મેરી આવાઝ હી પહચાન હૈ લતા મંગેશકર અને આશા ભોસલે પર આધારિત નથી : દીપ્તિ નવલ

29 February, 2016 04:40 AM IST  | 

મેરી આવાઝ હી પહચાન હૈ લતા મંગેશકર અને આશા ભોસલે પર આધારિત નથી : દીપ્તિ નવલ



‘મેરી આવાઝ હી પહચાન હૈ’માં કામ કરનાર દીપ્તિ નવલના જણાવ્યા અનુસાર તેમની આ સિરિયલ બહેનો લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચેની હરીફાઈ પર આધારિત નથી, પરંતુ બે બહેનોના સંબંધો પર છે જેમાં તેમના પ્રેમભર્યા સંબંધો કેવી રીતે હરીફાઈમાં બદલાઈ જાય છે એ બતાવવામાં આવ્યું છે. આ સિરિયલમાં કલ્યાણી અને કેતકી એમ બે બહેનોનાં પાત્રો જોવા મળશે જેમાં દીપ્તિ નવલ અને ઝરીના વહાબ ઘડપણનું પાત્ર ભજવશે.



આ વિશે દીપ્તિ નવલ કહે છે, ‘આ સિરિયલની સ્ટોરી લતા મંગેશકર અને આશા ભોસલે પર આધારિત નથી. આ વાર્તા એકદમ અલગ છે. આ સિરિયલની વાર્તા બે બહેનોની છે તેથી લોકો તેમના વિશે છે એવું વિચારે એ સમજી શકાય છે, પરંતુ આ તેમની સ્ટોરી નથી. આ સિરિયલને તેમની સાથે કોઈ સંબંધ નથી. મેં આ સિરિયલ એટલા માટે પસંદ કરી છે કેમ કે એ એકદમ અલગ છે. આજ સુધી ટેલિવિઝન પર આવી સ્ટોરી બનાવવામાં નથી આવી. આ એક રિયલિસ્ટિક સ્ટોરી છે. મને મ્યુઝિક ખૂબ જ પસંદ છે. મને ગીત ગાવું ગમે છે, પરંતુ હું સિંગર નથી. મારે સંગીત શીખવું હતું અને મને આ સિરિયલની ઑફર મળી. આ સિરિયલમાં ઝરીના મારી નાની બહેનનું પાત્ર ભજવશે. અમે બન્ને એક જ એરિયામાં રહીએ છીએ, પરંતુ એકબીજાને મળવાનું ક્યારેય નથી થયું. હું તેની સાથે કામ કરવાની રાહ જોઈ રહી છું.’

આ સિરિયલમાં દીપ્તિ નવલ કલ્યાણીનું પાત્ર ભજવી રહ્યાં છે અને તેમનું બાળપણનું પાત્ર ‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’માં જોવા મળેલી જન્નત ઝુબૈર રહમાની અને યુવાનીનું પાત્ર અમિþતા રાવ ભજવશે, જ્યારે ઝરીના વહાબ કેતકીનું પાત્ર ભજવી રહ્યાં છે અને તેમનું બાળપણનું પાત્ર ‘એક મુઠ્ઠી આસમાં’માં જોવા મળેલી મેહનાઝ માન અને યુવાનીનું પાત્ર ‘તલાશ’માં જોવા મળેલી અદિતિ વાસુદેવ ભજવતી જોવા મળશે.

આ શોને ૭ માર્ચથી સોમથી શુક્ર રોજ રાતે ૮ વાગ્યે & ટીવી પર રજૂ કરવામાં આવશે.