આ સિવાય ઘરના લગભગ દરેક ભાગમાં આંખોનાં આર્ટવર્ક જોવાં મળે છે. આ ડિઝાઇન સીધી રીતે ‘બિગ બૉસ’ના કૉન્સેપ્ટને દર્શાવે છે કે ઘરની અંદર દરેક વાતચીત, દરેક હાવભાવ અને દરેક નિર્ણય પર સતત નજર રાખવામાં આવે છે.
બિગ બૉસ 20નું ગ્રાન્ડ ઓપનિંગ
‘બિગ બૉસ 20’નું પ્રીમિયર આવતી કાલથી થવાનું છે. શો જિયોહૉટસ્ટાર પર રાત્રે નવ વાગ્યે અને કલર્સ પર રાત્રે સાડાદસ વાગ્યે પ્રસારિત થશે. સલમાન ખાન ફરી એક વાર ‘બિગ બૉસ 20’ના હોસ્ટ તરીકે ટેલિવિઝનના પડદે જોવા મળશે. આ શોમાં આ વખતે માત્ર ગેમ જ નહીં, ઘર પણ પહેલાં કરતાં વધુ ભવ્ય અને અનોખું બનાવવામાં આવ્યું છે.
‘બિગ બૉસ 20’ના ઘરમાં એકબીજા સાથે સંબંધ ન ધરાવતી વસ્તુઓને એક જ જગ્યાએ નવી રીતે જોડવામાં આવી છે. સામાન્ય વસ્તુઓને અસામાન્ય રૂપ આપીને ઘરને યુવા, જીવંત અને કલ્પનાશીલ લુક આપવામાં આવ્યો છે. એના ઘરમાં પ્રવેશતાં જ સૌથી વધુ ધ્યાન ખેંચે છે વિશાળ ચાની કીટલી જે સીધી એક સોફામાં પરિવર્તિત થતી દેખાય છે. ઘરમાં એક વિશાળ ઑક્ટોપસ પણ જોવા મળે છે. આ ઉપરાંત હૉટ ઍર બલૂનને પણ આરામદાયક બેઠકમાં ફેરવવામાં આવ્યું છે. સામાન્ય રીતે મુસાફરી અને આકાશ સાથે જોડાતી આ વસ્તુ અહીં સ્પર્ધકો માટે મળવાની અને વાતચીત કરવાની જગ્યા બની ગઈ છે, જ્યારે એક નળમાંથી ફૂલો ઊગતાં દેખાડતું ઇન્સ્ટૉલેશન ઘરમાં પ્રકૃતિ અને કલ્પનાનો સુંદર મેળ બેસાડે છે.
આ સિવાય ઘરના લગભગ દરેક ભાગમાં આંખોનાં આર્ટવર્ક જોવાં મળે છે. આ ડિઝાઇન સીધી રીતે ‘બિગ બૉસ’ના કૉન્સેપ્ટને દર્શાવે છે કે ઘરની અંદર દરેક વાતચીત, દરેક હાવભાવ અને દરેક નિર્ણય પર સતત નજર રાખવામાં આવે છે. આ આંખો માત્ર સજાવટ નથી, સ્પર્ધકોને સતત યાદ અપાવે છે કે અહીં કંઈ પણ અજાણ્યું રહેતું નથી.
‘બિગ બૉસ 20’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને હોસ્ટ સલમાન ખાન ગઈ કાલે સેટ પર કૅમેરા સામે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાને બ્લૅક ટી-શર્ટ સાથે બ્લૅક જીન્સ અને બ્રાઉન વેસ્ટકોટ પહેર્યો હતો. પોતાના આઉટફિટને તેણે કાઉબૉય હૅટ સાથે કમ્પ્લીટ કર્યો હતો. સૌથી વધુ ધ્યાન તેના ક્લીન શેવવાળા લુકે ખેંચ્યું, કારણ કે લાંબા સમય બાદ તે દાઢી વગર ફ્રેશ લુકમાં જોવા મળ્યો હતો.