22 October, 2023 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત સાધ
અમિત સાધે તેની સિરીઝ ‘દુરંગા 2’ના તેના રોલને શાહરુખ ખાનની ‘ડર’ ફિલ્મના તેના પાત્રને સમર્પિત કર્યો છે. તેની આ સિરીઝ Zee5 પર ચોવીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. એમાં તેની સાથે ગુલશન દેવૈયા, દૃષ્ટિ ધામી, બરખા સેનગુપ્તા અને રાજેશ ખટ્ટર પણ જોવા મળશે. આ શોમાં સમીત પટેલના રોલમાં અમિત સાધ દેખાવાનો છે. એ વિશે અમિત સાધે કહ્યું કે ‘મારું કૅરૅક્ટર સમીત રહસ્યોથી ભરપૂર અને મંત્રમુગ્ધ કરવાવાળું છે. મારા માટે શોની સ્ક્રિપ્ટ અનોખી અને મારું ધ્યાન ખેંચે એવી હોવી જોઈએ. મારા માટે આ પાત્રની ફિઝિકાલિટી અને ઇમોશનલ ડેપ્થ સમજવાં જરૂરી હતું. તમને જ્યારે કોઈ પાત્રની લાગણી અને ઇરાદો સમજાઈ જાય તો તમને એની જટિલતા પણ સમજાઈ જાય છે. એ પ્રમાણે તમે તેની બૉડી-લૅન્ગ્વેજને અપનાવી શકો છો. સૌથી મજેદાર બાબત એ છે કે મારે એવા પાત્રને સાકાર કરવાનું હતું કે જે ૧૪ વર્ષ સુધી કોમામાં હતું. તેની સ્પાઇન કેવી હશે, તેના મસલ્સ કેવા હશે, તે પાત્રમાં બાળક જેવી નિર્દોષતા છે. આપણામાં સારું-નરસું, સાચું-ખોટું એ બધાની સમજ છે. જોકે આ પાત્ર એ બધી સમજ ગુમાવી ચૂક્યું છે. અમારી પાસે સૌથી અગત્યનું ઉદાહરણ ‘ડર’નું હતું. શાહરુખ ખાન સરના રાહુલ મેહતાના આ પાત્રને હું મારો આ રોલ સમર્પિત કરવા માગું છું. જોકે અમે એ રોલને હાથ નથી લગાવ્યો અને આવી રીતે હું તેમને સમર્પિત કરું છું.’