મોનિકા, ઓ માય ડાર્લિંગ રિવ્યુ: મોનિકા... બોરિં‍‍‍ગ, બોરિંગ

13 November, 2022 01:20 PM IST  |  Mumbai | Harsh Desai

વસંત બાલાની આ ફિલ્મમાં મર્ડરનું મોટિવ શોધવું થોડું મુશ્કેલભર્યું છે : ​કાસ્ટ જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી સ્ટોરી મજેદાર બનાવવામાં મેકર્સે ધ્યાન રાખવું જોઈતું હતું

મોનિકા, ઓ માય ડાર્લિંગ રિવ્યુ: મોનિકા... બોરિં‍‍‍ગ, બોરિંગ

મોનિકા, ઓ માય ડાર્લિંગ

કાસ્ટ: રાજકુમાર રાવ, હુમા કુરેશી, રાધિકા આપ્ટે, સિકંદર ખેર

ડિરેક્ટર: વસંત બાલા

રાજકુમાર રાવ, હુમા કુરેશી અને રાધિકા આપ્ટેની ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મને વસંત બાલાએ ડિરેક્ટ કરી છે, જેણે અગાઉ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ડિરેક્ટ કરી હતી.

સ્ટોરી ટાઇમ

ફિલ્મની સ્ટોરી એક ખતરનાક મર્ડરથી થાય છે. જોકે આ મર્ડર રોબોટમાં આવેલા મૅલફંક્શન દ્વારા થાય છે. ત્યાર બાદ સ્ટોરી થોડા મ​હિના આગળ વધે છે અને જયંત આર્ખેડકર (રાજકુમાર રાવ)ને નવી રોબોટિક ટેક્નૉલૉજી માટે સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન કરવામાં આવતાં ઘણા લોકો એનાથી નારાજ થાય છે. જોકે જયંત કંપનીના સીઈઓની દીકરી નિશીને પ્રેમ કરતો હોવાથી તેના હાથ નહીં, આખેઆખું શરીર ઘીમાં હોય છે. એ સાથે જ યુનિકૉર્ન કંપનીના સીઈઓની સેક્રેટરી મોનિકા (હુમા કુરેશી)ની એન્ટ્રી થાય છે. આ સેક્રેટરીનું જયંત સાથે અફેર હોય છે અને તે તેને બ્લૅકમેઇલ કરતી હોય છે. મોનિકા જયંતને બ્લૅકમેઇલ કરે છે અને કહે છે કે ‘હું પ્રેગ્નન્ટ છું અને બાળકને જન્મ આપીશ જ.’ આમ હકીને તે તેની પાસેથી પૈસા કઢાવતી હોય છે. જોકે જયંતને ખબર પડે છે કે તે એકલો નથી, તેની સાથે કંપનીના માલિકના દીકરા નિશિકાંત અધિકારીનું પણ સેટિંગ હોય છે. નિશિકાંતનું જ નહીં, અકાઉન્ટમાં કામ કરતા અન્ય એક કર્મચારી સાથે પણ મોનિકાનું અફેર ચાલતું હોય છે. મોનિકા એટલા બધાને પોતાના શિકાર બનાવતી હોય છે કે એક વખત તો ગણતરી પણ ભૂલી જવાય. જોકે આથી આ ત્રણેય બકરા જયંત, નિશિકાંત અને અકાઉન્ટન્ટ મળીને મોનિકાનું મર્ડર કરવાનો પ્લાન બનાવે છે. આ પ્લાન માટે એક ડીલ પણ સાઇન કરવામાં આવે છે, જેથી કોઈ પોલીસને ખબર ન કરી દે. જોકે કોનું મર્ડર થાય છે અને કોણ કરે છે એના પર આ સ્ટોરી છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મની સ્ટોરી યોગેશ ચાંદેકર દ્વારા લખવામાં આવી છે જેના ડાયલૉગ તેની સાથે વસંત બાલાએ પણ લખ્યા છે. ફિલ્મની સ્ટોરી પેપર પર જેટલી ઇન્ટરેસ્ટિંગ દેખાઈ હતી એટલી સ્ક્રીન પર નથી દેખાઈ રહી. આ એક ક્રાઇમ-થ્રિલર છે, પરંતુ એમાં કૉમેડીનો પણ તડકો છે. સ્ટોરી જેમ-જેમ આગળ વધે છે એમ લથડિયાં ખાતી જોવા મળે છે. સેકન્ડ પાર્ટમાં જેમ-જેમ મર્ડર થતાં જાય છે એમાં સમજ નથી પડતી કે કેમ થઈ રહ્યાં છે. મર્ડર પાછળનો મોટિવ પણ એટલો ખાસ નથી અને એક પછી એક મર્ડર થઈ રહ્યાં છે અને એ પણ એક જ કંપનીમાં, તો પણ પોલીસ શું કરી રહી છે એ સમજ નથી પડતું. વસંત બાલાની આ ફિલ્મ પહેલાં શ્રીરામ રાઘવન બનાવવાના હતા, પણ તેમની સ્ટોરીમાં વસંત બાલાને ચાર્મ નથી જોવા મળ્યો એ જોઈ શકાય છે. સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એ છે કે મર્ડર કોણ કરે છે એ અગાઉથી જ ખબર પડી જાય છે, કારણ કે એને કામ વગર અમુક દૃશ્યમાં દેખાડવામાં આવ્યો છે એથી એ કોણ છે એ ધારી લેવું મુશ્કેલ નથી.

પર્ફોર્મન્સ

રાજકુમાર રાવે તેના જયંતના પાત્રને ખૂબ સારી રીતે ભજવવાની કોશિશ કરી છે. પહેલા પાર્ટમાં તેણે પણ સારું કામ કર્યું છે, પરંતુ થોડા-થોડા સમયે તે પણ ફિલ્મની સ્ટોરીની જેમ ડગમગતો જોવા મળ્યો છે. સિકંદર ખેરે ખૂબ સારી ઍક્ટિંગ કરી છે, પરંતુ તેના પાત્રને મહેમાન ભૂમિકા બનાવી દેવાઈ છે. હુમા કુરેશી તેના સેશી અવતારમાં જોવા મળી છે. તેણે તેના પાત્રને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં કોઈ કસર નથી છોડી. તેના પાત્રમાં પણ લેયર્સ જોવા મળ્યાં છે. રાધિકા પહેલી વાર કરપ્ટ અને કૉમેડી કરતી જોવા મળી છે. તેને પહેલી વાર આ પ્રકારના પાત્રમાં જોતાં થોડું અજુગતું લાગે છે, પરંતુ તે જે રીતે તેના પાત્રની મજા લઈ રહી છે એની સાથે ઍડ્જસ્ટ થતાં તેને પણ જોવાની મજા આવે છે. તેના પાત્રને વધુ દેખાડવાની જરૂર હતી, કારણ કે તે જેટલી કૉમેડી અને કમેન્ટ કરે છે એમાં એક બીજો પહેલુ પણ છુપાયેલો જોવા મળે છે. આ સાથે જ કેટલાક કેમિયો પણ જોવા મળશે.

મ્યુઝિક

ફિલ્મનું મ્યુઝિક અચિત ઠક્કર અને મિકી મૅક્‍ક્લેરીએ આપ્યું છે. તેમણે ‘યે એક ઝિંદગી’ ગીત આપ્યું છે. આ સિવાય એમાં ઘણાં જૂનાં ગીતોનો બૅકગ્રાઉન્ડમાં અને ફિલ્મની હાઇલાઇટ તરીકે પણ ઉપયોગ કર્યો છે.

આખરી સલામ

આ ફિલ્મની કાસ્ટ જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ બનાવવી જોઈતી હતી. રાધિકા અને સિકંદરના પાત્રને વધુ સ્ક્રીનટાઇમ આપવાની જરૂર હતી.

entertainment news bollywood news film review Web Series