'સ્કૅમ 1992'માં હેલ્લારો ફેમ બ્રિન્દા ત્રિવેદી

04 March, 2020 12:45 PM IST  |  Ahmedabad | Parth Dave

'સ્કૅમ 1992'માં હેલ્લારો ફેમ બ્રિન્દા ત્રિવેદી

બ્રિન્દા ત્રિવેદી

જાણીતા ડિરેક્ટર હંસલ મહેતા ‘સ્કૅમ ૧૯૯૨’ નામની વેબ-સિરીઝ બનાવી રહ્યા છે. અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની આ વેબ-સિરીઝ ‘બિગ બુલ’ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. હર્ષદ મહેતાનું પાત્ર જાણીતા ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી ભજવી રહ્યા છે. આ સિરીઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બુક ‘ધ સ્કૅમ’ પર આધારિત છે અને તેમણે જ આ સ્કૅમ ખુલ્લું પાડ્યું હતું. સુચેતા દલાલ તરીકે શ્રેયા ધન્વન્તરી (ધ ફૅમિલી મૅન) જોવા મળશે.

નૅશનલ અવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ ફેમ બ્રિન્દા ત્રિવેદી ‘સ્કૅમ ૧૯૯૨’માં હર્ષદ મહેતાની ભાભીના પાત્રમાં જોવા મળશે. બ્રિન્દા ત્રિવેદીએ ‘હેલ્લારો’ ઉપરાંત ‘ફોટોગ્રાફ’, ‘મિત્રો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ વેબ-શો માટે ઑડિશન આપીને મુકેશ છાબરા કાસ્ટિંગ ટીમ દ્વારા સિલેક્ટ થયા હતા. અભિનેત્રીએ પોતાના રોલ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘મારો રોલ આખી વેબ-સિરીઝના હિસાબે ટૂંકો પણ ફૅમિલી મેમ્બર તરીકે બહુ મહત્વનો છે. હર્ષદ મહેતા અને તેમના ભાઈ જ્યારે ફાઇનૅન્શિયલી સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે મારું પાત્ર પાર્લરમાં કામ કરીને ૫-૬ જણનું આખું ઘર ચલાવે છે. પરિવારને નાણાકીય અને મોરલ સપોર્ટ પૂરો પાડે છે. હંસલ મહેતા સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો.’

આ વેબ-સિરીઝમાં એક કલાકના કુલ ૧૦ એપિસોડ હશે. એનું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ હજી નક્કી થયું નથી.

hellaro Pratik Gandhi web series parth dave