લોકો મને હંમેશાં ક્રાઇમ પૅટ્રોલ માટે જ યાદ રાખશે

28 August, 2026 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દોઢ દાયકા સુધી આ ક્રાઇમ-શોને હોસ્ટ કરનાર અનુપ સોનીએ હવે તેના બદલે અજય દેવગનની થયેલી પસંદગી વિશે વાત કરી

અનુપ સોની

ટીવીનો સૌથી લોકપ્રિય ક્રાઇમ-શો ‘ક્રાઇમ પૅટ્રોલ’ હવે નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. જોકે આ વખતે શોમાં મોટો બદલાવ જોવા મળશે. છેલ્લા દોઢ દાયકાથી શોની ઓળખ બની ગયેલા અનુપ સોનીની જગ્યાએ હવે હોસ્ટ તરીકે અજય દેવગન જોવા મળશે. 
લગભગ દોઢ દાયકા સુધી ‘ક્રાઇમ પૅટ્રોલ’નું સંચાલન કરનારા અનુપ સોનીએ પહેલી વખત આ બદલાવ વિશે વાત કરીને કહ્યું છે કે લોકો તેને હંમેશાં આ શો માટે જ યાદ રાખશે.
પોતાની લાગણી વ્યક્ત કરતાં અનુપ સોનીએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી મારી કરીઅરમાં ‘ક્રાઇમ પૅટ્રોલ’થી પણ મોટું કંઈ નહીં આવે ત્યાં સુધી હું બીજા ગમે તેટલા પ્રોજેક્ટ કરું તો પણ લોકો મને ‘ક્રાઇમ પૅટ્રોલ’ માટે જ ઓળખશે. આ શો પહેલાં લોકો મને ‘બાલિકા વધૂ’ માટે ઓળખતા હતા, પણ ‘ક્રાઇમ પૅટ્રોલ’ આવ્યા બાદ લોકો એ ઓળખ ભૂલી ગયા. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અજય દેવગન પોતાના અલગ અંદાજ અને નવા દૃષ્ટિકોણ સાથે શોને નવી ઓળખ આપશે. આ નવી સીઝન માટે હું સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવું છું.’

દૃશ્યમ : ધ કન્ક્લુઝન નથી દૃશ્યમ ફ્રૅન્ચાઇઝીની લાસ્ટ ફિલ્મ

અજય દેવગનની સૌથી સફળ ફિલ્મ-ફ્રૅન્ચાઇઝીઓમાં ‘દૃશ્યમ’નું નામ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં અજયે આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મની જાહેરાત નવા ટાઇટલ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ સાથે કરી હતી, જેના કારણે ચાહકોમાં એવી અટકળો શરૂ થઈ કે બીજી ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મ કદાચ આ સસ્પેન્સ થ્રિલર શ્રેણીનો છેલ્લો ભાગ હશે. જોકે હવે નિર્માતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે ‘દૃશ્યમ ૩’ સાથે ફ્રૅન્ચાઇઝીનો અંત નહીં આવે.
મળતી માહિતી પ્રમાણે ડિરેક્ટર અભિષેક પાઠક અને નિર્માતા કુમાર મંગત પાઠક ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવાની તૈયારીમાં છે. નિર્માતાઓએ નક્કી કર્યું છે કે ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’માં વિજય સાલગાવકર અને તેના પરિવારની સફર સંપૂર્ણ થશે. આમ આ ફિલ્મ બાદ આ પરિવારની કહાનીનો અંત આવશે. જોકે ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવા માટે બીજી વાર્તાઓ પર ચર્ચા ચાલી રહી છે. શક્ય છે કે આગામી ફિલ્મોમાં મુખ્ય પાત્રનું નામ વિજય સાલગાવકર જ રહે, પણ તેનો પરિવાર અને સમગ્ર પ્લૉટ સંપૂર્ણપણે નવો હોય.

anup soni ajay devgn sony entertainment television television news indian television telly celebrity news