બ્રીધનું સાઇકોલૉજિકલ કૅરૅક્ટર કેટલું ફળશે અભિષેક બચ્ચનને?

22 January, 2020 02:00 PM IST  |  Panaji | Parth Dave, Rashmin Shah

બ્રીધનું સાઇકોલૉજિકલ કૅરૅક્ટર કેટલું ફળશે અભિષેક બચ્ચનને?

અભિષેક બચ્ચન

ગયા વર્ષે જાન્યુઆરીમાં આવેલી ઑનલાઇન પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમની ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘બ્રીધ’ની બીજી સીઝનનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ પૂરું થઈ ચૂક્યું છે. પહેલી સીઝનમાં ઇન્સ્પેક્ટર કબીર સાવંતના રોલમાં અમિત સાધ હતો અને ડેન્ઝીલ મસ્કેરેન્ઝનું મુખ્ય પાત્ર અભિનેતા આર. માધવને ભજવ્યું હતું. આ વખતે બીજી સીઝનમાં અમિત સાધ કન્ટિન્યુ કરશે અને માધવનની જગ્યાએ અભિષેક બચ્ચન મુખ્ય રોલમાં દેખાશે. ઑડિયન્સે વખાણેલી પહેલી સીઝનમાં પુત્રને પ્રોટેક્ટ કરવા માટે કોઈ પણ હદ સુધી જતા પિતાની વાત હતી.

સમાચાર આવ્યા છે કે ‘બ્રીધ’ની બીજી સીઝન સાઇકોલૉજિકલ-થ્રિલર હશે. પહેલીમાં આર. માધવન ઉપરાંત સપના પબ્બી, નીલા કુલકર્ણી, અથર્વા વિશ્વકર્મા, હૃષીકેશ જોશી સહિતના કલાકારો હતા. બીજીમાં સયામી ખૈર અને નિત્યા મેનન જેવાં જાણીતાં નામો ઉમેરાશે. ‘બ્રીધ’ની પહેલી સીઝનના ૮ એપિસોડ લખનારા મયંક શર્મા બીજી સીઝનના ડિરેક્ટર અને કો-રાઇટર છે. મયંક શર્મા સાથે ‘રાઝી’ લખી ચૂકેલી ભવાઈ અય્યર અને અદાલત સિરિયલના રાઇટર અર્શદ સૈયદ જોડાયાં છે.

આ સાઇકોલૉજિકલ-થ્રિલર ‘ઍરલિફ્ટ’, ‘ટૉઇલેટ-એક પ્રેમકથા’, ‘નૂર’ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલું અબ્યુડેન્ટિયા એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહી છે. અગાઉ મણિરત્નમની ‘ગુરુ’માં ગુરુકાન્ત દેસાઈનું ચૅલેન્જિંગ પાત્ર ભજવી ચૂકેલો અભિષેક બચ્ચન આ પાત્રને કેટલો ન્યાય આપી શક્યો છે એ જોવું રહ્યું. ‘બ્રીધ’નું જોનર એ પ્રકારનું છે કે એમાં મુખ્ય પાત્ર ગ્રે શેડ હોવાનું, જેના કારણે આર. માધવનની ઍક્ટિંગનાં પહેલી સીઝનમાં ખૂબ વખાણ થયાં હતાં અને હવે અભિષેકની ડામાડોળ કરીઅર આ ‘બ્રીધ’થી યોગ્ય રસ્તે ફંટાશે કે કેમ એ જોવું રહ્યું.

ક્રિસમસ પર નહીં તો ઉત્તરાયણે રિલીઝ થશે

ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરીઅર શરૂ કરવા જઈ રહેલા અભિષેક બચ્ચનની વેબ-સિરીઝ ‘બ્રીધ 2’ આ ક્રિસમસ વેકેશનમાં રિલીઝ થઈ જાય એવી શક્યતા છે. જો એ ક્રિસમસમાં રિલીઝ કરવામાં નહીં આવે તો ઉત્તરાયણ પછી એ રિલીઝ કરવામાં આવે એવું પણ બની શકે છે. ત્રણ મહત્ત્વની વેબ-સિરીઝની સેકન્ડ સીઝન સુપરફ્લૉપ થયા પછી અભિષેક બચ્ચન અને પ્રોડ્યુસર અબાડન્સિયા એન્ટરટેઇનમેન્ટે આખી વેબ-સિરીઝને ફરીથી હાથમાં લીધી અને એનું ચાર જગ્યાએ પોસ્ટમૉર્ટમ કરાવ્યું. હવે જે ફાઇનલ કટ રેડી થયો છે એનાથી બધા ખુશ હોવાથી ઍમેઝૉન પણ એની આ સક્સેસફુલ વેબ-સિરીઝને રિલીઝ કરવા માટે ઉતાવળિયું બન્યું છે.

‘બ્રીધ’ની પહેલી સીઝને ઍમેઝૉન પ્રાઇમને ઇન્ડિયામાં એસ્ટૅબ્લિશ કરવાનું કામ કર્યું હતું તો સાથોસાથ સૌકોઈને વેબ-સિરીઝની દુનિયા તરફ અટ્રૅક્ટ પણ એણે જ કર્યા હતા. એ દૃષ્ટિકોણથી આ સેકન્ડ સીઝન ઍમેઝૉન માટે પણ ખૂબ અગત્યની છે.

web series abhishek bachchan saiyami kher television news