કાશી પહોંચ્યાં હપ્પુ સિંહ અને રાજેશ

10 November, 2022 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવદિવાળીના સેલિબ્રેશન માટે તેઓ ફૅમિલી સાથે બનારસ પહોંચે છે

કામના પાઠક અને યોગેશ ​ત્રિપાઠી

યોગેશ ​ત્રિપાઠી અને કામના પાઠક હાલમાં જ વારાણસી પહોંચ્યાં છે. એન્ડટીવી પર આવતા ‘હપ્પુ કી ઉલ્ટન પલટન’માં તેઓ હપ્પુ સિંહ અને રાજેશનું પાત્ર ભજવી રહ્યાં છે. દેવદિવાળીના સેલિબ્રેશન માટે તેઓ ફૅમિલી સાથે બનારસ પહોંચે છે. આ વિશે વાત કરતાં યોગેશ ત્રિપાઠીએ કહ્યું કે ‘કાશીમાં રહેતા દરેકને દેવદિવાળીની શુભેચ્છા. અમારા ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ફૅન્સ છે. આથી અમે વારાણસી જવાનું નક્કી કર્યું હતું. વારાણસી ઇન્ડિયાનાં સૌથી જૂનાં શહેરોમાંનું એક છે અને અહીં દુનિયાના સૌથી ફેમસ મંદિરમાંનું એક છે. આથી દેવદિવાળીમાં અહીં મુલાકાત કરવાથી સારી વાત શું હોઈ શકે? અમે જ્યાં જતાં ત્યાં મને ફૅન્સ દ્વારા અરે દાદા કહીને બોલાવવામાં આવતો હતો અને એની મને ખૂબ જ ખુશી થઈ હતી. અમે લોકોને મળવાની સાથે લોકલ સ્ટ્રીટ ફૂડનો લહાવો લેવાની સાથે શૉપિંગ પણ કર્યું હતું.’

પહેલી વાર બનારસની મુલાકાત લેનારી કામના પાઠકે કહ્યું કે ‘અમારા દર્શકોને દેવદિવાળીની શુભેચ્છા. અમારો શો દર્શકો સાથે ખૂબ જ કનેક્ટ કરે છે અને એથી જ અમે વારાણસી આવીને લોકોને મળવાનું નક્કી કર્યું હતું. વારાણસી પૉકેટ-ફ્રેન્ડ્લી છે અને અહીં સ્ટ્રીટ ફૂડથી લઈને ફરવાની પણ ઘણી જગ્યા છે. મને ખુશી છે કે મને કાશીની મુલાકાત લેવાની તક મળી.’

entertainment news television news indian television varanasi Kashi