કંઈક નવી અને અસાધારણ વસ્તુને એક્સપ્લોર કરવાની ચૅલેન્જ સ્વીકારવી મને ગમે છે : રેવતી

06 April, 2023 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોમૅન્ટિક ફૅન્ટસી થ્રિલર વીસ એપ્રિલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાની છે

રેવતી

રેવતીએ જણાવ્યું છે કે તેને કંઈક નવી અને અસાધારણ વસ્તુને એક્સપ્લોર કરવાની ચૅલેન્જ સ્વીકારવી ગમે છે. તે વેબ-સિરીઝ ‘ટૂથ પરી : વેન લવ બાઇટ્સ’માં દેખાવાની છે. આ રોમૅન્ટિક ફૅન્ટસી થ્રિલર વીસ એપ્રિલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એમાં શાંતનુ મહેશ્વરી અને તાન્યા માણિકતલા પણ જોવા મળશે. આ સિરીઝમાં લુના લુકાના રોલ વિશે રેવતીએ કહ્યું કે ‘હું જે પણ પ્રોજેક્ટ પસંદ કરું છું એની પાછળ ખૂબ વિચાર કરું છું અને ‘ટૂથ પરી : વેન લવ બાઇટ્સ’ એનાથી બાકાત નથી. મેં જ્યારે એની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે આવા વિષય પર મેં અગાઉ કદી કામ નથી કર્યું. આ રોજબરોજની સાધારણ સ્ટોરી નથી, પરંતુ હટકે છે જેને અમારા ડિરેક્ટર પ્રતિમ દાસગુપ્તાએ સાકાર કરી છે અને એને સિટી ઑફ જૉય કલકત્તામાં બનાવવામાં આવી છે.’

ચૅલેન્જ લેવી ગમે છે એ વિશે રેવતીએ કહ્યું કે ‘નવા અને કંઈક અસામાન્ય ફૉર્મેટ્સને એક્સપ્લોર કરવાની ચૅલેન્જ મને સ્વીકારવી ગમે છે. આ સિરીઝમાં મેં સ્ટ્રૉન્ગ, પોતાના પર અતૂટ વિશ્વાસ રાખનાર અને તમામ પડકારોનો સામનો કરનાર વ્યક્તિનો રોલ કર્યો છે. મને આવા રોલ્સ ભજવવા ગમે છે.’

entertainment news bollywood netflix Web Series