29 July, 2025 07:00 AM IST | Nathdwara | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીને તુલસી તરીકે ભારે લોકપ્રિયતા અપાવનાર પ્રોડ્યુસર એકતા કપૂરના સુપરહિટ શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન આજથી શરૂ થવાની છે. આ શો રાતે ૧૦.૩૦ વાગ્યે સ્ટાર પ્લસ અને જિયોહૉટસ્ટાર પર જોવા મળશે. આ નવી શરૂઆતની સફળતા માટે એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની રવિવારે શ્રીનાથજીના આશીર્વાદ લેવા માટે નાથદ્વારા પહોંચ્યાં હતાં. અહીં બન્નેએ શ્રીનાથજી મંદિરમાં ઉત્થાપન ઝાંખીનાં દર્શન કર્યાં અને પ્રભુના આશીર્વાદ લીધા. એકતા અને સ્મૃતિએ મોતી મહેલ દરવાજાથી મંદિરમાં પ્રવેશ કર્યો. આ સમયે મંદિરની પરંપરા મુજબ બન્નેનું ઉપરણું ઓઢાડીને અને પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રીનાથજીનાં દર્શન સમયે તેમણે તિલકાયત પુત્ર વિશાલ બાવા પાસેથી આશીર્વાદ લીધા અને શ્રીનાથજીની પરંપરા તથા સંસ્કૃતિ વિશે ચર્ચા પણ કરી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આ ધારાવાહિક તેમના જીવનનો એક મહત્ત્વનો તબક્કો રહ્યો છે અને શોની શરૂઆત પહેલાં શ્રીનાથજીનાં દર્શન તેમના માટે આશીર્વાદ સમાન છે. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં તિલકાયત એ એક આદરણીય પદવી છે જે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના આધ્યાત્મિક વડા અને મંદિરના મુખ્ય પૂજારીને આપવામાં આવે છે. તિલકાયત પુત્ર વિશાલ બાવા એ શ્રીનાથજી મંદિરના વર્તમાન તિલકાયતના પુત્ર છે. તેઓ શ્રીનાથજીની સેવા અને મંદિરની પરંપરાઓ સાથે સંકળાયેલા છે.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનમાં વાર્તાને નવા યુગની વિચારસરણી સાથે રજૂ કરવામાં આવશે, પરંતુ પારિવારિક મૂલ્યોને પણ કેન્દ્રમાં રાખવામાં આવશે.
બીજી સીઝનમાં જેનિફર વિંગેટ?
આજથી શરૂ થઈ રહેલી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની નવી સીઝનને લઈને દર્શકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ચર્ચા છે કે આ સીઝનમાં જેનિફર વિંગેટ ખાસ કૅમિયો કરતી જોવા મળી શકે છે. આ સીઝનમાં સ્મૃતિ ઈરાની ફરી એક વાર તુલસી વીરાણીના પાત્રમાં જોવા મળશે, જ્યારે અમર ઉપાધ્યાય મિહિર વીરાણીની ભૂમિકામાં હશે. આ ઉપરાંત શોમાં શગુન શર્મા, અમન ગાંધી, તનીશા મહેતા, પ્રાચી સિંહ, અંકિત ભાટિયા, શક્તિ આનંદ, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન અને બરખા બિશ્ત જેવા કલાકારો પણ જોવા મળશે, જે વાર્તામાં નવા ટ્વિસ્ટ ઉમેરશે.
શું કહ્યું સ્મૃતિ અને એકતાએ?
આ દર્શન પછી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તુલસી માત્ર એક પાત્ર નહોતું, એક ભાવના હતી અને આજે પણ લોકો તેને પ્રેમ કરે છે. એકતા કપૂરે પણ શ્રીજી પ્રભુનાં ચરણોમાં શીશ નમાવ્યું અને જણાવ્યું કે આ શો ભારતીય ટેલિવિઝનની દિશા બદલી નાખનાર હતો, હવે જ્યારે તે ફરીથી લૉન્ચ થઈ રહ્યો છે ત્યારે જવાબદારી વધી ગઈ છે.