21 March, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેગ્નન્સીની વાત સ્વીકારીને દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું...બાળકનો જન્મ જૂનમાં થશે
હાલમાં રિપોર્ટ હતા કે ટેલિવિઝનનું પાવર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લગ્નનાં ૧૦ વર્ષ બાદ મમ્મી-પપ્પા બનવાનાં છે. જોકે આ વાતનો કપલે સ્વીકાર નહોતો કર્યો. હવે આ મામલે દિવ્યાંકાએ ખુલાસો કરતાં તેની પ્રેગ્નન્સીની વાત સ્વીકારી છે અને કહ્યું છે કે બાળકનો જન્મ જૂન મહિનામાં થશે. દિવ્યાંકા અને વિવેકે મૅટરનિટી ફોટશૂટની તસવીરો પણ શૅર કરી છે.
પોતાના જીવનમાં આવેલા આ પરિવર્તન વિશે વાત કરતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘આ વાત સાચી છે અને મને આ વાત ૬ મહિના સુધી છુપાવી રાખવામાં સફળતા મળી હતી, કારણ કે આ સમય દરમ્યાન હું ભાગ્યે જ બહાર જતી અને મોટા ભાગે ઘરમાં જ રહેતી હતી.’
બાળકના જન્મની વિગતો આપતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘બાળકનો જન્મ જૂન મહિનામાં થવાનો છે. હું અને વિવેક અત્યારે જ બાળક ઇચ્છતાં હતાં. અમે પ્રયત્ન કર્યો અને અમને આશીર્વાદ મળ્યા. અમારાં માતા-પિતા ખૂબ ખુશ છે. મેં સૌથી પહેલાં આ વાત વિવેકને કહી અને ત્યાર બાદ પરિવારને જાણ કરી. સંતાન દીકરો હોય કે દીકરી... અમે બન્નેમાં ખુશ છીએ. અમે બાળક માટે હજી શૉપિંગ શરૂ નથી કર્યું, પરંતુ જલદી શરૂ કરીશું. ડિલિવરી મુંબઈમાં જ થશે. અમે હજી સુધી બાળક માટે કોઈ નામ વિચાર્યું નથી, પરંતુ બન્ને પરિવારોએ દીકરો કે દીકરી શું હશે એની અટકળો લગાવવી શરૂ કરી દીધી છે અને આ બધું ખૂબ મજેદાર છે.’