ટેલિવિઝન અભિનેત્રી પ્રેક્ષા મહેતાનો આપઘાત, ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું આમ..

27 May, 2020 02:29 PM IST  |  Indore | Gujarati Mid-Day Online Correspondent

ટેલિવિઝન અભિનેત્રી પ્રેક્ષા મહેતાનો આપઘાત, ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું આમ..

પ્રેક્ષા મહેતા

ઇંદોરના બજરંગ નગરમાં રહેતી 25 વર્ષીય ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મૃત્યુ પહેલાં પ્રેક્ષાએ વોટ્સએપ સ્ટેટ્સ તથા ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું, ‘સબસે બુરા હોતા હૈ સપનોં કા મર જાના…’ સવારે એક્ટ્રેસની માતાએ દીકરીને રૂમમાં મૃત અવસ્થામાં ગળે ફાંસો ખાધેલી લટકતી જોઇ હતી. પરિવારના મતે, પ્રેક્ષા એની કારકિર્દીને કારણે ઘણી માનસિક તાણમાં હતી. તેની રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં કરિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસએ આ અંગે તપાસ આદરી છે.  

પ્રેક્ષાએ ભોપાલમાં ફિલ્મ એન્ડ ડ્રામા એકેડેમીમાં એક વર્ષનો એક્ટિંગ કોર્સ કર્યો હતો અને સાથે ઇંદોરની જ  એક્રોપોલિસ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પ્રેક્ષાએ નાટક ‘ખોલ દો’માં અભિનય કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેણે અનેક હિંદી નાટકોમાં કામ કર્યું હતું અને રાષ્ટ્રિય સત્રે નાટકમાં અભિનય બદલ ત્રણ વાર પ્રથમ ઇનામ પણ મેળવ્યુ હતું. ક્રાઇમ પેટ્રોલનાં અનેક એપિસોડમાં કામ કરનારી પ્રેક્ષાએ સ્ટાર પ્લસની સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તેના પિતા રવિન્દ્ર મહેતાનો બજરંગ નગરમાં જનરલ સ્ટોર છે. પ્રેક્ષા મુંબઈમાં રહીને ટીવી સિરિયલોમાં કામ કરતી હતી. લૉકડાઉન પહેલાં તે ઈન્દોર પોતાના ઘરે આવી હતી અને પછી લૉકડાઉન થતા અહીંયા જ રોકાઈ ગઈ હતી. તે છેલ્લાં ઘણાં દિવસોથી ઉદાસ રહેતી હતી પરંતુ તેણે કોઈની સાથે પોતાની વાત શૅર કરી નહોતી. મંગળવારે (26 મે)ના રોજ સવારે તેની મમ્મી યોગ કરવા માટે અગાસીમાં ગયા તો તેમણે જોયું કે દીકરીના રૂમની લાઇટ ચાલુ છે, દીકરી જાગતી હશે માની તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ ખોલ્યો નહીં. તેમણે બારીમાંથી જોયું તો પ્રેક્ષા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી આવી હતી. દીકરીને આ હાલતમાં જોઈને માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ ઘરના સભ્યો તથા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. દરવાજો તોડીને પ્રેક્ષાને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.

ટીવી કલાકારની આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે. આ પહેલાં ‘આદત સે મજબૂર’ તથા ‘કુલદીપક’માં જોવા મળેલા 32 વર્ષીય એક્ટર મનમીત ગ્રેવાલે પણ ગયા શુક્રવાર, 15 મેની રાત્રે નવી મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. માહિતી અનુસાર લૉકડાઉનને કારણે કામ હોવાથી કારણે મનમીત ડિપ્રેશનમાં હતો. તેને પણ તેના પેમેન્ટ મળ્યા નહોતા અને તેણે મિત્રોની ઉધારી ચુકવવાની હતી. આ તાણમાં મનમીતે આત્મહત્યા કરી હતી.

 

television news entertainment news