ગિલ્ટીમાં કોઈ ગિલ્ટી-પ્લેઝર નથી

08 March, 2020 03:44 PM IST  |  Mumbai Desk | Harsh Desai

ગિલ્ટીમાં કોઈ ગિલ્ટી-પ્લેઝર નથી

કિયારા અડવાણી

#Me Too પર આધારિત વેબ-ફિલ્મને કિયારા અડવાણી અને અનુષ્કા રંજન કપૂરે પોતાના ખભા પર લઈને ચાલવાની કોશિશ કરી છે, પરંતુ સ્ટોરીમાં દમ નથી : દલીપ તાહિલ જેવા ઍક્ટરને ચાર-પાંચ દૃશ્ય આપીને વેડફી નાખવામાં આવ્યા છે : કરણ જોહરની ફિલ્મોની જેમ આમાં પણ ક્લાઇમૅક્સ વધુપડતો ડ્રામૅટિક કરી નાખ્યો છે

નેટફ્લિક્સ પર સેક્સ્યુઅલ એસોલ્ટને લઈને ઘણી વેબ-સિરીઝ અને ફિલ્મો ઉપલબ્ધ છે. ‘૧૩ રીજન્સ વાય’ એમાં શ્રેષ્ઠ સિરીઝમાંની એક છે. જોકે સેક્સ્યુઅલ એસોલ્ટની સાથે #Me Too મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ઇન્ડિયામાં કોઈ ખાસ ફિલ્મ અત્યાર સુધી નહોતી બની, પરંતુ કરણ જોહરની શુક્રવારે રિલીઝ થયેલી વેબ-ફિલ્મ ‘ગિલ્ટી’ એના પર આધારિત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને અનુષ્કા રંજન કપૂર લીડ રોલમાં છે. નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ’ દ્વારા કિયારા રાતોરાત ફેમસ થઈ હતી તો અનુષ્કાએ ‘વેડિંગ પુલાવ’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને વેબ-શો ‘ફિતરત’માં મહત્ત્વનાં પાત્રો ભજવ્યાં છે.

આજે વિશ્વ મહિલા દિવસ છે અને આ વેબ-ફિલ્મને પણ ફક્ત મહિલાઓ પોતાના ખભે ઊંચકીને ચાલી છે. આ વેબ-ફિલ્મમાં કિયારાએ નાનકી દત્તાનું પાત્ર અને અનુષ્કાએ ધનબાદની હિન્દીભાષી છોકરી તનુનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મને કરણ જોહરના ધર્મેટિક પ્રોડક્શન-હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. કરણ જોહરની ફિલ્મોની સ્કૂલ અને કૉલેજ જગજાહેર છે. ફાઇવસ્ટાર હોટેલથી ઓછી નથી હોતી, પરંતુ વેબ-શો હોવાથી એની સ્કૂલનો ટેસ્ટ પણ ચેન્જ થઈ ગયો છે. આ વેબ-ફિલ્મમાં કૉલેજમાં હિરોઇન બૉડી-રિવિલિંગ ડ્રેસ પહેરતી અને ડ્રિન્ક કરતી દેખાડવામાં આવી છે તેમ જ કરણ જોહરની આ કૉલેજમાં ડ્રગ્સ સામાન્ય બાબત છે. નાનકી એક સૉન્ગ-રાઇટર હોય છે અને તે ડૂબીડૂ બૅન્ડમાં કામ કરતી હોય છે, જેમાં તેનો બૉયફ્રેન્ડ વીજે (વિજય પ્રતાપ સિંહ) લીડ સિંગર હોય છે. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે તેઓ દારૂ અને ડ્રગ્સ-પાર્ટી કરતા હોય છે અને એ રાતે એક ઘટના બને છે. તનુ આરોપ મૂકે છે કે વીજેએ તેના પર રેપ કર્યો છે. તે ટ્વિટર પર ટ્વીટ કરીને આ #Me Too હેઠળ આ વિશે માહિતી આપે છે અને વીજેના ફ્રેન્ડે આ રેપ જોયો પણ હતો એ પણ કહે છે. તેણે મૂકેલો આ આરોપ ચર્ચાનો વિષય બને છે અને જોતજોતામાં એ મીડિયા ટ્રાયલ પણ શરૂ થઈ જાય છે. જોકે વીજેના વકીલ દ્વારા આ કેસને પલટાવી નાખવામાં આવે છે.

કનિકા ઢિલ્લન, રુચિ નારાયણ અને અતિકા ચૌહાણ દ્વારા ‘ગિલ્ટી’ની સ્ટોરી લખવામાં આવી છે, પરંતુ એ પ્રૉબ્લેમથી ભરેલી છે. આ સ્ટોરીમાં #Me Tooનો તો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કોણ ‘ગિલ્ટી’ છે એની પાછળ ખૂબ જ સમય વેડફવામાં આવ્યો છે. નવા-નવા ટ્વિસ્ટ લાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ દરેક બૅકફાયર થયા છે અને એક સમય એવો આવે છે કે સ્ટોરી પ્રિડેક્ટેબલ બની જાય છે તેમ જ તેમણે ડાયલૉગ દ્વારા દરેક કૅરૅક્ટરને સ્લટ-શેમ કરવાની કોશિશ કરી છે અને દર્શકો પર એ જબરદસ્તી લાદવામાં આવી રહી હોય એવું લાગે છે. રુચિ નારાયણે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. જોકે ડિરેક્શનમાં પણ ખૂબ જ પ્રૉબ્લેમ છે. તે કોને ગિલ્ટી દેખાડવા માગે છે અને સ્ટોરીનો મુખ્ય હેતુ #Me Too છે એ ભૂલી ગઈ હોય એવું લાગે છે. #Me Tooનો આરોપ મૂકનાર તનુના પૉઇન્ટ ઑફ વ્યુથી સ્ટોરી કહેવામાં જ નથી આવી એટલે કે સ્ટોરી બૅલૅન્સિંગ કરવામાં નથી આવી. સ્ક્રીનપ્લે ખૂબ જ નબળો છે અને એને કારણે ફિલ્મ થોડી વધુ પડતી લાંબી લાગે છે. બે કલાકની હોવા છતાં ઘણા સમયથી જોઈ રહ્યા હોય એવું લાગે છે.

કિયારા અડવાણી આ ફિલ્મમાં સેન્ટર કૅરૅક્ટર છે, પરંતુ તેની પાસે વધુ ડાયલૉગ નથી. દમદાર ડાયલૉગની ફિલ્મમાં ખૂબ જ ખોટ સાલી છે અને જે ડાયલૉગ આપવામાં આવ્યા છે એ વધુપડતા ડ્રામૅટિક લાગે છે. ઓહ, ધર્મેટિક કોણે કહ્યું? અનુષ્કા રંજન કપૂરની ઍક્ટિંગની સાથે તેના ડાયલૉગ પણ ડ્રામૅટિક છે. એક દૃશ્ય છે જેમાં કૉલેજના લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ એ પણ દેખાવો કરતા હોય એવું લાગે છે. દલીપ તાહિલ જેવા દમદાર ઍક્ટરને વેડફી નાખવામાં આવ્યા છે. તેઓ લૉ ફર્મના માલિક હોય છે, પરંતુ તેમના ગણીને ચારથી પાંચ દૃશ્ય છે અને એમાં પણ એકમાં તેમને ડાન્સ કરતા દેખાડવામાં આવ્યા છે. તેમની ફર્મમાં કામ કરનાર વકીલ દાનિશનું પાત્ર તાહિર શબ્બીરે ભજવ્યું છે. તેણે ‘ફૅન’, ‘નામ શબાના’ અને ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મનો મેઇન પૉઇન્ટ એ છે કે વકીલને જાસૂસનું કામ કરતા દેખાડવામાં આવ્યા છે. દાનિશ પોતે વીજેનો વકીલ હોવા છતાં તે સતત તેની વિરુદ્ધ કેસ ફાઇલ કરતો હોય એવો અહેસાસ થાય છે. બીજી તરફ રેપ થયો હોવા છતાં અને મીડિયા ટ્રાયલ અને રૅલી થતી હોવા છતાં પોલીસ એફઆઇઆર કેમ નથી દાખલ કરતી એ સવાલ છે તેમ જ એક પણ દૃશ્ય પોલીસનું નથી. પોલીસ જ નહીં, કોર્ટરૂમનું એક પણ દૃશ્ય નથી.

આ વેબ-ફિલ્મમાં મુદ્દો સારો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ એને જોઈએ એવો એક્ઝિક્યુટ નથી કરી શકાયો તેમ જ ક્લાઇમૅક્સને કરણ જોહરની ફિલ્મોની જેમ ડ્રામૅટિક ઍન્ગલ આપવામાં આવ્યો છે. એક દૃશ્ય તો ‘ગેમ ઑફ થ્રોન્સ’ના ‘વૉક-ઑફ શેમ’ પરથી લીધું હોય એવું લાગે છે, પરંતુ એમ છતાં એને સારી રીતે દેખાડી નથી શકાયું.

bollywood bollywood news bollywood gossips harsh desai web series