23 January, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તસ્કરી’નો સીન
ઇમરાન હાશ્મીની વેબ-સિરીઝ ‘તસ્કરી’ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે અને રિલીઝ થતાં જ એને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ સિરીઝને માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ‘તસ્કરી’ ગુરુવાર સુધી વર્લ્ડવાઇડ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી હતી. આ સફળતાથી ખુશ થઈને ઇમરાન હાશ્મીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને પોતાના ફૅન્સનો આભાર માન્યો છે. આ ઉપરાંત જેમણે હજી સુધી સિરીઝ નથી જોઈ તેમને જરૂરથી જોવાની અપીલ ઇમરાને કરી છે.
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ સિરીઝે માત્ર દેશમાં જ નહીં, આખી દુનિયામાં પોતાની ધાક બેસાડી છે. રિલીઝના પહેલા જ અઠવાડિયામાં ‘તસ્કરી’ નેટફ્લિક્સના ગ્લોબલ ટૉપ 10 નૉન-ઇંગ્લિશ ટીવી-લિસ્ટમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. આવું કરનારી આ પહેલી ભારતીય સિરીઝ બની છે. ‘તસ્કરી’ ૯ દેશોમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે ૨૩ દેશોમાં એ ટૉપ 10માં સામેલ થઈ છે.
પોતાની સિરીઝની સફળતા બાદ ઇમરાન હાશ્મીએ એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે પોતાના ફૅન્સનો દિલથી આભાર માન્યો છે. વિડિયોમાં ઇમરાન કહે છે, ‘મારા બધા ફૅન્સનો ખૂબ આભાર... જેમણે ‘તસ્કરી’ને એટલો પ્રેમ આપ્યો. આ બધું માત્ર તમારા કારણે જ શક્ય બન્યું છે. મેં બધા કૉલ્સ અને મેસેજિસ જોયા છે અને હું દિલથી સૌનો આભાર માનું છું.’