જેનિફર વિન્ગેટ અને કરણ વાહી કરવાનાં છે લગ્ન?

29 January, 2026 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો આ ચર્ચા સાચી સાબિત થાય તો કરણ વાહી માટે આ પ્રથમ લગ્ન હશે, જ્યારે જેનિફર વિન્ગેટ માટે આ બીજી વખત લગ્ન થશે. કરણ વાહી પહેલાં જેનિફરે ૨૦૧૨માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ માત્ર બે વર્ષમાં જ બન્નેના ડિવૉર્સ થઈ ગયા હતા.

જેનિફર વિન્ગેટ અને કરણ વાહી

ટીવીજગતની ટોચની ઍક્ટ્રેસ જેનિફર વિન્ગેટ પતિ કરણ સિંહ ગ્રોવર સાથેના ડિવૉર્સ પછી બહુ લાંબા સમયથી સિંગલ લાઇફ જીવી રહી છે. જોકે લેટેસ્ટ ચર્ચા પ્રમાણે જેનિફર હવે બીજી વખત લગ્ન કરવા તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે જેનિફરને ટીવી-ઍક્ટર કરણ વાહી સાથે પ્રેમ થઈ ગયો છે અને તેઓ જલદી લગ્નના બંધનમાં બંધાવાનાં છે. કરણ વાહી અને જેનિફરની મિત્રતા ઘણી જૂની છે. જેનિફર અને કરણ સિંહ ગ્રોવરે લગ્ન પણ નહોતાં કર્યાં ત્યારથી જેનિફર અને કરણ વાહી વચ્ચે મિત્રતા છે.
૨૦૦૭ના લોકપ્રિય શો ‘દિલ મિલ ગયા’માં જેનિફર વિન્ગેટે ડૉક્ટર રિદ્ધિમા ગુપ્તાની ભૂમિકા ભજવી હતી. કરણ વાહી એ જ શોમાં ડૉ. સિદ્ધાંત મોદી તરીકે જોવા મળ્યો હતો. આ શોનાં લગભગ ૧૪ વર્ષ બાદ બન્ને એક વાર ફરીથી ૨૦૨૪માં સોની લિવની વેબ-સિરીઝ ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’માં સાથે જોવા મળ્યાં હતાં. આ સિરીઝમાં બન્નેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે જ્યારે બન્નેનાં લગ્નની ચર્ચાઓ સામે આવી છે ત્યારે તેમના ફૅન્સ ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જોકે હજી સુધી એ વાત કન્ફર્મ થઈ નથી કે જેનિફર અને કરણ વાહી કઈ તારીખે લગ્ન કરવા જઈ રહ્યાં છે. બન્નેએ પોતાના સંબંધ અને લગ્ન અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જો આ ચર્ચા સાચી સાબિત થાય તો કરણ વાહી માટે આ પ્રથમ લગ્ન હશે, જ્યારે જેનિફર વિન્ગેટ માટે આ બીજી વખત લગ્ન થશે. કરણ વાહી પહેલાં જેનિફરે ૨૦૧૨માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ માત્ર બે વર્ષમાં જ બન્નેના ડિવૉર્સ થઈ ગયા હતા. ડિવૉર્સ બાદ જેનિફર ખૂબ જ તૂટી ગઈ હતી. જોકે હવે તે પોતાની જિંદગીમાં આગળ વધવા માટે તૈયાર છે. બીજી તરફ જેનિફરના ભૂતપૂર્વ પતિ કરણ સિંહ ગ્રોવરે ૨૦૧૬માં બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધાં હતાં.

જેનિફર વિન્ગેટ સાથેનાં લગ્નની ચર્ચા વિશે કરણ વાહીએ કહ્યું, ફ્રી પબ્લિસિટી માટે આભાર

કરણ વાહીએ તેનાં અને જેનિફર વિન્ગેટનાં લગ્નની ચાલી રહેલી ચર્ચા વિશે પ્રતિક્રિયા આપી છે. આ મામલે સ્પષ્ટતા કરતાં કરણ વાહીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે કે ફ્રી પબ્લિસિટી માટે ઘણો-ઘણો આભાર. આ ઉપરાંત કરણે બીજી પોસ્ટમાં ‘યે જવાની હૈ દીવાની’માંથી કલ્કિ કોચલિન અને રણબીર કપૂરની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે કેટલાક બૉન્ડ પ્રેમ કરતાં પણ વધારે સારા હોય છે.

karan singh grover jennifer winget television news indian television tv show