TV ઍક્ટર્સને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે:સંજીદા

05 December, 2019 11:02 AM IST  |  Mumbai | Letty Mariam Abraham

TV ઍક્ટર્સને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે:સંજીદા

સંજીદા શેખ

સંજીદા શેખનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ હવે ટેલિવિઝનના કલાકારોને ગંભીરતાથી લઈ રહ્યાં છે. સંજીદા એક દાયકાથી પણ વધુ સમયથી ટેલિવિઝન સાથે સંકળાયેલી છે. તેણે ૨૦૧૭માં આવેલી વિક્રમ ભટ્ટની હૉરર વેબ-સિરીઝ ‘ગહરાઇયાં’માં કામ કર્યું હતું. તે હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘કાલી કુહી’માં જોવા મળવાની છે. આ ફિલ્મ દ્વારા રાઇટર ટેરી સમુન્દ્ર ડિરેક્શનમાં હાથ અજમાવશે. ‘મિડ-ડે’ સાથેના ઇન્ટરવ્યુમાં સંજીદા શેખે કરેલી વાતચીતના કેટલાક અંશો જોઈએ :
નેટફ્લિક્સની ફિલ્મ વિશે જણાવ.
 નેટફ્લિક્સ ભ્રૂણહત્યા પર ‘કાલી કુહી’ (ધ બ્લૅક વેલ) નામની ફિલ્મ બનાવી રહ્યું છે. હું એક આઠ વર્ષના બા‍ળકની માતાની ભૂમિકા ભજવી રહી છું. આવું પાત્ર મેં કદી પણ નથી ભજવ્યું. આ ફિલ્મને ટેરી સમુન્દ્ર ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં સત્યદીપ મિશ્રા પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. એક દાયકાથી પણ વધુ સમય સુધી ટેલિવિઝનમાં કામ કર્યા બાદ હું આવી ભૂમિકા ભજવવાની તક શોધી રહી હતી.
આ અગાઉ તેં કદી પણ મમ્મીનું પાત્ર ભજવ્યું છે?
મેં ‘ઇશ્ક કા રંગ સફેદ’માં પાંચ વર્ષના બાળકની મમ્મીનો રોલ થોડા સમય માટે ભજવ્યો હતો. શરૂઆતમાં મને ફિલ્મોમાં પેરન્ટનો રોલ ઑફર કરવામાં આવતો હતો. જોકે હું એ નકારતી હતી. એક કલાકાર તરીકે હું પોતાને એ રોલ માટે મૅચ્યોર નહોતી સમજતી. મારી કરીઅરની શરૂઆતમાં હું એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈ રહીશ એને લઈને ગભરાતી હતી. સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. હું હવે વધુ આત્મવિશ્વાસુ બની ગઈ છું અને એ પણ જાણું છું કે મને જે પણ રોલ ઑફર કરવામાં આવશે એને હું સારી રીતે ન્યાય આપી શકીશ.
ડિજિટલ પ્લૅટફૉર્મનું વર્ચસ્વ વધ્યું છે એને જોતાં લાગે છે કે એ ટેલિવિઝન ઍક્ટર્સને પ્લૅટફૉર્મ આપે છે?
હું ખુશ છું કે નવાં-નવાં પ્લૅટફૉર્મ ઍક્ટર્સને ક્રીએટિવ અને સંતોષજનક તક આપી રહ્યાં છે. સાથે જ એ ટેલિવિઝનના ઍક્ટર્સને ગંભીરતાથી લઈ રહ્યાં છે. એક ફિલ્મમેકર અથવા તો પ્રોડક્શન હાઉસ જ આવું પરિવર્તન લાવી શકે છે. એક કલાકારને ત્યારે જ રોલ ઑફર કરવામાં આવે જ્યારે તે એ પાત્રને યોગ્ય ન્યાય આપી શકવા માટે સક્ષમ હોય. જોકે હાલમાં સકારાત્મક બદલાવ દેખાઈ રહ્યો છે.
શું તને લાગે છે કે ટેલિવિઝન અને ફિલ્મ ઍક્ટર્સ વચ્ચેનું અંતર ઓછું થયું છે?
એક સમય એવો હતો જ્યારે ટેલિવિઝન ઍક્ટર્સને ફિલ્મો માટે સિરિયસલી નહોતા લેવામાં આવતા. જોકે સ્થિતિ હવે બદલાઈ રહી છે. મને હજી પણ યાદ છે કે હું પહેલાં જ્યારે ફિલ્મોનાં ઑડિશન માટે જતી હતી અને બધા રાઉન્ડ્સ પૂરા કરવા છતાં પણ છેલ્લી ઘડીએ મને રિજેક્ટ કરવામાં આવતી હતી. મેકર્સ એમ કહેતા હતા કે આ તો દરરોજ ટીવી પર દેખાય છે. આવું મારી સાથે ઘણી વાર બન્યું છે. નેટફ્લિક્સની ફિલ્મ વિશે જ્યારે જાણવા મળ્યું તો હું એ જ ડરને કારણે ઑડિશનમાં જવા માટે તૈયાર નહોતી. જોકે હું હવે ખુશ છું કે મેં એના માટે ઑડિશન આપ્યું હતું.
શું કદી પણ તારી સાથે થયેલા ભેદભાવની અસર તારા પર થઈ હતી?
સદ્નસીબે હું કદી પણ કામ વગર ઘરે નથી બેઠી. હું હંમેશાં કોઈ ને કોઈ કામમાં પરોવાયેલી રહેતી હતી. મારી સાથે તો ભેદભાવ નથી થયો આમ છતાં એની મારા પર કદી કોઈ અસર ન થઈ હોત. હું કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપું છું. હું મારા પર્ફોર્મન્સને સારો બનાવવા માટે એના પર જ વધુ મહેનત કરું છું. હું આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી છું. મેં દરેક પ્રકારના કામનો અનુભવ લીધો છે. સાથે જ મારી ભૂમિકામાં અલગ-અલગ પ્રકારનું હું એક્સપરિમેન્ટ કરું એ સતત મારા દિમાગમાં રહે છે.

netflix sanjeeda sheikh