09 July, 2023 03:23 PM IST | Mumbai | Bhavya Gandhi
પ્રતીકાત્મક તસવીર
‘ઑલ ઑફ અસ આર ડેડ’ વેબ-સિરીઝ પછી કોરિયન ઑડિયન્સે એવી જબરદસ્ત ડિમાન્ડ કરી કે નેટફ્લિક્સે અનાઉન્સ કરવું પડ્યું કે આ વેબ-સિરીઝની સેકન્ડ સીઝન બનશે. નેટફ્લિક્સની હિસ્ટરીમાં પહેલી વાર બન્યું કે સબ્જેક્ટ કે સ્ટોરીલાઇન હાથમાં ન હોવા છતાં તેમણે આ પ્રકારની અનાઉન્સમેન્ટ કરવી પડી હોય!
આપણે વાત કરીએ છીએ કોરિયન વેબ-સિરીઝ ‘ઑલ ઑફ અસ આર ડેડ’ની. તમને કહ્યું એમ, આ વેબ-સિરીઝની સૌથી મોટી ખાસિયત એ છે કે આખી વેબ-સિરીઝ ઝોમ્બી પર હોવા છતાં એને ટેક્નિલી એટલી સ્ટ્રૉન્ગ બનાવવામાં આવી છે કે તમે કલ્પના પણ ન કરી શકો કે આવું બધું બનવાનું નથી. વેબ-સિરીઝ જોતાં-જોતાં એક સમયે તો તમને એમ પણ થાય કે જે વિચાર આજ સુધી કોઈને નથી આવ્યો એ ઝોમ્બી પેદા કરવાનો વિચાર ક્યાંક સાયન્ટિસ્ટ્સને આવા જ કોઈ સબ્જેક્ટમાંથી આવી શકે છે. કોરોના વાઇરસ માટે પણ એવું જ કહેવાય છે કે ૨૦૦૮માં આવેલી એક હૉલીવુડ ફિલ્મમાં એવા જ એક વાઇરસની વાત થઈ હતી. એવી ધારણા પણ મૂકવામાં આવતી હતી કે એ જ ફિલ્મ પરથી આ વાઇરસનો વિચાર ચાઇનાને આવ્યો અને એ પછી બાકીનું બધું કામ બાયોલૉજિકલ લૅબોરેટરીમાં થયું.
‘ઑલ ઑફ અસ આર ડેડ’માં પણ જે પહેલો ઝોમ્બી છે એ લૅબમાં જ જન્મે છે અને નબળી શારીરિક-માનસિક અવસ્થા ધરાવતા દીકરાને સ્ટ્રૉન્ગ બનાવવા માટે એક સાયન્ટિસ્ટ વાઇરસ તૈયાર કરે છે, પણ વાઇરસને કારણે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે એ વાઇરસ દીકરા પર વિચિત્ર અસર ઊભી કરે છે અને દીકરો ઝોમ્બી બની જાય છે. તે પોતાની જ માતા પર અટૅક કરે છે અને સાયન્ટિસ્ટ ફાધર એ બન્નેને બાંધીને ઘરમાં રાખી દે છે. હવે પિતા સામે નવી ચૅલેન્જ છે કે કેવી રીતે તેણે એ વાઇરસનું મારણ શોધવું અને એને માટે તે લૅબમાં રિસર્ચ શરૂ કરે છે, જ્યાં ફરીથી એક વાઇરસ બનાવે છે અને એ વાઇરસ તે ઉંદરમાં ઇમ્પ્લાન્ટ કરે છે, જે ઉંદર પાસે અજાણતાં એક સ્ટુડન્ટ છોકરી પહોંચી જાય છે અને પેલો વાઇરસ એ છોકરીમાં ટ્રાન્સફર થઈ જાય છે.
કોરોનાના પિરિયડમાં તૈયાર થયેલી વેબ-સિરીઝમાં એ બધી વાતો આવે છે જે કોરોનાના પિરિયડમાં આપણે બધાએ સાંભળી હતી. ક્વૉરન્ટીન અને પીપીઈ કિટ અને એવું બધું, ફરક અહીં માત્ર એટલો છે કે વાઇરસ હિંસક છે અને એના સંક્રમણમાં આવેલી વ્યક્તિ નૉર્મલ માણસ કરતાં દસ-વીસ ગણી વધારે તાકાતવાળો થઈ જાય છે. હવે તેને ખાવા માટે માણસો જોઈએ છે એટલે તે માણસો પર હુમલો કરે છે.
અમેરિકાને જેમ પરગ્રહવાસીઓમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે એ રીતે કોરિયન ફિલ્મ-મેકર્સ માટે ઝોમ્બીનું ઍટ્રૅક્શન સૌથી મોટું રહ્યું છે અને કોરિયાની ઑડિયન્સને પણ ઝોમ્બી ઍટ્રૅક્શન જબરદસ્ત રહ્યું છે, પણ આપણે ત્યાં હજી આ ઝોમ્બી-કન્સેપ્ટ પૉપ્યુલર નથી થયો. આપણે ત્યાં એક જ ઝોમ્બી-ફિલ્મ બની છે. રાજ-ડીકેએ બનાવેલી એ ઝોમ્બી ફિલ્મ એટલે ‘ગો ગોવા ગૉન.’ જોકે એ ફિલ્મને કૉમેડી બનાવવા જતાં ઝોમ્બીઓનો ડર ઑડિયન્સના મનમાં આવ્યો નહીં અને આપણે ઇન્ટરનૅશનલ ભૂત કહેવાય એવા ઝોમ્બીને હસી કાઢ્યો. ‘ગો ગોવા ગૉન’ ફ્લૉપ ગઈ એ પછી કોઈએ ઝોમ્બી પર કશું કર્યું નહીં, પણ જો તમે ‘ઑલ ઑફ અસ આર ડેડ’ જુઓ તો તમને સમજાય કે સબ્જેક્ટની દૃષ્ટિએ આ ઝોમ્બી-સર્કલ કેવું વાઇડ છે અને જો તમે ધ્યાન આપો તો એ ઑથેન્ટિક પણ બની શકે છે.
વેબ-સિરીઝ ‘ઑલ ઑફ અસ આર ડેડ’માં એ જ થયું છે અને એટલે જ આજે એ માત્ર કોરિયાની જ નહીં, દુનિયાના ૪૫ દેશોની ટૉપ ટ્રેન્ડિંગ વેબ-સિરીઝ છે. તમે માનશો નહીં, પણ નેટફ્લિક્સની કોરિયન ઑફિસે નક્કી કર્યું હતું કે આપણે ‘ઑલ ઑફ અસ આર ડેડ’ની સેકન્ડ સીઝન નહીં બનાવીએ અને એટલે તો આ વેબ-સિરીઝના એક-એક કલાકના ૧૨ એપિસોડ એ લોકોએ બનાવ્યા હતા, પણ વેબ-સિરીઝ એટલી પૉપ્યુલર થઈ અને ઑડિયન્સની ડિમાન્ડ શરૂ થઈ એટલે નેટફ્લિક્સે અનાઉન્સ કરવું પડ્યું કે આની સેકન્ડ સીઝન બનશે. નેટફ્લિક્સની હિસ્ટરીમાં પહેલી વાર બન્યું કે સબ્જેક્ટ કે સ્ટોરીલાઇન હાથમાં નહીં હોવા છતાં તેમણે આ પ્રકારની અનાઉન્સમેન્ટ કરવી પડી હોય.
અત્યારે એના પર જ કામ ચાલી રહ્યું છે અને નેટફ્લિક્સ તથા મેર્ક્સ એ જ ચકાસી રહ્યા છે કે સ્ટોરીના કયા-કયા પાસાં એવાં છે જેને એક્સ્પ્લોર કરી શકાય અને એને બેઝ બનાવીને સેકન્ડ સીઝનને ઊભી કરી શકાય. આ જે પૉપ્યુલરિટી છે એ કન્ટેન્ટની છે અને કન્ટેન્ટ સર્વોપરી છે એની આ નિશાની છે તો સાથોસાથ એ પણ કહેવાનું કે ‘ઑલ ઑફ અસ આર ડેડ’ એ પ્રૂફ છે જે ઇન્ડિયન યંગર્સ્ટસને શું જોઈએ છે અને તે કેવું જોવા માગે છે. તમારી જાણ ખાતર, ‘ઑલ ઑફ અસ આર ડેડ’માં એક પણ વલ્ગર સીન નથી કે એક પણ બૅડ વર્ડ નથી અને આપણા મેકર્સ એવું માને છે કે ઇન્ડિયન યુથને એ પ્રકારનું કન્ટેન્ટ ગમે છે!