બિગ બી ખુદ પોતાના ચાહકના ફૅન બન્યા

12 October, 2011 07:49 PM IST  | 

બિગ બી ખુદ પોતાના ચાહકના ફૅન બન્યા

 

દિવ્ય પાસે બિગ બી વિશે એકત્રિત કરેલી અમુક એવી જાણકારી છે જે ખુદ અમિતાભ બચ્ચન માટે નવાઈ અને અજાણતાનો વિષય  છે. સૌથી પહેલાં અમિતાભ બચ્ચને દિવ્યને ત્યારે નોટિસ કર્યો હતો જ્યારે તે નિયમિતપણે બિગ બીના બ્લૉગ પર લખનારા પહેલા પાંચથી દસ ચાહકોમાંનો એક હતો.  દિવ્ય દરરોજ ડિનર બાદ પાંચ કલાકનો સમય માત્ર અમિતાભ બચ્ચનની ફિલ્મો માટે ફાળવતો હતો. આ બાબતે દિવ્ય કહે છે, ‘ફિલ્મના અંતમાં હું એના વિશે  મારી પહેલી યાદગીરી લખતો, ત્યાર પછી અત્યારના સમય મુજબ એનું ઍનૅલિસિસ કરતો. ત્યાર બાદ ફિલ્મમાં મેં નોટિસ કરેલી અમુક ક્યારેય ન બહાર આવેલી  નવીન બાબતો લખતો અને એ ટ્રિવિયા સંબંધિત ફોટોગ્રાફ પણ ભેગા કરતો હતો.’

દિવ્ય અમિતાભ બચ્ચનની બધી ફિલ્મોને ગઈ કાલ સુધીમાં પૂરી કરવા માગતો હતો, પણ હવે તે ૧૩ ડિસેમ્બરે પોતાના જન્મદિવસે આ કાર્ય પૂરું કરશે.

દિવ્યએ ગઈ કાલે અમિતાભ બચ્ચનને નાળિયેરના કવચમાં એક નાનકડી ગણેશની મૂર્તિ ગિફ્ટમાં આપી હતી. આ સાથે તેમને પાંચ ફૂટનું એક કાર્ડ પણ આપ્યું હતું.  જ્યારે અમિતાભ બચ્ચને દિવ્યને પૂછ્યું કે આટલું મોટું કાર્ડ શા માટે આપ્યું છે તો તેણે બિગ બીને કહ્યું હતું કે તેમની ઊંચાઈને મૅચ થાય એટલું મોટું કાર્ડ તે આપવા  માગતો હતો.

બિગ બીની ફિલ્મોના કલેક્શન વિશે દિવ્ય કહે છે, ‘મારી પાસે તેમની ફિલ્મો જેમ કે ‘નયા બકરા’, ‘કમાન્ડર’ અને ‘બરસાત કી એક રાત’ના બંગાળી  વર્ઝનની વીએચએસ (વિડિયો હોમ સિસ્ટમ)ની કૅસેટ્સ છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને વિશ્વજિત સાથે મહેમાન કલાકાર તરીકે તેમની પહેલી બંગાળી  ફિલ્મ ‘ઝબાન’ની કૅસેટ પણ મારી પાસે છે. તેમની એક ફિલ્મ રેખાના ભાઈએ પ્રોડ્યુસ કરી હતી અને એમાં તેમણે ટ્રક-ડ્રાઇવરનો રોલ કર્યો હતો એ પણ મારી  પાસે છે.’

દિવ્ય અમિતાભ બચ્ચનની ફિલ્મોને તેમના રિલીઝ થવાની તારીખ પ્રમાણે અનુસરી રહ્યો છે. આ બાબતે તે કહે છે, ‘મને ‘છોટા ચેતન’ની કૅસેટ નહોતી મળતી.  એ ફિલ્મમાં અમિતજીએ થ્રી-ડી ટેક્નૉલૉજી વિશે ફિલ્મની શરૂઆતમાં જાણકારી આપી હતી.

નસીબજોગે એક મિત્ર સાઉથના પ્રોડ્યુસરોને ઓળખતો હતો અને  તેમની સાથે વાતચીત બાદ મને કૅસેટ મળી હતી. આ ઉપરાંત મારી પાસે ‘શોલે’માં ગબ્બર સિંહને મારી નાખવામાં આવે છે એ અંતની કૅસેટ પણ છે.  ‘અજૂબા’ની રશિયન આવૃત્તિ પણ મેં ઘણી મહેનત બાદ મેળવી છે.’