12 February, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેહબાન, સના
સના સૈયદ અને સેહબાન આઝમી હવે કલર્સ પર આવી રહેલી ‘સ્પાય બહૂ’માં જોવા મળશે. આ એક અનોખી લવ સ્ટોરી છે. સના આ શોમાં સેજલનું પાત્ર ભજવી રહી છે જે એક સ્પાય હોય છે. યોહાન એક યુવાન છોકરાનું પાત્ર ભજવી રહ્યો છે, જે ટેરરિસ્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હોય છે. જોકે તેઓ બન્ને પ્રેમમાં પડે છે. બન્ને તેમનું સીક્રેટ છુપાવીને બેઠા હોય છે અને જો એ બહાર આવે તો તેમની રિલેશનશિપનો અંત પણ આવી શકે છે. આ વિશે વાત કરતાં સનાએ કહ્યું હતું કે ‘એક યુનિક કન્સેપ્ટમાં સ્પાયનું પાત્ર ભજવવું સપના બરાબર છે. હું સેજલનું પાત્ર ભજવી રહી છું જે એક બબલી છોકરી છે, પરંતુ તેનું મિશન સફળ રહે એ માટે તે કંઈ પણ કરવા તૈયાર હોય છે. મને ખૂબ જ ખુશી છે કે મેકર્સ દ્વારા મારા પર આ પાત્રને લઈને વિશ્વાસ કરવામાં આવ્યો છે. મને આશા છે કે આ શો દર્શકને જરૂર પસંદ પડશે.’
આ શોના પાત્ર વિશે સેહબાને કહ્યું હતું કે ‘મને જ્યારે ‘સ્પાય બહૂ’ અને મારા રોલનું નરેશન કરવામાં આવ્યું ત્યારે હું એકદમ ચકિત થઈ ગયો હતો. યોહાનની પર્સનાલિટી અને સ્ટાઇલમાં ઘણી લેયર્સ છે. તે પ્લૉટમાં જે ટ્વિસ્ટ લાવે છે એ મને પસંદ છે. આ નવી મુસાફરીને લઈને હું ઉત્સાહી છું.’