ચીરહરણના સીન પછી દ્રૌપદી બનતી ઈશિતા એક કલાક સુધી રડતી રહી

22 September, 2020 01:07 PM IST  |  Rajkot | Mumbai Correspondent

ચીરહરણના સીન પછી દ્રૌપદી બનતી ઈશિતા એક કલાક સુધી રડતી રહી

ચીરહરણના સીન પછી દ્રૌપદી બનતી ઈશિતા એક કલાક સુધી રડતી રહી

મહાભારત અને દ્રૌપદીના જીવનનું સૌથી પીડાદાયી જો કોઈ પ્રકરણ હોય તો એ છે દ્રૌપદીનું ચીરહરણ. આ ચીરહરણની ઘટના હવે ‘રાધાકૃષ્ણ’માં આવવાની છે, જેના શૂટિંગ દરમ્યાન દ્રૌપદી બનતી ઈશિતા ગાંગુલી અને દ્રૌપદીને ખેંચીને સભામાં લઈ આવવાનું કામ કરતા દુ:શાસનનું કૅરૅક્ટર કરનાર અંકિત ગુલાટી બન્ને એ સ્તરે પાત્રમાં દાખલ થઈ ગયાં હતાં કે બન્નેને શરીર પર અનેક જગ્યાએ ઈજા થઈ. દુ:શાસનના હાથમાંથી છૂટવા માગતી દ્રૌપદીએ કરેલા પ્રતિકારને કારણે દુ:શાસન બનતા અંકિતને ઈજા થઈ, તેના આખા હાથમાં ઈશિતાના નખ બેસી ગયા તો દ્રૌપદીને ખેંચી રહેલા દુ:શાસનને કારણે અંકિતાના આખા શરીર પર ઉઝરડા પડી ગયા.
ઈશિતા ગાંગુલીએ કહ્યું કે ‘એવી ધારણા હતી કે આ સીન એક કલાકમાં શૂટ થઈ જશે, પણ એમાં એક આખો દિવસ ગયો. ઓછામાં ઓછી પાંચથી છ વખત મારી વિગ નીકળી ગઈ હતી અને મને ઈજા ન થાય એ માટે ઘૂંટણ પર ની-પૅડ બાંધવામાં આવ્યાં હતાં અને એમ છતાં મારાં ઘૂંટણ સૂજી ગયાં.’
સીન કરતી વખતે ઘટનાની તીવ્રતા એટલી હદે વિકરાળ હતી કે ઈશિતાને રડવા માટે ગ્લ‌િસ‌રિનનો પણ ઉપયોગ નહોતો કરવો પડ્યો. લાલચોળ આંખો વચ્ચે તેની આંખોમાંથી સતત આંસુ નીકળતાં હતાં. ઈશિતાએ કહ્યું, ‘ચીરહરણ વખતની જે પીડા હોય એ પીડા હું અનુભવી શકતી હતી.’
ચીરહરણના આ સીન પછી ઈશિતા લગભગ એક કલાક સુધી રડતી રહી હતી.

bollywood bollywood news television news rajkot