વેબ - ફિલ્મ રિવ્યુ: ‘હાઉસ અરેસ્ટ’

19 November, 2019 01:09 PM IST  |  Mumbai

વેબ - ફિલ્મ રિવ્યુ: ‘હાઉસ અરેસ્ટ’

‘હાઉસ અરેસ્ટ’

ગૅજેટ્સ સૅવીને એક દિવસ એનાથી દૂર રહેવાનું કહેવામાં આવે તો? સોશ્યલ મીડિયાનો હાર્ડ-કોર યુઝ કરતા યુઝર્સને એક દિવસ એનાથી દૂર રાખવાનું કહેવામાં આવે તો? એક દિવસ માટે તમને ફ્રેન્ડ્સ અને ઑફિસથી દૂર રહેવાનું કહેવામાં આવે તો? ઑફિસથી દૂર રહેવાનું કહેવામાં આવે તો ખુશી થાય, પરંતુ સામે શરત મૂકવામાં આવે કે ઘરમાં જ રહેવું તો? એક અઠવાડિયું અથવા તો એક મહિના માટે તમને ઘરમાં બંધ કરી દેવામાં આવે તો? મુશ્કેલ છે નહીં? જો ઘરમાં જ રહીશું તો નોકરી કેવી રીતે કરીશું? નોકરી નહીં કરીશું તો પૈસા ક્યાંથી આવશે અને પૈસા નહીં હોય તો ખાવાનું ક્યાંથી મળશે? જોકે એમ છતાં કરણ એટલે કે અલી ફઝલે પોતાને છ મહિના સુધી તેના ઘરમાં બંધ કરી દીધો હોય છે.

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસ અરેસ્ટ’માં આ વિષય પર વાત કરવામાં આવી છે. કરણ પોતાની જાતને તેના ઘરમાં છ મહિનાથી બંધ કરી દે છે. જોકે તે છેલ્લા નવ મહિનાથી બંધ હોય છે, પરંતુ લોકોને ત્રણ મહિના બાદ ખબર પડે છે કે તે ‘હાઉસ અરેસ્ટ’ છે. જપાનમાં યુવાનો ખાસ કરીને પુરુષ પોતાને ઘરમાં બંધ કરી દે છે અને તેઓ આઇસોલેશનમાં રહે છે. સોસાયટી સાથે તેઓ કોઈ સંબંધ નથી રાખતા. જપાનમાં ‘હિકિકોમોરી’ તરીકે જાણીતી આઇસોલેશનની આ પ્રકિયાને કરણ પણ ફૉલો કરી રહ્યો હોય એવું જર્નલિસ્ટ સાયરાને લાગે છે. સાયરાનું પાત્ર શ્રિયા પિલગાંવકરે ભજવ્યું છે. સાયરાને આ વિશે જે.ડી. તરફથી માહિતી મળે છે જે કરણનો બાળપણથી બેસ્ટ ફ્રેન્ડ હોય છે. કરણ એક નૉર્મલ વ્યક્તિ હોય છે અને તેની સવારની રોજની દિનચર્યાને ટૂંકમાં દેખાડવામાં આવી છે. જોકે ‘હાઉસ અરેસ્ટ’માં કરણ ઘરની બહાર નથી જતો, પરંતુ તેના ઘરમાં સતત કોઈને કોઈ આવતું હોય છે. કરણ બૅન્કમાં કામ કરતો હતો, પરંતુ એ છોડી તે ઘરમાં બેસવાનું નક્કી કરે છે. પોતાની ઇન્કમ માટે તે સ્કાઇપ પર કન્સલ્ટિંગ કરી પૈસા રળી લે છે. દિલ્હીમાં રહેતો કરણ ઘરમાં એકલો હોય છે, પરંતુ એરિયાના સીસીટીવી કૅમેરાની જેમ તેની બાલ્કનીમાંથી તે તમામ પાડોશીની દેખરેખ રાખે છે. કોના ઘરમાં કોણ આવે છે? કોનું અફેર કોની સાથે ચાલે છે? કોણ ક્યારે ઑફિસ જાય છે? ટૂંકમાં કરણ કેમ હાઉસ અરેસ્ટ છે એ માટે સાયરા તેનો ઇન્ટરવ્યુ લેવા ઘરે આવે છે. આ તમામ વચ્ચે પિન્કીનું પાત્ર ભજવતી બરખા સિંહ તેના બૉડીગાર્ડ સાથે કરણના ઘરમાં આવી એક પિન્ક સૂટકૅસમાં એક ડેડ-બૉડી આપી જાય છે. પિન્કી એક ડૉનની દીકરી હોય છે અને તેને ખબર હોય છે કે કરણ ઘરની બહાર નથી નીકળતો એથી તે જબરદસ્તી તેના ઘરમાં ડેડ-બૉડી મૂકી જાય છે. અહીંથી શરૂ થાય છે ગોટાળો.

ગોટાળો એટલા માટે કે ફિલ્મને એક કૉમેડી તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. જોકે કૉમેડી દ્વારા શરૂ થયેલી આ ફિલ્મમાં કૉમેડીની જગ્યા થ્રિલ લે છે અને ત્યાર બાદ અચાનક રોમૅન્સ આવી જાય છે. ‘વીરે દી વેડિંગ’ના ડિરેક્ટર શશાંક ઘોષ અને સમિત બાસુ દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મનો સબજેક્ટ ખૂબ જ અદ્ભુત હતો અને એને રોમાચંક બનાવી શકાય હોત, પરંતુ સ્ટોરીલાઇન સતત બદલાતી રહેતાં ફિલ્મ ખૂબ જ નબળી બની છે. એક પછી એક એરર જોવા મળે છે.

રાઇટિંગમાં ખૂબ જ પ્રૉબ્લેમ છે. જો ફિલ્મને આઉટ ઍન્ડ આઉટ કૉમેડી તરીકે બનાવવામાં આવી હોત તો સમજી શકાય એવું હોત, પરંતું અહીં લૉજિક લગાડવામાં આવ્યું છે. તો લૉજિકની વાત કરીએ તો કોઈ ડૉન ડેડ-બૉડીને ઠેકાણે લગાવવા માટે પોતાના પાડોશીનો ઉપયોગ શું કામ કરે? તેમ જ ડૉન હોવા છતાં એવું તો શું થયું કે ડેડ-બૉડી ફરી જીવિત થઈ જાય? તેમ સૂટકેસમાં કેમ લૉક નથી હોતું? સૂટકેસને એક રૂમમાં મૂકી દરવાજો બંધ કરવામાં આવ્યો હોય છે. દરવાજો અંદરની તરફ ખૂલતો હોય છે, પરંતુ એમ છતાં સૂટકેસ કેવી રીતે બહાર આવે છે? જો અંદરની સાઇડ દરવાજો ખૂલતો હોય તો કોઈ ચાન્સ નથી કે વધુ સામાનને કારણે સ્ટોરરૂમમાંથી એ બહાર આવી જતી હોય. આવા તો ઘણા પૉઇન્ટ્સ છે. જેમ કે સાયરા જર્નલિસ્ટ હોવા છતાં ઇન્ટરવ્યુ દરમ્યાન કોઈ પૉઇન્ટ્સને કાગળ પર નથી લખતી અથવા તો રેકૉર્ડિંગ પણ નથી કરતી. ફિલ્મ જોયા બાદ રિવ્યુ લખતી વખતે પણ ક્રૉસ ચેકિંગ માટે તમામ નામને ગૂગલ પર સર્ચ કરવાં પડી રહ્યાં છે, પરંતુ સાયરા મૅડમની યાદશક્તિ ખૂબ જ જબરદસ્ત લાગી રહી છે.
રાઇટિંગમાં જેટલા પ્રૉબ્લેમ છે એટલા જ ડિરેક્શનમાં પણ છે. કોઈ પણ દૃશ્ય જોઈને તમને અદ્ભુત હોય એવી અનુભૂતિ નથી થતી. તેમ જ જે.ડી. જ્યારે તેના ફ્રેન્ડને ફોન કરે ત્યારે તેમની વાતચીત પરથી બાળપણથી બેસ્ટ ફ્રેન્ડ હોય એવી કોઈ કેમિસ્ટ્રી પણ નથી દેખાતી. ફોનકૉલ્સને હોલોગ્રાફિક્સ કૉલ દેખાડવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા છે.

આ ફિલ્મ દ્વારા ઘણા મુદ્દા પર વાત કરવામાં આવી છે, જેમ કે નોકરી જ બધું નથી હોતું, તમારે પોતાની ફૅમિલી માટે સમય આપવો જરૂરી છે. ખાસ કરીને પોતાને માટે. તેમ જ તમે હાઉસ અરેસ્ટ હો તો પણ લોકોને એનાથી કોઈ ફરક નથી પડતો, એની જાણ લોકોને ખૂબ જ લાંબા સમય બાદ થશે.

ફિલ્મના અંતે કરણ જ્યારે જણાવે છે કે તે હાઉસ અરેસ્ટ કેમ છે એ કારણ ખૂબ જ નિરાશાજનક છે. તેમ જ સેક્સ પહેલાં તેઓ એકમેકના ભૂતકાળ, દિલ તૂટ્યું હોય એ વિશે અને કમિટમેન્ટ વિશે વાત કરે છે. જોકે સેક્સ પહેલાં આ વાત કરીને તેઓ સેક્સ કરી રહ્યાં છે એ યોગ્ય છે એ વિશે જસ્ટિફિકેશન આપી રહ્યાં હોય એવું લાગે છે અને એ માનવું થોડું મુશ્કેલ છે.

ઍક્ટિંગની દૃષ્ટિએ જ્યારે પણ જિમ સર્ભ સ્ક્રીન પર આવે છે ત્યારે તે ઓવરઍક્ટિંગ કરતો હોય એવું લાગે છે. તેની પાસે કામ કરાવવામાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે. તેમ જ કરણ એટલે કે અલી ફઝલ ઘણી વાર તેના ‘મિર્ઝાપુર’ના મૂડમાં આવી જતો જોવા મળે છે. તે ચાલી રહ્યો હોય ત્યારે અથવા તો લુક આપી રહ્યો હોય ત્યારે ગુડ્ડુ ભૈયા બની જાય છે. પિન્કી પણ વચ્ચે-વચ્ચે આવી ઇરિટેટ કરવામાં કોઈ કસર નથી છોડતી.

અલી ફઝલ પર ફોકસ કરતી આ ફિલ્મના રાઇટિંગ પર વધુ કામ કરવામાં આવ્યું હોત તો તે વધુ સારી બની શકી હોત.

film review movie review bollywood news