TMKOC: શૈલેષ લોઢાએ લગાવેલા આ આરોપ પર મેકર્સે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

02 February, 2023 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેકર્સે કહ્યું "બધા નિયત દસ્તાવેજો પર સહી કરવા અને તેની બાકી રકમ મેળવવા માટે તેમને ઘણા મેલ અને કૉલ્સ કરવાં આવ્યા છે. તેમ છતાં શૈલેષ લોઢા સહી કરવા માટે ઑફિસમાં આવ્યા નથી."

તસવીર સૌજન્ય: પીઆર

ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સતત ચર્ચામાં છે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે નિર્માતાઓએ શૉમાં અગાઉ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા (Shailesh Lodha)ની બાકી રકમ ચૂકવી નથી. તેમને શૉ છોડ્યાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે શૈલેષ 1 વર્ષથી તેના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેકર્સ તેમના પર ધ્યાન આપી રહ્યા નથી. હવે આ મામલે TMKOCના નિર્માતાઓ તરફથી પ્રોજેક્ટ હેડ સુહેલ રામાણીની પ્રતિક્રિયા સામે આવી છે.

તેમણે કહ્યું છે કે “બધા નિયત દસ્તાવેજો પર સહી કરવા અને તેની બાકી રકમ મેળવવા માટે તેમને ઘણા મેલ અને કૉલ્સ કરવાં આવ્યા છે. તેમ છતાં શૈલેષ લોઢા સહી કરવા માટે ઑફિસમાં આવ્યા નથી. જ્યારે તમે કોઈ કંપની અથવા શૉ છોડો છો, ત્યારે હંમેશા એક સત્તાવાર પ્રક્રિયા હોય છે, જેને અનુસરવાની જરૂર હોય છે. દરેક કલાકાર, કર્મચારી કે ટેકનિશિયને આ ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે. ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પહેલાં કોઈપણ કંપની ચુકવણી કરશે નહીં.”

પ્રોડક્શન હાઉસની નજીકના અન્ય સૂત્રએ માહિતી આપી હતી કે “શૈલેષ લોઢા અને અન્ય કલાકારો પ્રોડક્શન હાઉસના વિસ્તૃત પરિવાર જેવા છે. અમે શૉ છોડવાના કારણો અંગે સન્માનજનક મૌન જાળવી રાખ્યું છે. જ્યારે કોઈ કલાકાર આવું વર્તન કરે છે ત્યારે તે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક હોય છે. શૉથી મળેલા સંબંધો અને લોકપ્રિયતાને ભૂલી જવું ખોટું છે. ચુકવણી કોઈ સમસ્યા નથી. તેમને તેમની બાકી રકમ મળી જશે, પરંતુ તેમણે ઔપચારિકતા પૂર્ણ કરવાની જરૂર છે.”

સુહેલે કહ્યું કે “શૈલેષ અચાનક 2022માં કોઈ સૂચના આપ્યા વિના શૉ છોડીને ગયા હતા. આ કારણે મેકર્સ અને તેમની વચ્ચે વિવાદ વધી ગયો હતો.” નોંધનીય છે કે અત્યાર સુધી આ મામલે શૈલેષની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો: TMKOC: બાવરીની એવી તો કંઈ વાત છે જે બાધાને બહુ ગમે છે? તેણે જાતે જ કર્યો ખુલાસો

શૈલેષની વાત કરીએ તો તે લગભગ 14 વર્ષથી `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શૈલેષ તેમના કોન્ટ્રાક્ટથી નાખુશ હતા. ઉપરાંત, તે એ હકીકતથી નાખુશ હતા કે નિર્માતાઓ તેની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યા ન હતા. તેથી તેમણે શૉ છોડવાનું નક્કી કર્યું. જોકે મેકર્સે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રાજી થયા ન હતા.

entertainment news television news taarak mehta ka ooltah chashmah