બિગ બૉસ ૫માં મરાઠીઓનું અપમાન

23 October, 2011 06:39 PM IST  | 

બિગ બૉસ ૫માં મરાઠીઓનું અપમાન

 

 

રાજ ઠાકરેએ કહ્યું હતું કે આ કાર્યક્રમનો વિરોધ કરી એને તરત બંધ કરાવીને હું એને ખોટી પબ્લિસિટી આપવા નહોતો માગતો. શુક્રવારે રાત્રે ટીવી પર દર્શાવવામાં આવેલા ‘બિગ બૉસ ૫’ના એપિસોડમાં ઘરના તમામ સભ્યોને એક કામ સોંપવામાં આવ્યું હતું જેમાં નોકરનું કામ કરનારને લેલે ઉપનામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શક્તિ કપૂર તથા અન્ય સભ્યોએ લેલે નામની મજાક ઉડાવી હતી.

લેલે એક મરાઠી નામ હોવાથી રાજ ઠાકરેએ આ મુદ્દો ઉપાડ્યો હતો. રાજ ઠાકરેએ આપેલી ધમકીની તરત અસર થઈ હતી. ગઈ કાલે સાંજે કલર્સ ચૅનલ દ્વારા એમએનએસને એક પત્ર લખીને માફી માગવામાં આવી હતી અને ભવિષ્યમાં ફરી આવું નહીં થાય એવી ખાતરી પણ આપવામાં આવી હતી.

રાજ ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે ‘હિન્દી કાર્યક્રમોમાં હંમેશાં મરાઠીઓને નોકરની ભૂમિકા આપવામાં આવે છે અને પછી તેમની મજાક ઉડાડવામાં આવે છે. ‘બિગ બૉસ ૫’માં પણ આ જ વાતનું પુનરાવર્તન થયું છે એટલે એનો જવાબ હું એમએનએસ સ્ટાઇલથી આપીશ.’

ઉદ્ધવ ઠાકરેએ આ પ્રકરણે કહ્યું હતું કે હું ‘બિગ બૉસ ૫’ કાર્યક્રમ જોતો નથી. લોકો પણ નહીં જોતા હોય. આ અગાઉ પણ આ કાર્યક્રમમાં પાકિસ્તાની કલાકારોને બોલાવીને વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.’