સિખ સમાજની માફી માગી ભારતીએ

17 May, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાઢી-મૂછ પર મજાક કરતાં તેની વિરુદ્ધ પોલીસ-ફરિયાદની કરવામાં આવી માગણી

ભારતી સિંહ

કૉમેડિયન ભારતી સિંહે દાઢી-મૂછ પર જે મજાક કરી છે એને જોતાં સિખ સમાજ રોષે ભરાયો છે. જોકે ભારતીએ ​સૌની માફી માગી છે, પરંતુ આ સમાજે હવે પોલીસ-ફરિયાદ કરવાની માગણી કરી છે. તેનો જે વિડિયો વાઇરલ થયો છે એમાં ભારતીએ કહ્યું હતું કે ‘મૂછ શું કામ નથી જોઈતી? દાઢી-મૂછના અનેક ફાયદાઓ છે, દૂધ પીઓ અને દાઢીને મોંમાં નાખતાં સેવૈયા જેવો ટેસ્ટ આવે છે. મારા અનેક ફ્રેન્ડ્સ છે. તેમની દાઢી ખૂબ લાંબી છે. આખો દિવસ તેઓ એમાંથી જૂ કાઢે છે.’
આ વિડિયોમાં ભારતીએ કોઈ સમાજનું નામ તો નથી લીધું પરંતુ સિખ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. એથી સોશ્યલ મીડિયામાં તેની આકરા શબ્દોમાં નિંદા થઈ રહી છે. એથી બે હાથ જોડીને લોકોની માફી માગતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર તેણે શૅર કર્યો છે. એ વિડિયોમાં ભારતી કહી રહી છે કે ‘એકાદ-બે દિવસથી એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. મેં એ વિડિયો વારંવાર જોયો છે અને હું તમને પણ વિનંતી કરું છું કે તમે પણ એ વિડિયો જુઓ. મેં કદી પણ કોઈ પણ ધર્મ કે જાતિ વિશે ઘસાતું નથી કહ્યું કે આ ધર્મના લોકો દાઢી રાખે છે એથી તકલીફ થાય છે. તમે વિડિયો જોઈ લો, મેં કોઈ પંજાબી વિશે એવું નથી કહ્યું કે પંજાબી લોકો દાઢી-મૂછ રાખે છે અને એનાથી તકલીફ થાય છે. હું તો માત્ર ફ્રેન્ડ સાથે કૉમેડી કરી રહી હતી. દાઢી-મૂછ તો આજકાલ કોઈ પણ રાખે છે, પરંતુ જો મારી આ વાતથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માગું છું. હું પોતે પણ પંજાબી છું અને અમ્રિતસરમાં જન્મી છું. એથી પંજાબનું પૂરું માન રાખીશ. સાથે જ મને પંજાબી હોવાનો ગર્વ છે.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભારતીએ કૅપ્શન આપી હતી, ‘હું લોકોને ખુશ રાખવા માટે કૉમેડી કરું છું, ન કે કોઈનું દિલ દુખાવવા માટે. મારી કોઈ વાતથી જો કોઈને દુ:ખ થયું હોય તો મને તમારી બહેન સમજીને માફી આપજો.’

television news bharti singh