શૂટિંગ શરૂ કરવાની આ ગાઇડલાઇન છે, પરમિશન નહીં

02 June, 2020 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૂટિંગ શરૂ કરવાની આ ગાઇડલાઇન છે, પરમિશન નહીં

પ્રતીકાત્મક તસવીર

સ્ટેટ ગવર્નમેન્ટે મહારાષ્ટ્રના નૉન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં શૂટિંગ કરવાની પરમિશન આપતાં રવિવારે રાતથી જ પ્રોડ્યુસર એ દિશામાં પૉઝિટિવલી કામ પર લાગી ગયા છે અને જુલાઈ શરૂ થાય એ પહેલાં ચૅનલ પર નવા એપિસોડ દેખાડી શકાય એની મથામણમાં પડી ગયા છે. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ટીવી અને વેબ વિન્ગના ચૅરમૅન જે. ડી. મજીઠિયાએ કહ્યું કે ‘અત્યારે અમારા બધા વચ્ચે એ જ ડિસ્કશન ચાલી રહ્યું છે કે કેવી રીતે આપણે આ ચૅલેન્જિંગ ટાઇમમાંથી બહાર આવીએ અને કઈ રીતે એવો પ્લાન બનાવીએ જેથી બધાં પ્રોડક્શન-હાઉસ કામ શરૂ કરી શકે.’

કોરોનાને કારણે શૂટિંગ ૧૯ માર્ચથી બંધ કરાવી દેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર અને ખાસ તો મુંબઈમાં જે રીતે પેશન્ટ વધતા હતા એ જોઈને ટીવી-પ્રોડ્યુસર અને ચૅનલનું માનવું હતું કે શૂટિંગની પરમિશન કોઈ હિસાબે ૧પ જૂન પહેલાં નહીં મળે, પણ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે એ દિશામાં ઝડપથી પૉઝિટિવ સ્ટેપ લીધું. જેડી મજીઠિયાએ કહ્યું કે ‘અમારે માટે આ સરપ્રાઇઝ છે. મુંબઈ એની ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રી માટે દેશભરમાં જાણીતું છે ત્યારે લેવાયેલું આ ડિસિઝન બહુ મહત્ત્વનું છે.’

જે ગાઇડલાઇન મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે એ ગાઇડલાઇનનું પાલન થાય એ જોવાની જવાબદારી પ્રોડ્યુસરની રહેશે અને કાઉન્સિલે તમામ પ્રોડ્યુસરને આ બાબતમાં તાકીદ કરી છે કે કોઈએ ગાઇડલાઇનને હળવાશથી લેવાની નહીં અને નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનું છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના પ્રેસિડન્ટ બી. એન. તિવારીએ કહ્યું કે ‘પ્રોડ્યુસર સામે અનેક ચૅલેન્જિસ હજી પણ છે, પરંતુ આ સ્ટેપ લેવું બહુ જરૂરી હતું. જો મોડું થયું હોત તો આર્ટિસ્ટોમાં નિરાશા પ્રસરી ગઈ હોત. કામ શરૂ થશે એટલે હવે રાહત થશે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે હવે પહેલાંની જેમ કામ નહીં થઈ શકે. જો કોઈ એકાદ આર્ટિસ્ટને પણ કોરોના પૉઝિટિવ આવ્યો તો આખા ક્રૂને ક્વૉરન્ટીન કરવામાં આવશે એટલે સાવચેતી સાથે ક્વૉલિટી કન્ટેન્ટનું કામ કરવું પડશે.’

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અશોક પંડિત આ વાત સાથે સહમત થાય છે. તેમનું કહેવું છે કે ગાઇડલાઇનમાં મેન્શન કરવામાં આવેલા દરેક નિયમનું પાલન કરવું અઘરું છે.

ગાઇડલાઇન છે, પરમિશન નહીં

સૌથી મહત્વની વાત એ કે શૂટિંગની પરમિશન આપતી આ ગાઇડલાઇન માત્ર છે, આ પરમિશન નથી એટલે કોઈ સીધું શૂટિંગ શરૂ નહીં કરી શકે. જેડી મજીઠિયાએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ સરકાર દ્વારા સૂચિત માર્ગદર્શિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ રીતે તેઓ નિયમોનું પાલન કરશે અને બંધારણ તૈયાર કરશે. મજીઠિયાએ એમ પણ જણાવ્યું હતું કે મુંબઈમાં શૂટિંગ માટે તેઓએ ફિલ્મસિટીના એમડીની પરવાનગી લેવી પડશે. જો કોઈ દહિસરથી આગળ શૂટિંગ કરવા માગે છે તો કંપનીએ સ્થળના જિલ્લા-કલેક્ટરની પરવાનગી લેવી પડશે. જેડીએ એમ કહીને ચાલુ રાખ્યું કે તેઓ હમણાં સુધી આઉટડોર શૂટથી દૂર રહેશે અને અરજી પસાર થાય ત્યાં સુધી રાહ જોશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઍપ્લિકેશનની જવાબદારી ટેલિવિઝન શૂટ માટેના બ્રૉડકાસ્ટર્સ અને ફિલ્મના શૂટિંગ માટેના નિર્માતાઓની છે. નિષ્કર્ષમાં જેડી મજીઠિયાએ કહ્યું કે ઓટીટી પ્લૅટફૉર્મ શૂટ માટે નિર્માતાઓએ પણ આવી જ અરજી માટે ફાઇલ કરવાની જરૂર છે.

દરેક સેટ પર ડૉક્ટર, ઍમ્બ્યુલન્સ અને નર્સિંગ સ્ટાફ રાખવાનું શક્ય નથી. મુંબઈમાં ૬૦થી ૬પ સેટ પર કામ ચાલતું હોય છે. આ બધા સેટ પર કેવી રીતે મેડિકલ ટીમ રહી શકે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઑલરેડી સોસાયટીમાં મેડિકલ સ્ટાફની શૉર્ટેજ હોય.

- અશોક પંડિત, ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ

mumbai coronavirus covid19 lockdown indian films television news