TMKOC: શું તમારે પણ જોવી છે ગોકુલધામ સોસાયટી? તો કરો આ કામ

28 September, 2022 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચાહકોએ માત્ર તેમના ગરબાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો રહેશે

ફાઇલ તસવીર

શું તમે પણ ગોકુલધામ સોસાયટીની મુલાકાત લેવા માગો છો? તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ફરી એકવાર તેના દર્શકોને તેમના મનપસંદ પાત્રોને મળવાની તક પૂરી પાડી છે. ચાહકોએ માત્ર તેમના ગરબાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો રહેશે. વીડિયો અપલોડ કરતી વખતે, ચોક્કસપણે #GarbaWithGokuldham (#GarbaWithGokuldham) લકહવાનું રહેશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એકાઉન્ટને ટેગ પણ કરવાનું રહેશે. શૉના એકાઉન્ટ દ્વારા કેટલાક સારા વીડિયો રીપોસ્ટ પણ કરવામાં આવશે. શ્રેષ્ઠ નૃત્યના વિજેતાને ગોકુલધામના રહેવાસીઓ સાથે એક દિવસ વિતાવવાની તક મળશે.

આ સંદર્ભે વાત કરતાં શૉના નિર્માતા અસિત કુમાર મોદી જણાવે છે કે “નવરાત્રિ એ આનંદ અને નૃત્યનો ઉત્સવ છે. સૌ કોઈ સંપૂર્ણ જોશ સાથે ગરબા અને દાંડિયા રમે છે. અમે હંમેશા દર્શકોની પસંદગી મુજબ શોમાં ફેરફાર કરીએ છીએ. ક્રિકેટની જેમ નૃત્ય પણ એક રાષ્ટ્રીય શોખ છે. તેથી જ અમે આ ગરબા વીડિયો હરીફાઈ લઈને આવ્યા છીએ જ્યાં ચાહકો તેમના ગરબા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે અને આ તેમની મનપસંદ સિરિયલનો ભાગ બની શકે છે.”

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લાંબી ચાલતી સિટકોમમાંની એક છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલ અત્યાર સુધીમાં 3500થી વધુ એપિસોડ બતાવવામાં આવ્યા છે. આ શૉ ઉપરાંત, નિર્માતાઓ મરાઠી ભાષામાં ગોકુલધામચી દુનિયાદારી અને તેલુગુમાં તારક મામા આયો રામાનું YouTube પર પ્રસારણ કરે છે.

entertainment news television news taarak mehta ka ooltah chashmah