21 July, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમી કપૂર
શ્રેયા કાલરાએ મૂકેલા આરોપ પછી રામ કપૂરની પત્ની ગૌતમી ઊતરી સમર્થનમાં
રિયલિટી શો ‘લૉક અપ’ની બીજી સીઝનમાં સ્પર્ધક શ્રેયા કાલરાને કિસ કરવા બદલ રામ કપૂર ભારે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રામની પત્ની ગૌતમી કપૂર હવે પતિના સમર્થનમાં સામે આવી છે. ગૌતમીએ એક વિડિયો શૅર કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગૌતમીએ પોતાના વિડિયોમાં કહ્યું હતું કે ‘ઘણા લોકો મારા પતિ વિશે અભિપ્રાય આપી રહ્યા છે કે તેઓ ઠરકી છે, તેઓ સ્લીઝી છે. હું એ નથી કહી રહી કે તેઓ જેવા છે એના માટે હું તેમનો બચાવ કરી રહી છું; પણ રામ જે પણ છે, દિલથી છે. તેઓ કોઈ સ્ટ્રૅટેજી કે પ્લાનિંગ વિના એક ગેમ-શોમાં ગયા છે. મને લાગે છે કે આ જ કારણ છે કે આ બધું થઈ રહ્યું છે. જો રામ ખરેખર એવા હોત તો આ વાત શરૂઆતમાં જ સામે આવી હોત. શોના ચાર-પાંચ અઠવાડિયાં પછી જ આ પ્રકારના સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે? કદાચ એવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે રામે શ્રેયાને સપોર્ટ કર્યો નહોતો. આપણને તો માત્ર શ્રેષ્ઠ રીતે એડિટ કરાયેલું વર્ઝન જ બતાવવામાં આવ્યું છે. અંદર ખરેખર શું બન્યું હતું એની જાણ તો માત્ર ઘરના સભ્યોને જ હશે. પ્લીઝ નેગેટિવ કમેન્ટ ન કરો. એનાથી પરિવારને પણ તકલીફ પડે છે. આ વાત સમજવાનો પ્રયાસ કરો. કોઈ પણ વ્યક્તિને સાચી રીતે ઓળખ્યા વગર તેના વિશે અભિપ્રાય બાંધી દેવો ખૂબ જ સરળ છે. મહિલા હોય કે પુરુષ... રામ હંમેશાં દરેક પ્રત્યે કરુણાભાવ રાખે છે. તેમણે ન જાણે કેટલા લોકોને મદદ કરી છે અને આજે પણ તેમના આશીર્વાદ તેમની સાથે છે. આ સમય પણ પસાર થઈ જશે. હું આજે પણ તેમની સાથે ઊભી છું અને આગળ પણ ઊભી રહીશ. રામ, હવે દિલ કરતાં દિમાગથી રમત રમો.’