શ્વેતા તિવારીના ડિજિટલ ડેબ્યુ પ્રોજેક્ટ હમ તુમ ઔર ધેમમાં શું છે?

06 December, 2019 10:36 AM IST  |  Mumbai | Path Dave

શ્વેતા તિવારીના ડિજિટલ ડેબ્યુ પ્રોજેક્ટ હમ તુમ ઔર ધેમમાં શું છે?

શ્વેતા તિવારી

એકતા કપૂરના અત્યંત જાણીતા શો ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી ડિજિટલ-દુનિયામાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે અને આ વખતે પણ તે એકતા કપૂરની જ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થનારી ફૅમિલી ડ્રામા સિરીઝ ‘હમ તુમ ઔર ધેમ’ દ્વારા ડિજિટલ-વર્લ્ડમાં પદાર્પણ કરી રહી છે.
‘હમ તુમ ઔર ધેમ’માં શ્વેતા તિવારીની સાથે પિઝા, ગુડગાંવ, કાલાકાંડી અને જંગલી સહિતની ફિલ્મો તથા વેબ-સિરીઝ કરી ચૂકેલો અક્ષય ઑબેરૉય છે. શ્વેતાના પાત્રનું નામ શિવા છે જે એકલી પોતાનાં બાળકોને ઉછેરી રહી છે અને સામે અક્ષયના પાત્રનું નામ યુદી છે જે પણ સિંગલ પેરન્ટ છે. બેઉ જુદા-જુદા પોતાની જિંદગી જીવી ર‍હ્યાં છે. સંજોગ એવા સર્જાય છે કે બન્નેનો ભેટો થાય છે અને બેઉ પોતાને બીજો ચાન્સ આપવાનું નક્કી કરે છે. લોકો શું કહેશે એ વિચારવાનું અને ગિલ્ટ મૂકીને સાથે જીવવાનું બેઉ નક્કી કરે છે. તેમનાં ટીનેજ બાળકો આ પરિસ્થિતિને સમજી નથી શકતાં અને તેઓ વિરોધ કરે છે. શ્વેતા તિવારી અને અક્ષય ઑબેરૉય ઉપરાંત હમ તુમ ઔર ધેમમાં ભાવેશ ભાનુશાલી, ગૌતમ અહુજા, તૃપ્તિ ખામકર, આશિકા ભાટિયા, સારા ગેસાવત સહિતના કલાકારો છે.
આજે ડિજિટલ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર સાથે રિલીઝ થનારી આ વેબ-સિરીઝમાં શ્વેતા તિવારી પહેલી વખત દર્શકોને બોલ્ડ અંદાજમાં જોવા મળશે. તેને અહીં ટિપિકલ વહુ-દીકરીના બદલે એક બોલ્ડ પ્રેમિકા તરીકે મેકરે રજૂ કરી છે.

‘મેરે ડૅડ કી દુલ્હન’ના શૂટિંગ દરમ્યાન શ્વેતાની કારનો ઍક્સિડન્ટ
સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ ‘મેરે ડૅડ કી દુલ્હન’ને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ખાસ તો અભિનેત્રી શ્વેતા તિવારીના કમબૅકને લીધે આ સિરિયલ ચર્ચામાં છે. તાજેતરમાં શૂટિંગ દરમ્યાન શ્વેતા તિવારીની કાર અંબર (અભિનેતા વરુણ બડોલા)ની કાર સાથે અથડાતાં કારને નુકસાન પહોંચ્યું છે. જોકે શ્વેતાને કોઈ ઈજા પહોંચી નથી. ‘મેરે ડૅડ કી દુલ્હન’ શો ગાઝિયાબાદ પર બેઝ્ડ છે અને એની આખી ટીમ પ્રોમો શૂટ તથા શરૂઆતના એપિસોડ માટે દિલ્હી પહોંચી હતી. શ્વેતાએ જણાવ્યું કે સૌ થાક્યા હતા અને અમારી પાસે રિહર્સલ અને શૂટિંગ માટે બહુ ઓછો સમય હતો. મને કાર ચલાવતાં આવડે છે, પણ સીન માટે મારે વરુણ બડોલાની કાર સાથે સહેજ અથડાવવાનું હતું. બહુ બધી વખત રિહર્સલ કર્યું એટલે મારી કારને નુકસાન પહોંચ્યું. ઍક્ચ્યુઅલી આ એક બહુ ફની સીન છે.

shweta tiwari entertaintment