વેબ-સિરીઝ પર સેન્સરશિપ શક્ય જ નથી : અસ્મિત પટેલ

13 February, 2020 02:12 PM IST  |  Ahmedabad | Parth Dave

વેબ-સિરીઝ પર સેન્સરશિપ શક્ય જ નથી : અસ્મિત પટેલ

ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ઉલ્લુ ઍપ પર આવનારી સિરીઝ ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’માં ટીવી-ઍક્ટર ઇકબાલ ખાન અને બિગ બૉસ તથા હિન્દી ફિલ્મોમાં દેખાયેલા અસ્મિત પટેલ મુખ્ય કલાકારો છે. ‘મિડ-ડે’ સાથે સિરીઝ વિશે વાત કરતાં અસ્મિત પટેલે કહ્યું કે ‘આમાં મુખ્ય વાત શૅરબજારથી વધુ રિલેશનશિપની છે. સિરીઝમાં બે ભાઈઓની વાર્તા છે. ઇકબાલ ખાન હર્ષિત નામના પાત્રમાં છે અને મારા મોટા ભાઈ છે. શૅરબજાર અને ગુજરાતનો માત્ર બૅકડ્રૉપ જ લેવામાં આવ્યો છે, કેમ કે મોટા ભાગના બિઝનેસમૅન ગુજરાતી હોય છે!’

અસ્મિતે વેબ-સિરીઝ અને સેન્સરશિપ વિશે વાત કરતાં કહ્યું કે ‘હવેનો જમાનો વેબ-સિરીઝનો છે અને એનું શૂટિંગ પણ ફિલ્મોની જેમ જ થતું હોવાથી કંઈ અઘરું નથી લાગતું. રહી વાત સેન્સરશિપની તો શું જોવું અને શું ન જોવું એ લોકોના હાથમાં છે. સેન્સરશિપ આમ પણ શક્ય નથી, કેમ કે ઇન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે, તમારે આખા ઇન્ટરનેટને સેન્સર કરવું પડશે! જો સરકાર એને કોઈ રીતે રોકવાનો પ્રયત્ન કરશે તો લોકો પોતાનો વિકલ્પ શોધી જ લેવાના છે.’

૬ એપિસોડમાં બનેલી ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ બાદ અસ્મિત ‘દલ્લા’ નામની વેબ-સિરીઝમાં જોવા મળશે એવું તેણે જણાવ્યું હતું.

web series entertaintment parth dave ashmit patel