે છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા અર્જુનને વારસામાં વિશાળ મંગલપુર મહેલ મળે છે. તે પોતાની બહેનનાં લગ્ન આ મહેલમાં યોજવાનું નક્કી કરે છે. જોકે તેને મહેલ સાથે જોડાયેલી સદીઓ જૂની અલૌકિક કથા વિશે ચેતવણી આપવામાં આવે છે. વાર્તામાં ‘વધુસુર’ નામનો એક ભયાનક આત્મા છે જે દુલ્હનોના જીવ લે છે જેમ-જેમ મહેલમાં રહસ્યમય અને અલૌકિક ઘટનાઓ વધવા લાગે છે, તેમ-તેમ લગ્નની તૈયારીઓ અફરાતફરીમાં ફેરવાઈ જાય છે અને મહેલનાં સૌથી મોટાં રહસ્યો સામે આવવા લાગે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
શિલ્પા શેટ્ટીને હોસ્ટ તરીકે ચમકાવતો કૉમેડી-કુકિંગ શો ‘માઁ હૈ ના’ આજની જનરેશનની લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ શોમાં પહેલી વાર મમ્મી અને સંતાનની જોડી સાથે મળીને રસોઈ બનાવતી અને મજેદાર પડકારોનો સામનો કરતી જોવા મળશે. સ્ટૅન્ડ-અપ કૉમેડિયન ગૌરવ કપૂર આ શોનું સંચાલન કરશે તેમ જ જાણીતા શેફ્સ અને ગેસ્ટ્સ સ્પર્ધકોને જરૂરી ગાઇડન્સ આપશે. આ શોમાં ટેલિવિઝન અને મનોરંજન જગતની અનેક જાણીતી જોડી ભાગ લેશે. એમાં ઉર્વશી ધોળકિયાનો દીકરો ક્ષિતિજ અને સુનીતા આહુજાની દીકરી ટીના પણ ભાગ લઈ રહી છે. આ શોનો મુખ્ય ઉદ્દેશ માત્ર રસોઈસ્પર્ધા પૂરતો મર્યાદિત નથી પણ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને વધુ નિકટતાથી રજૂ કરવાનો પણ છે. આ શોમાં બે પેઢીઓના વિચારો, કામ કરવાની રીતો અને રસોઈના અનુભવ વચ્ચેની ટક્કર જોવા મળશે અને એના કારણે એ દર્શકોને આકર્ષી રહ્યો છે. ‘માઁ હૈ ના’ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.