દેવેન વર્માની ગુજરાતી ફિલ્મ કોના બાપની દિવાળી કેમ ક્યારેય રિલીઝ ન થઈ?

03 December, 2014 03:32 AM IST  | 

દેવેન વર્માની ગુજરાતી ફિલ્મ કોના બાપની દિવાળી કેમ ક્યારેય રિલીઝ ન થઈ?



રશ્મિન શાહ

‘ગાજરની પીપૂડી’માં તેઓ મહેમાન કલાકાર હતા અને ૧૯૭૫ની ‘કોના બાપની દિવાળી’માં તેઓ હીરો હતા. જોકે તેમની હીરો તરીકેની ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ. આ ફિલ્મના પ્રોડ્યુસર રમેશ સરૈયા અને ગોવિંદ સરૈયા હતા. રમેશ સરૈયા તો અત્યારે હયાત નથી, પણ ૮૮ વષીર્ય ગોવિંદ સરૈયાને આજે પણ એ ફિલ્મ અને ફિલ્મ સાથે જોડાયેલી તમામ વાતો યાદ છે. ગોવિંદ સરૈયા ‘મિડ-ડે’ સાથે ગઈ કાલે થયેલી વાતચીતમાં કહે છે, ‘એ ફિલ્મ દેવેનના કારણે જ રિલીઝ થઈ નહીં એવું કહું તો ચાલે. ડબિંગ માટે દેવેન પહોંચતો જ નહીં. બહુ વખત સુધી રાહ જોવડાવે અને પછી પાછા આવવું પડે. એક દિવસ નક્કી કરી લીધું કે ફિલ્મ નથી રિલીઝ કરવી. ફિલ્મ વેચાઈ ગઈ હોવા છતાં પણ અટકાવી દીધી અને કેટલાય લોકોના પૈસા એમાં પડ્યા રહ્યા.’

દેવેન વર્માની આ ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા હિરોઇન હતી તો હિન્દી ફિલ્મોના એક સમયના જાણીતા કૅરૅક્ટર ઍક્ટર ડેવિડ પણ હતા. ગોવિંદ સરૈયાએ આ ફિલ્મ દેવેન વર્મા પરનું એક લેણું ચૂકવવાના હેતુથી આપી હતી. ગોવિંદ સરૈયા વિગતો આપતાં કહે છે, ‘બન્યું એવું કે એ સમયે અમારી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લીડ રોલ માટે દિલીપકુમાર અને ધર્મેન્દ્રે અમને બહુ રખડાવ્યા, પણ પછી શશી કપૂરે દેવેન વર્મા સાથે મીટિંગ કરાવી. દેવેનને ઑલમોસ્ટ અમે ફાઇનલ કર્યો, પણ એના પછી ફરીથી હીરો બદલ્યો. હીરો બદલાયો ત્યારે દેવેનને એમ કહ્યું હતું કે તને હીરોનો રોલ એક વાર આપીશું. એ દરમ્યાન ‘કોના બાપની દિવાળી’ની વાર્તા આવી. લાગ્યું કે દેવેન એના માટે બેસ્ટ છે અને અમે એ ફિલ્મ દેવેનને આપી.’

આ ફિલ્મનું ડિરેક્શન ગુજરાતી થિયેટરના એક સમયના દિગ્ગજ ઍક્ટર શૈલેશ દવેએ કર્યું હતું. શૈલેશ દવેએ ડિરેક્ટ કરી હોય એવી એ પહેલી ફિલ્મ. એ સમયે શૈલેશ દવે ગોવિંદ સરૈયાની ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. ગોવિંદ સરૈયા કહે છે, ‘ફિલ્મ વખતે દેવેન શૈલેશને બહુ સર્પોટ કરતો હતો. ખાસ કંઈ કામ હતું નહીં એટલે એ પણ રાજી થઈને કામ કરતો પણ ફિલ્મ આગળ વધતી ગઈ એમ-એમ એની પાસે કામ વધવા માંડ્યું અને પછી તો એ પણ હિન્દી પિક્ચરમાં અટવાઈ ગયો.’

ફિલ્મની વાર્તા શું હતી?

દેવેન વર્મા અને સ્નેહલતા અભિનીત ‘કોના બાપની દિવાળી’ની વાર્તા એક એવા લુખ્ખા માણસની હતી જે બીજાના પૈસા વાપરીને જલસા કરવામાં માને છે. આ જલસા કરવામાં એક વખત તે ફસાઈ જાય છે અને ફસાયા પછી તેને સમજાય છે કે કોના બાપની દિવાળી એવી કહેવત ભલે રહી, પણ હકીકત તો એ છે કે દિવાળીનો ખર્ચ છેલ્લે તો આપણે જ ભોગવવાનો હોય છે.

શું કહે છે સ્નેહલતા?

 એક સમયનાં જાણીતાં ઍક્ટ્રેસ સ્નેહલતાને આ ફિલ્મ વિશે વધુ કંઈ યાદ નથી. સ્નેહલતા ‘મિડ-ડે’ને કહે છે, ‘મને ફિલ્મનું નામ અને કેટલાક સીન સિવાય બીજું કંઈ યાદ નથી. દેવેન વૉઝ વેરી કાઇન્ડ. સેન્સ ઑફ હ્યુમર તેની ગજબનાક હતી. સામાન્યમાં સામાન્ય વાતમાં પણ તેની કૉમેડી ચાલતી હોય. કેટલાક સીન તો તેણે ચેન્જ કરાવ્યા અને એના ડાયલૉગ હિન્દીમાં લખીને પછી એનું ગુજરાતી કરાવવામાં આવ્યું હતું.’