02 April, 2021 02:54 PM IST | Mumbai | Nirali Dave
ઓજસ રાવલ
સોની ટીવીના શો ‘સરગમ કી સાઢેસાતી’માં આસ્તિક અવસ્તીનું પાત્ર ભજવી રહેલા ઍક્ટર ઓજસ રાવલની ‘લેડીઝ સ્પેશ્યલ’ બાદની આ બીજી સિરિયલ છે. ઓજસ કહે છે, ‘બન્ને શો એક જ પ્રોડક્શન-હાઉસ ઑપ્ટિમિસ્ટિક્સના હતા અને બન્નેમાં મારાં પાત્રો મજેદાર છે. ‘લેડીઝ સ્પેશ્યલ’થી હું ઍક્ટર તરીકે પ્રાઇમ ટાઇમ હિન્દી સિરિયલમાં એસ્ટૅબ્લિશ્ડ થયો.’
નેવુંના દાયકામાં આવતા ‘દેખ ભાઈ દેખ’ જેવું જ ફૅમિલી મૉડલ ધરાવતો ‘સરગમ કી સાઢેસાતી’ એક સિચુએશનલ કૉમેડી ડ્રામા છે. જોકે ઓજસ રાવલને આ શો કરવાની મજા એક અન્ય કારણે પણ આવે છે. તે કહે છે, ‘શોમાં વડસસસરાના પાત્રમાં ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર સનત વ્યાસ છે અને પિતાના પાત્રમાં એવા જ દમદાર અભિનેતા દર્શન જરીવાલા છે. જ્યારે શોમાં બ્રેક પડે કે સીન ચેન્જ થતા હોય કે શૂટિંગ વચ્ચે સમય મળે ત્યારે મને ગુજરાતી રંગભૂમિ વિશે, કાંતિ મડિયા, શૈલેશ દવે, પ્રવીણ જોશી વિશે જાણવા-સાંભળવા મળે છે. મારી જનરેશનને ખબર ન હોય એવી અઢળક વાતો મને જાણવા મળે છે. એ વખતે ત્રણ કલાકના બે ઇન્ટરવલવાળાં નાટકો થતાં; જૂના રંગમંચ કેવા હતા, વર્કશૉપ કઈ રીતે થતી એ વિશે હું તેમને પૂછતો હોઉં છું. કહોને કે ગુજરાતી રંગભૂમિનાં સંભારણાંમાં અમે વાગોળતા હોઈએ છીએ સેટ પર.’
ઍક્ટરની સાથે ઓજસ રાવલ જાણીતા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન પણ છે.
જોકે હાલમાં કોરોનાને કારણે તેઓ સ્ટૅન્ડ-અપને મિસ કરી રહ્યા છે. ઓજસે લૉકડાઉન દરમ્યાન ‘રહસ્યમ્’, ‘સ્વાગતમ્’ અને ‘ધુમ્મસ’ નામની ફિલ્મોનું શૂટિંગ કર્યું છે.