મનોજસર સિવાય કોઈને ધ ફૅમિલી મૅનની સ્ક્રિપ્ટ નહોતી મળી

22 January, 2020 06:03 PM IST  |  મુંબઈ ડેસ્ક | પાર્થ દવે

મનોજસર સિવાય કોઈને ધ ફૅમિલી મૅનની સ્ક્રિપ્ટ નહોતી મળી

અમદાવાદ : ૨૦ સપ્ટેમ્બરે ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ પર સ્પાય-ડ્રામા ઝોનરની ‘ધ ફૅમિલી મૅન’ વેબ-સિરીઝ રિલીઝ થઈ, જે શોર ઇન ધ સિટી, ગો ગોઆ ગોન, અ જેન્ટલમૅનની ડિરેક્ટર-બેલડી રાજ ઍન્ડ ડિકેએ ક્રીએટ અને ડિરેક્ટ કરી છે. મનોજ બાજપાઈ મુખ્ય રોલમાં હતો અને તેની પત્ની સુચિત્રા તિવારીના પાત્રમાં ૫૦થી વધુ ફિલ્મો કરી ચૂકેલી દક્ષિણની નૅશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી પ્રિયામણિ હતી. તેણે ‘મિડ-ડે’ સાથે અમુક રસપ્રદ કિસ્સા શેર કર્યા હતા.

સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી મને પર્સનલી હજી સુધી કોઈ રિસ્પૉન્સ નથી મળ્યો
‘ધ ફૅમિલી મૅન’નું પ્રિયામણિનું પાત્ર સુચિત્રા તિવારીને દર્શકોએ પસંદ કર્યું છે. બૅન્ગલોરમાં જન્મેલી અને તેલુગુ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરનાર પ્રિયામણિ કહે છે કે ‘ધ ફૅમિલી મૅન’માં મૂસાનું પાત્ર ભજવનાર નીરજ માધવ કેરળનો છે. માટે તેણે મલયાલમ ભાષામાં સિરીઝને લઈને એક શો રાખ્યો હતો. એ દરમ્યાન લોકોનો પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો હતો. દક્ષિણની જાણીતી અભિનેત્રીઓ સામંથા અને રકુલ પ્રીત સિંહે ટ્વીટ કર્યું હતું, પણ ઇન્ડસ્ટ્રીમાંથી પર્સનલી મને કોઈએ અત્યાર સુધી કોઈ રિસ્પૉન્સ નથી આપ્યો.

ભાષાનો કોઈ પ્રૉબ્લેમ ન થયો
વિદ્યા બાલનની કઝિન સિસ્ટર પ્રિયામણિનો હિન્દી પ્રોજેક્ટમાં આ પહેલો ફુલ-ફ્લેજ્ડ રોલ છે. ૧૦-૧૦ એપિસોડ સુધી હિન્દી ભાષા બોલવામાં તકલીફ ન પડી? તે કહે છે કે ‘સ્કૂલમાં હિન્દી મારી સેકન્ડ લૅન્ગ્વેજ હતી. માટે હિન્દી બોલવામાં મને વાંધો નહોતો આવ્યો. જોકે મને માત્ર પહેલા એપિસોડની જ બ્રીફ આપવામાં આવી હતી. બાકી મને ઑન ધ સ્પૉટ ખબર પડતી કે કયા એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું છે. આઇ થિન્ક, મનોજસર સિવાય કોઈને આખી સિરીઝની સ્ક્રિપ્ટ નહોતી આપવામાં આવી. હું નવમા એપિસોડ સિવાય બધા એપિસોડમાં છું છતાં મને સ્ક્રિપ્ટ નહોતી આપવામાં આવી.’

મનોજસર રિહર્સલમાં એક, ટેકમાં બીજું અને રીટેકમાં ત્રીજું જ કંઈક કરતા
પ્રિયામણિ મનોજ બાજપાઈ સાથેના એક સીન વિશે વાત કરતાં કહે છે કે ‘ચોથા એપિસોડમાં શ્રીકાંત દારૂ પીને ઘરે આવે છે અને સુચિત્રા સાથે ઝઘડે છે. એ થોડો લાંબો સીન હતો. ડિરેક્ટર રાજ અને ડિકેને એમ હતું કે કેટલાય દિવસોથી શૂટિંગ કરીએ છીએ, બન્ને કલાકાર હોશિયાર છે એટલે આ સીન તો આરામથી શૂટ થઈ જશે, પણ એ સીનમાં અમે બહુબધા રીટેક લીધા. બહુ વાર લાગી. અમારો આખો દિવસ પૂરો થઈ ગયો હતો. અમે એમાં ઘણા ઇમ્પ્રોવાઇઝ પણ કર્યાં હતાં. બીજું એ કે મનોજસર રિહર્સલ વખતે કંઈક અલગ જ કરે અને સેટ ઉપર કંઈક અલગ ઍક્ટ કરે. જો રીટેક થાય તો ફરી અલગ કરે. એટલે અમારા માટે એ થ્રિલ રહેતું કે હવે મનોજસર શું કરવાના છે! તમે તેમને ક્યારેય ધારી ન શકો! તેઓ સ્ક્રિપ્ટ બહારનું કંઈ પણ જબરદસ્ત રીતે કરી શકે.’

સ્પાય-સ્ટોરીમાં ફીમેલ કૅરૅક્ટરને ફુટેજ મળવું અઘરું
પ્રિયામણિને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા તરફથી કૉલ આવ્યો હતો. વાર્તા અને પાત્ર વિશે સાંભળ્યા પછી પ્રિયામણિએ હા ભણી હતી. તે પોતાના પાત્ર વિશે કહે છે કે ‘આઠ-દસ એપિસોડની સિરીઝમાં અને એમાંય ખાસ કરીને સ્પાય-સ્ટોરીમાં ફીમેલ કૅરૅક્ટર હોવું અને તેને સ્ક્રીન પ્રેઝન્સ મળવી એ અઘરું છે. સામાન્ય રીતે આવી સિરીઝમાં અભિનેત્રીઓનું કામ ખાલી દેખાવાનું જ હોય છે અને સુચિત્રા તો જાસૂસની પત્ની છે એટલે તો કામ સાવ ઘટી જાય, પણ અહીં સુચિત્રાનું અને તેનાં બે બાળકોનાં પાત્રો પણ મહત્ત્વનાં હતાં.’

entertaintment