વેબ - શો રિવ્યુ: ધ ફૅમિલી મૅન - સામાન્ય વ્યક્તિનો ઇન્ટેલિજન્સ હીરો

22 January, 2020 06:29 PM IST  |  મુંબઈ

વેબ - શો રિવ્યુ: ધ ફૅમિલી મૅન - સામાન્ય વ્યક્તિનો ઇન્ટેલિજન્સ હીરો

મનોજ બાજપાઈ

મુસ્લિમો સાથેના સોશ્યલ ઇશ્યુ, હિન્દુ નૅશનલિઝમ, ગૌહત્યા, મૉબલિન્ચિંગ, માસ સર્વેલન્સ અને એક સામાન્ય માણસને જીવનમાં પડતી સમસ્યાઓેને લગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’ બનાવવામાં આવી છે. મીડિયામાં છપાયેલા સમાચારો પરથી પ્રેરણા લઈને આ શો બનાવવામાં આવ્યો છે. હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલા આ શોમાં મનોજ બાજપાઈ, પ્રિયામણિ, શરદ કેળકર, શ્રેયા ધન્વંતરી, ગુલ પનાગ, દર્શન કુમાર, દલિપ તાહિલ જેવા ઘણા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. દસ એપિસોડમાં બનેલી આ સીઝનમાં એક ફૅમિલી મૅન, જે ઇન્ટેલિજન્સ ઑફિસર પણ હોય છે એની વાત કરવામાં આવી છે.

ઇન્ટેલિજન્સ ઑફિસરની ફિલ્મોમાં મોટા ભાગે તેમની રિયલ લાઇફમાં શું થતું હોય છે એ ભાગ્યે જ અથવો તો ઉપર-ઉપરથી દેખાડી દેવામાં આવે છે.

જૉન એબ્રાહમની ‘બાટલા હાઉસ’માં પણ તેની પર્સનલ લાઇફ કેવી હતી એ ઉપર-ઉપરથી દેખાડવામાં આવ્યું હતું. જોકે રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સિરીઝ એકદમ અલગ અને હટકે છે. આ સિરીઝમાં મનોજ બાજપાઈએ થ્રેટ ઍનૅલિસિસ ઍન્ડ સર્વેલન્સ સેલના ઑફિસર શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવ્યું છે.

વાસ્તવિકતાની નજદીક

આ સિરીઝનો પ્લસ પૉઇન્ટ છે એને બને એટલી વાસ્તવિકતાની નજીક રાખવામાં આવી છે. શ્રીકાંત શું પહેરે છે, શુ ખાય છે, શું બોલે છે વગેરે પર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં બાળકો સામે ગાળ ન બોલી શકતો વ્યક્તિ ડ્યુટી પર હોય ત્યારે કેવી રીતે ગાળાગાળી કરે છે. બાળકોને જન્ક ફૂડથી દૂર રાખતો પોતે વડાપાંઉ વગર નથી રહી શકતો. સિગારેટ અને આલ્કોહૉલથી પોતે દૂર નથી રહી શકતો. એક સામાન્ય વ્યક્તિ રોજ રાતે ઘરે આવી તેની ઑફિસની વાત પરિવાર સાથે કરી શકે છે, પરંતુ મનોજ બાજપાઈ પાસે જૂઠું બોલવા સિવાય કોઈ બીજો ઑપ્શન નથી. ઇન્ટેલિજન્સ ઑફિસર તરીકે તે ભલે ગમેતેટલો સારો વ્યક્તિ હોય, પરંતુ તેણે ઘરમાં એક ‘લૂઝર’ તરીકે બનીને રહેવું પડે છે જેથી તેના કામની જાણ તેના પરિવારને ન થાય. એક રીતે જોવા જઈએ તો મનોજ બાજપાઈ આ શોમાં બે લાઇફ જીવી રહ્યો હોય છે. તેમની મૅરિડ લાઇફના પ્રૉબ્લેમને કારણે પ્રિયામણિ (સુચિત્રા) પણ કંટાળી ગઈ હોય છે.

ડિરેક્શન, લોકેશન અને એડિટિંગ

‘ગો ગોઆ ગૉન’, ‘શોર ઇન ધ સિટી’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મો બનાવનાર રાજ અને ડી.કે. એ આ સિરીઝને સ્પાય અને થ્રિલર બનાવવાની સાથે એમાં થોડી કૉમેડીનો પણ તડકો લગાવ્યો છે. ડિરેક્શનને જોઈએ તો તેમણે ખૂબ જ અદ્ભુત ડિરેક્શન કર્યું છે. કેટલીક લૉન્ગ સીક્વન્સમાં સિંગલ કૅમેરાનો ઉપયોગ કર્યો હોય એવું પણ દેખાય છે. તેમ જ તેમણે શ્રીનગરને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે. તેમને એક ગામ એટલું પસંદ પડી ગયું હતું કે તેમણે મનોજ બાજપાઈ અને એક આતંકવાદી વચ્ચે એ ગામડાની સુંદરતા દેખાડવા માટે એક ચેઝ સીક્વન્સ પણ ઉમેરી હતી. ડિરેક્શનની સાથે તેમણે આ શોના રાઇટિંગ પર પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે. અત્યાર સુધી કાશ્મીર એટલે આતંકવાદ જ દેખાડવામાં આવતો હતો, પરંતુ આ સિરીઝમાં ત્યાંના કલ્ચરને પણ સુંદર રીતે વણી લેવામાં આવ્યું છે. આ માટે એક ખાસ ગીતનો પણ શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈથી શરૂઆત થતી આ સિરીઝ, શ્રીનગર અને ત્યાંથી બલૂચિસ્તાન અને ત્યાર બાદ દિલ્હીમાં એનો અંત થાય છે. બલૂચિસ્તાનના એક દૃશ્ય માટે રાજ અને ડી.કે.એ લેહ પૅલેસનો ઉપયોગ કર્યો હતો. પૅલેસના બાંધકામને કોઈ પણ જાતની છેડછાડ ન કરવાની શરતે ત્યાં શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને એ દૃશ્યને ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે. લોકેશનની દૃષ્ટિએ દરેક જગ્યાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. એડિટિંગ થોડું વધુ ચુસ્ત બનાવવાની જરૂર હતી. ઘણી જગ્યાએ વિડિયો અને ઑડિયો વચ્ચે તાલમેલ પણ નહોતો લાગતો.

બાજપાઈ સાબને ધો ડાલા

મનોજ બાજપાઈની ઍક્ટિંગ પર સવાલ ઉઠાવવો શક્ય નથી. આ શોમાં પણ હંમેશાંની જેમ તેની ઍક્ટિંગ કમાલ છે. તેની સામાન્ય વ્યક્તિની પર્સનાલિટી આ શોમાં ખૂબ જ કામ આવી છે, કારણ કે એ જ આ શોનો મુખ્ય હેતુ છે. એક ઇન્ટેલિજન્સ ઑફિસર પણ એક સામાન્ય એટલે કે ફૅમિલી મૅન છે અને એથી જ મનોજ બાજપાઈ એમાં એક નંબર છે. તે શોમાં વારંવાર જૂઠું બોલે છે અને એટલી શિદ્દતથી બોલે છે કે આપણને તે જૂઠું બોલી રહ્યો હોવા છતાં એ સાચું લાગે છે. તેમ જ તેના મોઢામાંથી દર બીજી મિનિટે નીકળતી ગાળ પણ સારી લાગે છે. તેનું ફ્સ્ટ્રેશન લેવલ અને ગાળના સમયનો તાલમેલ ખૂબ જ સારો બેસાડવામાં આવ્યો છે. તેના સાથી જે. કે. તલપડેના પાત્રમાં શારિબ હાશ્મીને પસંદ કરવામાં આવ્યો છે. જોકે તે કોઈ ઍન્ગલથી ઇન્ટેલિજન્સ ઑફિસર નથી લાગતો. તેમ જ તેની પાસે એવું કામ પણ નથી કરાવવામાં આવ્યું. તે હંમેશાં શ્રીકાંત પર નિર્ભર રહે છે. પ્રિયામણિનું પાત્ર ખૂબ જ સુંદર છે અને તેણે એ ખૂબ જ સારી રીતે કરી દેખાડ્યું છે. આતંકવાદ અને આઇસિસની સાથે મનોજ બાજપાઈની ફૅમિલી લાઇફની પણ સ્ટોરી લાઇન સતત ચાલતી રહી છે. આ સ્ટોરી લાઇનમાં સુચિત્રા અને અરવિંદ (શરદ કેળકર) વચ્ચે નજદીકી વધતી દેખાડવામાં આવી છે. દલિપ તાહિલ નાના પાત્રમાં છે તો ગુલ પનાગ પાસે પણ કોઈ ખાસ કામ નથી. આ શોની જવાબદારી મનોજ બાજપાઈના માથે છે, પરંતુ મૂસાનું પાત્ર ભજવનાર નીરજ માધવ અને સાજિદનું પાત્ર ભજવતો શાબદ અલી પ્લસ પૉઇન્ટ છે. તેમની ઍક્ટિંગ જોરદાર છે. દર્શનકુમાર પાકિસ્તાની આર્મીમાં હોય છે. તેની પાસે સ્ટાઇલમાં વૉક કરાવવા કરતાં વધુ સારી રીતે કામ કરાવી શકાયું હોત, કારણ કે તે પણ એક ટૅલન્ટેડ ઍક્ટર છે. મનોજ બાજપાઈનાં બાળકો અથર્વના પાત્રમાં વેદાંત સિંહા અને ધ્રિતીના પાત્રમાં મહેક ઠાકુરે કામ કર્યું છે. બન્નેનાં પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યાં છે તેમ જ તેમણે કામ પણ ઉમદા કર્યું છે.

...તેરા ધ્યાન કિધર હૈ

આ શોની સ્ટોરી લાઇન ખૂબ જ કાળજીપૂર્વક લખવામાં આવી છે. દસ એપિસોડ સુધી આગળ શું થવાનું છે એની સતત લોકોમાં અપેક્ષા જગાડી તેમને મનોરંજન પીરસવું સહેલી વાત નથી. જોકે એમ છતાં એમાં કેટલીક ખામી છે. પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફને ઘણી સારી રીતે દેખાડવામાં આવી છે, પરંતુ સ્ટોરીનો અંત થતાંની સાથે જ પર્સનલ લાઇફને જલદી-જલદી પૂરી કરી દેવામાં આવી હોય એવું લાગે છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે ક્યાંક સ્ટોરી લટકતી રહી ગઈ છે. સુચિત્રા અને અરવિંદ વચ્ચે નજદીકી વધી જાય છે. તેઓ એક હોટેલમાં સાથે રહે છે, પરંતુ તેમની વચ્ચે એ રાતે શું થાય છે એ કંઈ દેખાડવામાં નથી આવતું. સીધું દેખાડવામાં આવે છે કે અરવિંદ મેસેજ કરે છે કે ફરી ક્યારે મળીશું અને સુચિત્રા એનો જવાબ આપે છે કે મને નથી ખબર. તેમની વચ્ચે કંઈ થયું એ ચોક્કસ છે, પરંતુ એને બીજી સીઝન માટે બચાવી રાખ્યું હોય તો નવાઈ નહીં. જોકે એ વસ્તુ અહીં ખટકે છે. એક દૃશ્યમાં અથર્વને તેના પિતાની બંદૂક મળે છે અને મસ્તીમાં તે ઑલમોસ્ટ ગન ચલાવી દે છે. આ દૃશ્ય ખૂબ જ સારી રીતે દેખાડવામાં આ‍વ્યું છે, પરંતુ અથર્વ એ બંદૂકને સોફા પર તકિયા નીચે સંતાડી દે છે. ત્યાર બાદ એનું શું થાય છે એ દેખાડવામાં નથી આવ્યું. તેમ જ બંદૂકના દરેક ઍક્શન દૃશ્યને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ચપ્પુનો ઉપયોગ કરી આતંકવાદીઓ જે ઘાતકી હિંસા કરે છે એ દૃશ્યો પણ ખૂબ જ કંપારી અપાવે એવાં છે.

આ પણ વાંચો : દેવોલીના ભટ્ટાચાર્જી અને સિદ્ધાર્થ શુક્લા જોવા મળશે બિગ બૉસમાં

જોકે જેટલી પણ હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બૅટ સીક્વન્સ છે એ એટલી સારી રીતે દેખાડી નથી શકાઈ. કેરળના કેટલાક યુવાનો આઇસિસમાં જોડાઈ જાય છે તેમ જ રાષ્ટ્રગીત પર ઊભી ‍થનાર વ્યક્તિને ઍન્ટિ-નૅશનલ કહી દેવામાં આવે એવાં ઘણાં દૃશ્યો દેખાડવામાં આવ્યાં છે. આ રીતે વેબ-શોમાં સોસાયટી પર ઘણા સવાલો પણ કરવામાં આવ્યા છે.

web series manoj bajpayee