વેબ-શો રિવ્યુ - મેડ ઇન હેવન

23 January, 2020 05:28 PM IST  |  | હર્ષ દેસાઈ

વેબ-શો રિવ્યુ - મેડ ઇન હેવન

મેડ ઇન હેવન

કહેવાય છેને કે લગ્ન તો સ્વર્ગમાંથી નક્કી થાય છે. અંગ્રેજીમાં કહેવું હોય તો ‘મેડ ઇન હેવન’. આજે આપણે આ જ શોની વાત કરવાના છીએ. દિલ્હીના અપર-ક્લાસ કહો કે એલીટ-ક્લાસમાં થતાં લગ્નની આ શોમાં વાત કરવામાં આવી છે. ‘મેડ ઇન હેવન’ શોનું નામ છે, પરંતુ એ આ શોની વેડિંગ-પ્લાનર કંપનીનું નામ હોય છે. સોભિતા ધુલિપલા (તારા ખન્ના) અને અર્જુન માથુર (કરણ મેહરા) આ કંપનીના પાર્ટનર હોય છે. આ શોની સ્ટોરી રીમા કાગતી, અલંક્રિતા શ્રીવાસ્તવ અને ઝોયા અખ્તરે લખી છે. ઝોયા અખ્તર. નામ તો સૂના હોગા. પૈસાદાર ફૅમિલીની ફિલ્મો બનાવવા માટે જાણીતી. જોકે ‘ગલી બૉય’ દ્વારા તેણે તેની આ ઇમેજ પણ તોડી નાખી છે. ઝોયા, રીમા અને અલંક્રિતાએ ખૂબ જ સુંદર રીતે આ શોને બનાવ્યો છે. લગ્નની વાત તો કરવામાં આવી છે; પરંતુ એની પાછળ શું-શું થતું હોય છે, દરેક ફૅમિલી કેવી પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે, કઈ-કઈ કન્ટ્રોવર્સી થતી હોય છે વગેરે જેવી બાબતો આ શોમાં અદ્ભુત રીતે વણી લેવામાં આવી છે.

રોલ કૅમેરા ઍન્ડ ઍક્શન

‘મેડ ઇન હેવન’ની સ્ટોરીને નવ એપિસોડમાં રજૂ કરવામાં આવી છે. દરેક એપિસોડમાં એક લગ્ન દેખાડવામાં આવ્યાં છે. આ દરેક લગ્નમાં એક મુદ્દાને લેવામાં આવ્યો છે. ઝોયાએ ભલે પૈસાદાર વ્યક્તિની થીમ રાખી હોય, પરંતુ શોમાં વાત સોશ્યલ મુદ્દાઓની કરવામાં આવી છે. પૈસાદાર ફૅમિલી કેવી રીતે છોકરીનું બૅકગ્રાઉન્ડ ચેક કરાવે છે, કોઈ છોકરી કેવી રીતે તેનાં લગ્નમાં હાજરી આપવા આવેલા સુપરસ્ટાર સાથે સેક્સ કરે અને કન્ટ્રોવર્સી થાય, ૬૦ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ લગ્ન કરવા ઇચ્છે, પરંતુ તેમના બાળકો સાથ ન આપે, દહેજ માગવું, લગ્ન કરીને છોકરીને અમેરિકા લઈ જવી, માંગલિક હોવું, સેક્સ્યુઅલ અસૉલ્ટ, દીકરીનાં લગ્ન માટે કરોડોની લોન લેવી, લગ્ન દ્વારા પૉલિટિકલ પાર્ટીના જોડાણની આ નવ શોમાં વાત કરવામાં આવી છે. જોકે આ દરેક ટૉપિક સાથે અન્ય ટૉપિક જોડવામાં આવ્યો છે. આ સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે લખવામાં આવી છે અને દરેક પાત્રને દરેક એપિસોડ સાથે ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હીની ગલીઓથી લઈને રાજસ્થાન અને પંજાબનાં લગ્ન કેવાં હોય છે એ પણ રજૂ કરવામાં આવ્યું છે. લુધિયાણામાં થઈ રહેલાં લગ્નમાં ડ્રગ્સનો ઓવરડોઝ થતાં હાર્ટ-અટૅક આવવો, એક્સ્ટ્રામૅરિટલ અફેરથી લઈને એક ભણેલીગણેલી ઍરર્ફોસ ઑફિસર મહિલા તેના સસરાએ કરેલા સેક્સ્યુઅલ અસૉલ્ટમાં કેવી રીતે સાથ આપે છે જેવા ઘણા સબ પ્લૉટ આ સ્ટોરીમાં છે. તારા અને કરણને તેમના પર્સનલ પ્રૉબ્લેમની સાથે વેડિંગ-પ્લાનિંગ દરમ્યાન આવતી અડચણો અને મુસીબતોને ખૂબ જ સારી રીતે સૉલ્વ કરતાં દેખાડવામાં આવ્યાં છે. તેઓ ફક્ત પૈસાદારનાં જ લગ્ન કરાવે એવું નથી હોતું. તારા અને કરણમાં રહેલી માનવતાને પણ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે. તેમની ઑફિસનો પ્યુન તેની દીકરીનાં લગ્ન માટે બૅન્કમાંથી લોન લેવાનો હોય છે. તે તારા પાસે મદદ માટે આવે છે. તારા બૅન્કને ગૅરન્ટી આપવા તૈયાર થઈ જાય છે, પરંતુ તેને ખબર હોય છે કે પ્યુન લોન નહીં ચૂકવી શકે. આ તમામ પૈસાદાર વ્યક્તિનાં લગ્નો અને પોતાના પર્સનલ પ્રૉબ્લેમની વચ્ચે તે પ્યુનની દીકરીની જવાબદારી ઉઠાવે છે. ‘મેડ ઇન હેવન’ના પહેલા બે એપિસોડ ઝોયા અખ્તરે ડિરેક્ટ કર્યા છે. તેણે દરેક વ્યક્તિના ઇમોશનને ખૂબ જ સારી રીતે પડદા પર રજૂ કર્યા છે. ત્યાર બાદના એપિસોડ અલંક્રિતા શ્રીવાસ્તવ, નિત્યા મેહરા અને પ્રશાંત નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યા છે. શોની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન એટલાં જોરદાર છે કે એમાં તમને કોઈ ખામી નહીં દેખાય.

પર્ફોર્મન્સ

આ શોના લીડ ઍક્ટર્સ સોભિતા અને અર્જુન છે. તેમની સાથે સેકન્ડ લીડમાં જિમ સરભ, કલ્કિ કોચલિન, શશાંક અરોરા અને શિવાની રઘુવંશી છે. વિજય રાઝ, દલિપ તાહિલ અને વિનય પાઠક જેવા અનેક ઍૅક્ટર્સ સપોર્ટિંગ રોલમાં છે. મહેમાન ભૂમિકાની વાત કરીએ તો લિસ્ટ થોડું લાંબું છે. વેબ-શો માટે જાણીતા ચહેરા શ્વેતા ત્રિપાઠી, માનવી ગાગરૂ અને રસિકા દુગ્ગલ જેવા ઍક્ટર્સનો પણ આ શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સોભિતાએ તારાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. તે શોમાં ગરીબ ઘરની હોવા છતાં પૈસાદાર વ્યક્તિની રહેણીકરણી જે રીતે સ્વીકારી છે એ ખૂબ જ સુંદર છે. તે એકદમ ક્લાસી, બ્યુટિફુલ અને એલિગન્ટ દેખાય છે. તેણે દરેક દૃશ્યમાં ખૂબ જ અદ્ભુત ઇમોશન્સ આપ્યાં છે. કરણનું પાત્ર અર્જુને ભજવ્યું છે. તે ગે હોય છે અને એ વિશે તે સોસાયટીથી છુપાવતો રહે છે. જોકે ત્રણ એપિસોડની અંદર તો તેની સાથે એવી ઘટના ઘટે છે કે તે તેના હક માટે લડતો જોવા મળે છે અને સેક્શન ૩૭૭ માટે તે રસ્તા પર ઊતરી આવે છે અને લડત છેડે છે. તે સતત તેના રાઇટ્સ માટે લડતો જોવા મળે છે.

જિમ સરભ ક્લાસિક પૈસાદાર બિઝનેસમૅનના પાત્રમાં છે. તેણે પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેનાં મૅરેજ અને એક્સ્ટ્રામૅરિટલ અફેરની વચ્ચે તેને ઝોલાં ખાતો ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. કલ્કિ કોચલિન પૈસાદાર, પરંતુ ડિવૉસ્ર્ડ ફૈઝાના પાત્રમાં જોવા મળે છે. તે મેન્ટલી વીક હોય છે અને તેણે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. શિવાની રઘુવંશીએ જસપ્રીત એટલે કે જૅઝનું પાત્ર ભજવ્યું છે. તે ગરીબ ઘરની હોય છે અને હાઇપ્રોફાઇલ લાઇફ-સ્ટાઇલમાં રહેવા માટે સ્ટ્રગલ કરતી જોવા મળે છે. તેનો ભાઈ ડ્રગ્સનો વ્યસની હોય છે અને તેની મમ્મીએ દીકરીનાં લગ્ન માટે રાખેલાં ઘરેણાં લઈને ભાગી જાય છે. દરેક પાત્રની એક સ્ટોરી છે અને દરેક તેમની લાઇફમાં પ્રૉબ્લેમનો સામનો કરી રહ્યું છે.

કેમ જોવી જોઈએ?

‘મેડ ઇન હેવન’ને જોવાનાં ઘણાં કારણ છે જેમાં સેક્સ અને ગેનું કૅરૅક્ટર મુખ્ય છે. અત્યાર સુધી બૉલીવુડમાં ગેનું પાત્રને ચોક્કસ રૂપે રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ શોમાં ગે હોવા છતાં તેમને નૉર્મલ છોકરા જેવા દેખાડવામાં આવ્યા છે. તમારો બેસ્ટ ફ્રેન્ડ, પાર્ટનર, પ્રેમી, કંપનીનો માલિકમાંથી કોઈ પણ ગે હોઈ શકે છે. અર્જુન આ બધું જ છે અને એમ છતાં એક નૉર્મલ વ્યક્તિ છે. બની શકે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ ગે અથવા તો લેસ્બિયન હોય. ગે અને લેસ્બિયન હોવું ખોટું નથી અને તેમને પણ એકસરખો હક મળવો જોઈએ એ આ શોમાં દેખાડવામાં આવ્યું છે. બીજું, સેક્સ. બૉલીવુડમાં સેક્સ એટલે જબરદસ્તી કરવી. ‘સેક્રેડ ગેમ્સ’ જ કેમ ન હોય, એમાં પણ સેક્સ એટલે જબરદસ્તી કરતાં દેખાડવામાં આવે છે. જોકે અહીં સેક્સની પરિભાષા બદલી કાઢવામાં આવી છે. કોઈ વ્યક્તિ પ્રેમથી અને એકબીજાની સહમતીથી કેવી રીતે રોમૅન્સ કરે છે એ અહીં દેખાડવામાં આવ્યું છે. આ શોમાંનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને સૉન્ગ્સ પણ ખૂબ જ સારાં છે. એક એપિસોડમાં માનવી ગાગરૂ પોતાનાં લગ્ન માટે એક વિડિયો સૉન્ગ બનાવવા માગતી હોય છે. આ વિડિયો સૉન્ગ રિયલ-લાઇફમાં અમિષા ભારદ્વાજે સૉન્ગ ‘ચીપ થ્રિલ્સ’ પરથી બનાવ્યું હતું. આ વિડિયો પરથી પ્રેરણા લઈને માનવીનું ગીત ઉમેરવામાં આવ્યું હોય તો નવાઈ નહીં, કારણ કે તેમની વચ્ચે ઘણી સમાનતા છે.

આ પણ વાંચો : દરેક યુવાન ઍક્ટરમાં સુપરસ્ટાર બનવાની ક્ષમતા છે : રાજકુમાર રાવ

આખરી સલામ

‘મેડ ઇન હેવન’ શો ટાઇમ મળે અચૂક જોવા જેવો શો છે. કોઈ પણ દૃશ્ય જબરદસ્તીનું નથી. કોઈ ઓવરઍક્ટિંગ નથી. તેમ જ વિક્રાન્ત મૅસી અને અર્જુન માથુર જેવી નૉર્મલ વ્યક્તિઓ માટે પણ આ પ્રકારના ગેનું પાત્ર ભજવવા ખૂબ જ હિંમત જોઈએ છે. આ શોને શશાંક અરોરા એટલે કે કૅમેરામૅન કબીરના ઍન્ગલથી કહેવામાં આવે છે જે ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. આ શો એક નહીં, બે નહીં, ત્રણ નહીં; પરંતુ ઘણાં કારણોસર જોવાને લાયક છે.

kalki koechlin zoya akhtar web series bollywood news