નેટફ્લિક્સની આગામી ફિલ્મમાં એકસાથે ત્રણ ઑસ્કર વિજેતા અભિનેતાઓ

28 October, 2019 11:03 AM IST  |  મુંબઈ | પાર્થ દવે

નેટફ્લિક્સની આગામી ફિલ્મમાં એકસાથે ત્રણ ઑસ્કર વિજેતા અભિનેતાઓ

નેટફ્લિક્સ

મૉડર્ન ક્રાઇમ અને ગૅન્ગવૉર ઝોનરની પોતીકી શૈલીની ફિલ્મો માટે વિશ્વભરમાં જાણીતા અમેરિકન-ઇટાલિયન ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેસીની ૧૯૯૧માં આવેલી ક્રાઇમ ફિલ્મ ‘ગુડફેલાસ’ માટે અભિનેતા જો પેસીને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ઑસ્કર અવૉર્ડ મળ્યો હતો. માર્ટિનની જ ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘રે‌િંજગ બુલ’ માટે અભિનેતા રૉબર્ટ દે નીરોને બેસ્ટ ઍક્ટરનો ઑસ્કર મળ્યો હતો. રૉબર્ટને બીજો ઑસ્કર ‘ગૉડફાધર’ માટે પણ મળ્યો હતો, જે સપોર્ટિંગ રોલ માટે હતો. ‘ગૉડફાધર’માં જ રૉબર્ટના સૌથી નાના દીકરા બનેલા અલ પચીનોને ઑસ્કર માટે નૉમિનેશન મળ્યું હતું, પણ અવૉર્ડ નહોતો મળ્યો. તેને ઑસ્કર મળ્યો ૧૯૯૩માં આવેલી ‘સેન્ટ ઑફ વુમન’ નામની ફિલ્મ માટે. તે આ અને ‘ગૉડફાધર’ ફિલ્મ ઉપરાંત ૬ વખત ઑસ્કરમાં નૉમિનેશન્સ નોંધાવી ચૂક્યો છે.
વાત એમ છે કે ત્રણ અભિનેતાઓ અને ડિરેક્ટર મળી ચારેય ધુરંધરો ફરી વાર સાથે આવી રહ્યા છે નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આયરિશમૅન’માં. ૧૯૭૦માં આકાર લેતી ફ્રેન્ક શિરન નામના ખૂનીની આસપાસ ફરતી આ ફિલ્મ ૨૭ નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
અત્યાર સુધી નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમ જેવા ડિજિટલ પ્લૅટફૉર્મના ચાહકોને લાગતું હતું કે આ સ્ટ્રીમિંગ સાઇટ્સ પર મોટા પડદા જેવુ કાંઈ નથી આવતું, પણ આ ફિલ્મની અનાઉન્સમેન્ટે એ ધારણાને પણ તોડી નાખી છે. ‘ધ આયરિશમૅન’ દુનિયાભરના જુદા-જુદા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવાઈ છે અને તાજેતરમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એનું પ્રીમિયર યોજાયું હતું. માર્ટિન સ્કોર્સેસી ડ્રાઇવર, શટર આઇલૅન્ડ, ધ વૂલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ અને ધ ડિપાર્ટેડ જેવી લૅન્ડમાર્ક ફિલ્મો માટે જાણીતા છે. તેમની આ ફિલ્મ પહેલી વખત મોટા પ્રમાણમાં લોકો સીધા નાના પડદા પર એટલે કે ઓટીટી પ્લૅટફૉર્મ પર જોશે. આ ફિલ્મ યુએસના જૂજ થિયેટરોમાં ૧ નવેમ્બરે રિલીઝ થશે.
નોંધનીય છે કે ‘ધ આયરિશમૅન’ અગાઉ થિયેટરોમાં વર્લ્ડવાઇડ રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ મોટા ભાગનની થિયેટર ચેઇને શો કૅન્સલ કરવાનું નક્કી કર્યું, કેમ કે ફિલ્મ રિલીઝ થયાનાં ત્રણ અઠવાડિયાંમાં જ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર મૂકી
દેવાનું નક્કી હતું. ‘ધ આયરિશમૅન’નું ડિસ્ટ્રિબ્યુશન નેટફ્લિક્સ સંભાળી રહ્યું છે.

netflix