28 July, 2023 08:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય ભાનુશાલી અને ટીના દત્તા
જય ભાનુશાલી અને ટીના દત્તા હવે ‘વંશજ’માં મહેમાન ભૂમિકામાં જોવા મળશે. સોની સબ પર પર આવતી આ સિરિયલમાં મહાજન ગ્રુપની ૭૫મી ઍનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે તેઓ હાજરી આપશે. આ શોમાં અંજલિ તત્રારી યુવિકાનું પાત્ર ભજવી રહી છે. તે ઑડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા તેમની કંપનીની જર્નીને દેખાડતી જોવા મળશે. જોકે એમાં વિઘ્ન નાખવા માટે ઘણા લોકો કોશિશ કરતા જોવા મળશે. આ સેલિબ્રેશનમાં હાજરી આપવા વિશે જય ભાનુશાલીએ કહ્યું કે ‘હું આ ઍનિવર્સરી ફેસ્ટિવિટીને લઈને ખૂબ જ ઉત્સુક છું. ‘વંશજ’ની સ્ટોરીને હું ફૉલો કરી રહ્યો છું અને એના ટર્ન, ટ્વિસ્ટ અને પૉલિટિકલ ઍન્ગલને લઈને મને મજા આવી રહી છે. પુનિત સર, અંજલિ અને અન્ય કાસ્ટ સાથે સ્ક્રીન શૅર કરવા માટે હું આતુર છું. મહાજનની સફળતા અને ૭૫ વર્ષના સેલિબ્રેશનને સાથે સેલિબ્રેટ કરીશું.’ આ વિશે ટીના દત્તાએ કહ્યું કે ‘મહાજન ગ્રુપના ૭૫ વર્ષના સેલિબ્રેશનને લઈને હું પણ આતુર છું. એક એક્સટેન્ડેડ ફૅમિલી તરીકે ખુશી, યાદો અને સેલિબ્રેશન સાથે માણવાની મજા જ કંઈક અલગ છે. ‘વંશજ’ની ટીમ સાથેના આ અનુભવને હું લાંબા સમય સુધી યાદ રાખીશ.’
‘બાર્બી’ જેવી બકવાસ ફિલ્મ મેં નથી જોઈ : જય ભાનુશાલી
જય ભાનુશાલીએ ‘બાર્બી’ ફિલ્મને બકવાસ જણાવી છે. તે તેની દીકરીને લઈને આ ફિલ્મ જોવા ગયો હતો. અગાઉ જુહી પરમારે પણ આ ફિલ્મની નિંદા કરી હતી. હવે જય ભાનુશાલીએ લોકોને ‘બાર્બી’ ફિલ્મ ન જોવાની સલાહ આપી છે. ફિલ્મ જોયા બાદ કેવો અનુભવ હતો એનો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં જયે કહ્યું કે ‘મારા પર ભરોસો કરો આ ફિલ્મ બકવાસ છે. તમને બચાવી રહ્યો છું. તમારા પૈસા બચાવી રહ્યો છું. તમારું માનસિક સંતુલન બચાવી રહ્યો છું, કેમ કે આનાથી ખરાબ ફિલ્મ મેં આજ સુધી નથી જોઈ. આ સુપર, સુપર, સુપર ખરાબ ફિલ્મ છે. વિશ્વાસ કરો કે આ ફિલ્મને લઈને જેટલી હવા ઊડી રહી છે એવું કાંઈ કહેવાને યોગ્ય નથી. એટલે કે સાચું કહી રહ્યો છું. આ વિડિયો બનાવવામાં મને બે દિવસ લાગ્યા, કારણ કે મને લાગતું હતું કે આ કેવી ફિલ્મ બનાવી દીધી છે અને પ્રમોટ તો એવી રીતે કરી રહ્યા છે કે મને લાગ્યું કે આ બાળકો માટેની ફિલ્મ છે. જોકે આ નાનાં બાળકો માટે પણ નથી અને વયસ્કો માટે પણ નથી. સૌથી મજેદાર વાત તો એ છે કે મેં પૈસા આપ્યા હતા એથી હું ફિલ્મને છેવટ સુધી જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફિલ્મ શરૂ થવાના અડધા કલાક બાદ જ મારી દીકરીએ મને કહ્યું કે ‘ડૅડ મને ઊંઘ આવે છે અને હું આ ફિલ્મ નથી જોઈ શકતી. મને ઘરે લઈ જાઓ, મને કંટાળો આવે છે.’ મેં તેને કહ્યું કે ના બેટા, આ સારી ફિલ્મ છે. તેના ચહેરા પર જે હાવભાવ હતા એવા હાવભાવ મેં કદી પણ તેના ચહેરા પર નહોતા જોયા. ખરેખર તો તે મને જજ કરી રહી હતી. તેને એવું લાગતું હતું કે ‘જો મારા બાપને આ ફિલ્મ પસંદ પડી શકે છે તો હું શું કહું.’ એથી હું તમને જણાવી રહ્યો છું. તમારાં બાળકો તમારા પર શંકા કરશે. જો તમે આ ફિલ્મ જોવાની જીદ પણ કરી તો બાળકો તમારી પસંદગી પર શંકા કરશે. એથી હું તમને સાવધ કરી રહ્યો છું.’