વેબ-સિરીઝમાં યુવરાજ સિંહ જોવા નહીં મળે

20 February, 2020 04:47 PM IST  |  Mumbai Desk

વેબ-સિરીઝમાં યુવરાજ સિંહ જોવા નહીં મળે

ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે યુવરાજ સિંહ વેબ-સિરીઝમાં વાઇફ હેઝલ કિચ સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેણે એને નકારી કાઢી છે. આ વેબ-સિરીઝને લઈને એવી ચર્ચા ચાલી હતી કે યુવરાજનાં મમ્મી શબનમ સિંહ અને ભાઈ ઝોરાવર સિંહ એ વેબ-શો બનાવવાનાં છે. યુવરાજ અને હેઝલ પોતે પણ આ સિરીઝમાં ઍક્ટ કરવાનાં છે. આ પ્રોજેક્ટને આસામના ડ્રીમ હાઉસ પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરશે. આ વેબ-સિરીઝમાં અન્ય બૉલીવુડ ઍક્ટર્સ પણ કામ કરે એવી શક્યતા છે. એ વિશે યુવરાજનાં મમ્મી શબનમ સિંહે કહ્યું હતું કે ‘આ વેબ-સિરીઝ દ્વારા વિશ્વને રિયલ યુવરાજ સિંહ અને ઝોરાવર સિંહ જોવા મળવાના છે. વેબ-સિરીઝમાં સેન્ટ્રલ કૅરૅક્ટર તરીકે મારા નાના દીકરા ઝોરાવર પર ફોકસ કરવામાં આવશે. એક મા તરીકે મને મારા બન્ને દીકરા અને વહુ પર ગર્વ છે.’

જોકે તેની મમ્મીની આ કમેન્ટને લઈને એવું લાગી રહ્યું હતું કે યુવરાજ પણ કામ કરશે. આ વાતને અફવા ગણાવતાં યુવરાજે ટ્વીટ કર્યું હતું કે ‘અત્યારે એક સમાચાર એવા ચાલી રહ્યા છે કે હું વેબ-સિરીઝ દ્વારા મારું ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છું, પરંતુ એ ખોટા સમાચાર છે. આ વેબ-સિરીઝમાં મારો નાનો ભાઈ ઝોરાવર જોવા મળશે, હું નહીં. મીડિયાના મારા તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે તેઓ નકામી વાત પર ધ્યાન ન આપે. આભાર.’

web series entertaintment yuvraj singh