03 June, 2021 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુનિત ઇસ્સાર
અઢળક ફિલ્મો તેમ જ ટીવી સિરિયલો કરી ચૂકેલા અને ‘મહાભારત’ના દુર્યોધન તરીકે જાણીતા પુનિત ઇસ્સાર છ વર્ષ બાદ ટીવી પર કમબૅક કરી રહ્યા છે. કલર્સના શો ‘છોટી સરદારની’માં પુનિત ઇસ્સાર લીડ ઍક્ટર અવનીશ રેખીના તાયાજીનું પાત્ર ભજવશે. પુનિત ઇસ્સાર કહે છે કે ‘ટીવી-શો બાબતે હું બહુ સિલેક્ટિવ છું. ‘છોટી સરદારની’માં ઘરના વડીલ તરીકે મારું પાત્ર મજબૂત છે અને બહુ રસપ્રદ છે.’
શોમાં પુનિત ઇસ્સારનાં પત્ની તરીકે વિભા છિબ્બર જોવા મળશે જે હાલ સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં દલજિતની માનો રોલ કરી રહ્યાં છે.
૬૩ વર્ષના પુનિત ઇસ્સારનું માનવું છે કે તેઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત છે અને હંમેશાં હકારાત્મક વિચારો સાથે કામ કરે છે. રસપ્રદ વાત એ છે કે યુવાનોને પાછા પાડે એવું કસરતી શરીર ધરાવતા પુનિત ઇસ્સાર દરરોજ ત્રણ કલાક વર્કઆઉટ કરે છે. પુનિત કહે છે કે ‘મારી પત્ની, દીકરો અને હું ડાયટ અને સ્વાસ્થ્ય બાબતે બહુ જાગૃત છીએ. મારો દીકરો વેઇટ ટ્રેઇનિંગ અને માર્શલ આર્ટ્સમાં છે. ઍક્ચ્યુઅલી, મારી પત્ની સૌથી શિસ્તવાળી વ્યક્તિ છે.’