ACP પ્રદ્યુમન શરીરના તમામ અંગોનું દાન કરશે

26 July, 2015 05:13 AM IST  | 

ACP પ્રદ્યુમન શરીરના તમામ અંગોનું દાન કરશે




સોની ચૅનલ પર આવતી CID સિરિયલમાં શિવાજી સાટમ ACP પ્રદ્યુમનનું પાત્ર ભજવી રહ્યા છે. આ સિરિયલમાં તેમને ખૂબ મહેનતુ, કડક અને અનુશાસિત પોલીસ-અધિકારી બતાવ્યા છે, પરંતુ તેઓ તેમના અંગત જીવનમાં એકદમ ઊંધા છે. તેઓ સ્વભાવે એકદમ દયાળુ છે. તેમને ખાસ કરીને એવા લોકો પર દયા આવે છે જેઓ શારીરિક રીતે અક્ષમ હોય અને સામાન્ય જીવન પણ જીવી ન શકતા હોય. એથી એવા લોકોની મદદ કરવા માટે શિવાજી સાટમે મૃત્યુ પછી તેમના શરીરનાં તમામ અંગો ડોનેટ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેઓ કહે છે, ‘હું આને કોઈ મહાન અથવા તો અનોખું કાર્ય નથી માનતો. મારું માનવું છે કે માનવતાના હિત ખાતર કામ કરવું એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. દરેક વ્યક્તિએ તેમનાથી બનતી મદદ અન્ય વ્યક્તિઓને કરવી જોઈએ. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે ઘણા લોકોએ મદદ તો કરવી હોય છે છતાં તેઓ નથી કરી શકતા, કારણ કે તેઓ કોઈક ને કોઈક પરિસ્થિતિથી મજબૂર હોય છે. અંગદાન કરવું એ એવું કાર્ય છે જે દરેક વ્યક્તિ કરી શકે છે, કારણ કે એ કામમાં વ્યક્તિ તેના આંતરિક અને બાહ્ય પરિવેશથી આઝાદ હોય છે. આવા કાર્યથી તમારાં આત્મા અને હૃદયને શાંતિ અને ખુશી મળશે. હું મારા આ અનુભવને ક્યારેય નહીં ભૂલી શકું. એ અનુભવ હજી પણ મારી યાદોમાં જીવંત છે. મેં આ વર્ષે ૨૭ માર્ચે એક હૉસ્પિટલને મારું આખું શરીર દાન કરી દેવાનો નિર્ણય લીધો છે. મને એવી આશા છે કે લોકોએ આવું પુણ્યનું કામ કરવું જોઈએ અને આખું શરીર નહીં તોય એકાદ અંગ તો દાન કરવું જોઈએ જેથી હજારો એવા લોકોને મદદ મળી રહે જેમને એની જરૂર હોય.’