19 June, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નકુલ મેહતા અને સૂફી
નકુલ મહેતાએ જણાવ્યું કે તે તેના દીકરા સૂફીને કદી એમ નહીં કહે કે તું છોકરીઓની જેમ રડ નહીં. તેનો દીકરો બે વર્ષનો છે. સાથે જ તેના દીકરા પર તેની પસંદગીને લઈને કદી બંધન મૂકવામાં નહીં આવે. એ વિશે નકુલ મહેતાએ કહ્યું કે ‘છોકરીઓની જેમ રડવું નહીં એવું સૂફીને કદી નહીં કહું. મારી વાઇફ જાનકી અને હું સતત એ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. મને લાગે છે કે છોકરાઓ પર હંમેશાં દબાણ હોય છે. સાથે જ છોકરીઓનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે પુરુષોના અહમને પોષવામાં આવે. આપણે છોકરીઓ પર પ્રતિબંધ મૂકીએ છીએ. મહત્ત્વાકાંક્ષા રાખો, પરંતુ વધુ ન રાખો એવું કહેવામાં આવે છે. સફળ થાઓ, પરંતુ વધારે પડતા આગળ ન વધો. હું અને મારી વાઇફ પોતાના જૂના દિવસો સૂફી સાથે શૅર કરીએ છીએ. અમારી ઇચ્છા છે કે તે જાણે કે તેનાં મમ્મી-પપ્પા બન્નેએ કપરા દિવસ જોયા છે. તેની સામે ઇમોશનલ થવામાં મને કોઈ વાંધો નથી. તે જ્યારે રડે છે અને ચીડચીડિયો થઈ જાય છે ત્યારે અમે તેને તેની લાગણીઓને વ્યક્ત કરવા દઈએ છીએ.’