07 August, 2026 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ ખેમુ અને મીની માથુર
ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ‘અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રૅન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂહી દોસાણીને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. વિજેતા તરીકે મિનીને પચાસ લાખની રોકડ રકમ પણ એનાયત કરવામાં આવી છે.
શોમાં વિજેતા બન્યા પછી પોતાની લાગણી જણાવતાં મિનીએ કહ્યું હતું કે ‘આ છેલ્લાં ૬ અઠવાડિયાંમાં મેં એક આખું જીવન જીવ્યું હોય એવો અનુભવ કર્યો છે. આ મારો પહેલો રિયલિટી શો હતો. આ પહેલાં મેં ક્યારેય આવા શોમાં ભાગ લેવાનું વિચાર્યું પણ નહોતું. મને રમતગમત અને સ્પર્ધા ગમે છે તેથી મેં હા પાડી હતી અને ખુશ છું કે મારા કેટલાક મિત્રોએ મને આ નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરી. મને લાગતું હતું કે હું અહીં એક અઠવાડિયાથી વધુ ટકી નહીં શકું, પણ અહીં આવીને મને આ સફર અને તમામ સ્પર્ધકો પ્રત્યે પ્રેમ થઈ ગયો. તેમણે સમગ્ર સફરમાં મને ઘણો સાથ આપ્યો. આ જીત મારી કલ્પના કરતાં પણ ઘણી મોટી છે. મને લાગે છે કે મેં આ સફર ગૌરવ અને ગરિમા સાથે પૂરી કરી છે. મને આશા છે કે મને જોઈને ઘણી મહિલાઓ પ્રેરિત થશે. હું ભવિષ્યમાં પોતાને વધુ પડકાર આપીશ.’