તૈયાર થઈ જાઓ અ વાઇરલ વેડિંગ માટે

09 May, 2020 09:53 PM IST  |  Mumbai | Harsh Desai

તૈયાર થઈ જાઓ અ વાઇરલ વેડિંગ માટે

લૉકડાઉનમાં થિયેટર બંધ થઈ ગયાં છે પરંતુ એન્ટરટેઇનમેન્ટના ચાહકો માટે એક પછી એક વેબ-શો આવી રહ્યા છે. આવો જ એક વેબ-શો ‘અ વાઇરલ વેડિંગ - મેડ ઇન લૉકડાઉન’ને આજે સાંજે પાંચ વાગ્યે Erosnow.com પર રિલીઝ કરવામાં આવી રહ્યો છે. મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’માં જોવા મળેલી શ્રેયા ધન્વંતરી અને ‘ટ્રીપ્લિંગ’માં જોવા મળેલો અમોલ પાલસ્કર આ શોમાં જોવા મળશે. અણધાર્યા લૉકડાઉનને કારણે કેવા સંજોગો સર્જાય છે એની વાત ‘અ વાઇરલ વેડિંગ’માં કરવામાં આવી છે. ઘણા લોકોએ તેમનાં લગ્ન નક્કી કરી રાખ્યાં હતાં, પરંતુ લૉકડાઉનને કારણે એ પોસ્ટપોન કરવામાં આવ્યાં છે. જોકે એવા કેટલાક લોકો પણ છે જેમણે અવનવા આઇડિયા અપનાવ્યા હોય. આવા જ એક આઇડિયા પરથી વર્ચ્યુઅલ વેડિંગની આ શોમાં વાત કરવામાં આવી છે. ‘ધ ફૅમિલી મૅન’ના મેકર્સ રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડી. કે. દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનું પાત્ર ભજવતી નિશા (શ્રેયા) તેના મંગેતર રિશભ (અમોલ) સાથે એક પરીઓની કહાની જેવા વેડિંગની તૈયારી કરી રહી હોય છે. જોકે કોરોના વાઇરસને કારણે લૉકડાઉનના પગલે તેઓ વર્ચ્યુઅલ વેડિંગ કરે છે. આ શોમાં આઠ એપિસોડ છે અને દરેક નવ મિનિટના છે. આ વિશે અમોલ કહે છે, ‘લૉકડાઉનમાં પણ એક ક્રીએટિવ ટીમ સાથે મળીને આ ઇનોવેટિવ પ્રોસેસનો પાર્ટ બનવું ખુશીની વાત છે. આ એક યુનિક શો છે. એના મેકિંગની સાથે એની સ્ટોરી પણ યુનિક છે અને ઇરોઝ હેઠળ એ બની રહ્યો છે એ અમારા માટે ખૂબ જ સારી વાત છે. અમારા જેવા લોકો આ લૉકડાઉનમાં પણ કંઈક યુનિક કરવા માગે છે અને દર્શકો પણ કંઈક યુનિક જોવા ઇચ્છે છે. આથી આ બન્ને લોકો માટે સારી વાત છે.’

આ શોને લઈને શ્રેયાએ કહ્યું હતું કે ‘આ શોની શરૂઆતથી જ હું એની સાથે જોડાયેલી છું. ઇરોઝ દ્વારા એને બનાવવામાં આવ્યો એ અમારા માટે આશીર્વાદ સમાન છે. લૉકડાઉનમાં પણ શો બનાવવો અમારા માટે એક અલગ અનુભવ રહ્યો છે. ‘અ વાઇરલ વેડિંગ’માં દરેક વ્યક્તિ જે રીતે જીવી રહી છે એ જ જોવા મળશે. આ પરિસ્થિતિમાં અમે લગ્નનો ઉમેરો કર્યો છે એને દર્શકો પસંદ કરે એવી આશા છે.’

coronavirus covid19 entertainment news bollywood