બાબા રામ રહીમ પરની પ્રકાશ ઝાની વેબ-સિરીઝમાં સચિન શ્રોફની એન્ટ્રી

22 January, 2020 06:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

બાબા રામ રહીમ પરની પ્રકાશ ઝાની વેબ-સિરીઝમાં સચિન શ્રોફની એન્ટ્રી

અમદાવાદ : એક સમયે પોતાના જીવન પર પોતે જ ફિલ્મ બનાવનારા અને એમાં ઍક્ટિંગ કરનારા કથિત ‘બાબા’ ગુરમીત રામ રહીમ સિંહ અને તેની સંસ્થા ડેરા સચ્ચા સૌદા પર ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર માટે વેબ-સિરીઝ બનાવવાનું અનાઉન્સ થયું છે. રેપ અને મર્ડરના કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા રામ રહીમ અને તેના જેવા ઢોંગી બાબાઓના જીવન પરથી વેબ-સિરીઝ બનાવવાની જાણીતા ડિરેક્ટર પ્રકાશ ઝાએ તૈયારી કરી લીધી છે. પ્રકાશ ઝાની ડિજિટલ ડેબ્યુ ‘ડેરા’ નામની આ સિરીઝમાં રામ રહીમ જેવા ગેટ-અપવાળું પાત્ર બૉબી દેઓલ ભજવવાનો છે.

બૉબી દેઓલની આ બીજી વેબ-સિરીઝ છે. આ પહેલાં તેણે શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બની રહેલી ‘ક્લાસ ઑફ ૮૩’ સાઇન કરી છે. ‘ડેરા’માં લીડ ફીમેલ કૅરૅક્ટર અનુપ્રિયા ગોએન્કા ભજવશે. સાત ફેરે, શગૂન, હર ઘર કુછ કહેતા હૈ, બાલિકા વધૂ સહિતની અઢળક સિરિયલો તથા ઍડ-ફિલ્મ્સ કરી ચૂકેલો સચિન શ્રોફ પણ ‘ડેરા’માં મહત્ત્વના રોલમાં દેખાશે. ગંગાજલ, અપહરણ, રાજનીતિ જેવી રાજકીય પૃષ્ઠભૂવાળી ફિલ્મો માટે જાણીતા પ્રકાશ ઝા ડિરેક્ટર હોવાથી ‘ડેરા’ને પણ પૉલિટિકલ સટાયર ટ્રીટમેન્ટ અપાશે એ નક્કી છે.

entertaintment web series