રણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?

06 February, 2021 02:56 PM IST  |  Mumbai | Mid-day Correspondent

રણવીર પાસેથી શેની પ્રેરણા લીધી તનાઝ ઈરાનીએ?

તનાઝ ઈરાની

મહારાણી રાજેશ્વરીના રોલ માટે રણવીર સિંહ પાસેથી પ્રેરિત થઈને તનાઝ ઈરાનીએ પણ પોતાને લોકોથી અળગી કરી દીધી હતી. ઝી ટીવી પર આવતી ‘અપના ટાઇમ ભી આએગા’માં દેખાડવામાં આવ્યું છે કે મેઘા રે જે રાનીનું પાત્ર ભજવે છે તે ગામડામાં રહે છે, પરંતુ તેનાં સપનાંઓ મોટાં હોય છે. તેને મેકૅનિકલ એન્જિનિયર બનવું છે. જોકે પરિસ્થિતિઓ એવી ઘડાય છે કે તેને પોતાના પિતા રામધીરની ડ્રાઇવરની નોકરી સંભાળવી પડે છે. આ શોમાં તનાઝ સ્ટ્રિક્ટ મહારાણી રાજેશ્વરીનો રોલ કરી રહી છે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે કેવા પ્રકારની તૈયારી કરી હતી એ વિશે તનાઝે કહ્યું હતું કે ‘આ પાત્ર ભજવવું મારા માટે અઘરું હતું, કારણ કે મારા સ્વભાવ કરતાં એ એકદમ અલગ છે. મને વાતો કરવી અને નવા લોકો સાથે મળવું ગમે છે. હું હંમેશાં કોઈ પણ પાર્ટીની જાન બની જાઉં છું, પરંતુ હાલના રોલમાં એની જરૂર નહોતી. એથી મારા કૅરૅક્ટરમાં નેગેટિવિટી લાવવા માટે મેં મારી ટીમથી અંતર જાળવી રાખ્યું હતું. એવું કરીને તેમની સાથે મને ખૂબ મજા પણ આવી હતી. મને એવું લાગ્યું કે જો હું તેમની સાથે હળીમળીને રહીશ અને સેટ પર દરેક સાથે ફ્રેન્ડ્લી રહીશ તો મારા પાત્રની આખી ઇમેજ ભાંગી જશે. તેમની સાથે સ્ટ્રિક્ટ અને કઠોર રહીશ તો સ્વાભાવિક છે કે તેમના મનમાં મારા પ્રતિનું માન ઘટી જશે અને મારા કૅરૅક્ટરની જે ઑરા છે એ જળવાઈ રહેશે. એ ચોક્કસ અઘરું તો હતું, પરંતુ એને કારણે વાતાવરણ ચાર્જ્ડ રહેતું હતું અને દરેક કામને લઈને સંતુષ્ટ હતા. આખરે આપણે બધા અહીં કામ માટે તો આવ્યા છીએ. વાસ્તવમાં તો લોકોથી અળગા થવાની જે પ્રેરણા છે એ મને રણવીર સિંહ પાસેથી મળી હતી. તેણે ‘પદ્માવત’માં પોતાના પાત્ર માટે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધો હતો. મને એવું લાગ્યું કે જો તે ફિલ્મ માટે આવું કરી શકે છે તો આપણે પણ ટેલિવિઝન માટે કરી શકીએ છીએ. એ બાબતે મને ખૂબ મદદ કરી અને એ મારા માટે કારગર પણ નીવડી. લોકો ટેલિવિઝનની ઍક્ટિંગને ગંભીરતાથી નથી લેતા. જોકે મારું માનવું છે કે જો તમે એને જાળવી રાખો અને એને સિરિયસલી લો તો એક ઍક્ટરને એનો ચોક્કસ લાભ મળે છે.’

ranveer singh television news tv show entertainment news