26 March, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસલ મહેતાની ‘બિલ્યનેર’ માં જોવા મળશે અર્જુન રામપાલ
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં મેજર ઇકબાલના પાત્રથી પ્રશંસા મેળવનાર અભિનેતા અર્જુન રામપાલ હવે જલદી જ બિગ બજેટ OTT સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝનું નિર્દેશન હંસલ મહેતા કરી રહ્યા છે અને એનું નામ ‘બિલ્યનેર’ છે. આ સિરીઝનું MX પ્લેયર પર પ્રીમિયર થવાનું છે અને તાજેતરમાં એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અર્જુન રામપાલે આ પ્રોજેક્ટ પ્રત્યે પોતાનો ઉત્સાહ દર્શાવતાં કહ્યું હતું કે ‘હું આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છું. આવા પ્રકારનું પાત્ર દરરોજ મળતું નથી અને જ્યારે મળે છે ત્યારે એને પૂરી લગનથી નિભાવવું જોઈએ. હંસલ મહેતા અને રૉબી ગ્રેવાલ જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવું મારા માટે સપનું સાકાર થવા જેવું છે. મને વિશ્વાસ જ નથી થતો કે આ સપનું હવે જલદી પૂરું થવાનું છે. MX પ્લેયરની ટીમ સાથે જોડાઈને મને ખૂબ આનંદ છે જે આ સફરને વધુ ખાસ બનાવી રહી છે. તૈયારીઓ જલદી શરૂ થશે અને હું આ પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી રહ્યો છું, એને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે આ સફર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.’