મસ્કા માટે ગાળો બોલવી પડી એ ન ગમ્યું : મનીષા કોઈરાલા

08 April, 2020 04:12 PM IST  |  Ahmedabad | Nirali Dave

મસ્કા માટે ગાળો બોલવી પડી એ ન ગમ્યું : મનીષા કોઈરાલા

મનીષા કોઇરાલા

૨૭ માર્ચે રિલીઝ થયેલી નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મ ‘મસ્કા’ આજની પેઢીના સપનાની વાત કરે છે. પ્રીત કામાણી અને શર્લી સેઠિયા સ્ટારર આ રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મમાં મનીષા કોઇરાલા, જાવેદ જાફરી અને નિકિતા દત્તા જેવા કલાકારો છે. આ ફિલ્મમાં મુંબઈના પારસી હેરિટેજને એક્સપ્લોર કરવામાં આવ્યું છે. રૂમી ઈરાની (પ્રીત કામાણી)ને ફિલ્મસ્ટાર બનવું હોય છે, પણ તેની મમ્મી ડાયના ઈરાની (મનીષા કોઇરાલા)ની ઇચ્છા હોય છે કે તે પોતાના પપ્પાની જેમ ‘મસ્કાવાલા’ બને અને તેમનું કૅફે સંભાળે. ડાયનાએ રૂમીને એકલેહાથે ઉછેર્યો હોય છે અને તે પોતાના દીકરાને દરેક ગમતી વસ્તુ આપવા માગે છે, પણ આ માટે શરત એટલી કે તે તેમનું ‘રુસ્તમ કૅફે’ સંભાળે. રૂમી ત્યાર બાદ પર્સિસ (શર્લી)ને મળે છે, જે તેને વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે.

મનીષા કોઇરાલાએ કહ્યું કે તેને ડાયનાનું પાત્ર ભજવવાની બહુ મજા આવી, પણ બહુ ગાળો બોલવી પડી એ ન ગમ્યું. મનીષા કહે છે, ‘મારું પાત્ર એક અતરંગી પારસી મહિલાનું છે જે પારસી કલ્ચરનાં મૂળિયાં અને વારસો જાળવવામાં માને છે. મારા પાત્ર વિશે મને ન ગમતી બાબત એક જ છે કે મને ગાળો બોલવી પડી. મારા માટે આ અઘરું હતું.’

manisha koirala web series