જય ભાનુશાલીની દીકરી તારાને ઇન્ફ્લુએન્ઝા થતાં હૉસ્પિટલાઇઝ‍્ડ

21 August, 2023 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હૉસ્પિટલમાંથી તેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

માહી વીજ અને દીકરી તારા

જય ભાનુશાલી અને માહી વીજની દીકરી તારાને ઇન્ફ્લુએન્ઝા થવાથી તેને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી છે. જય અને માહીને દીકરીની ચિંતા થવા માંડી છે. જોકે હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હૉસ્પિટલમાંથી તેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માહી વીજે કૅપ્શન આપી હતી, ‘બાળકો માંદા પડતાં પેરન્ટ્સની ચિંતા વધી જાય છે. ક્યારેક તેઓ ગભરાઈ જાય છે. મારી દીકરી તારાને ગુરુવારે રાતે ખૂબ તાવ આવ્યો હતો. અમારા માટે તો એ ખૂબ ડરામણું હતું. ગુરુવારે તારા લાંબી રજા બાદ સ્કૂલમાં ગઈ હતી. ઘણી વખત ચિંતા કરવા જેવું નથી હોતું. તાવ તો સામાન્ય છે, પરંતુ આ વખતે ખૂબ ગંભીર હતું. ડૉક્ટર્સ સાથે ચર્ચા કર્યા બાદ અમે તેને દવા આપી હતી, પરંતુ આઇબ્યુજેસિક પ્લસ આપ્યા બાદ પણ તેનો તાવ ૧૦૪ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમે ડરી ગયાં હતાં. અમે તેને રાતે સ્પન્જિંગ કર્યું ત્યારે તે ધ્રૂજતી હતી અને ટેમ્પરેચર વધી રહ્યું હતું. રાતે એક વાગ્યે મેં ડૉક્ટર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ડરવાની વાત નથી, કેમ કે અત્યારે બાળકોને વાઇરલ ફીવર આવે છે. તેઓ બીમાર પડે છે. એક મમ્મી તરીકે મારી ચિંતા વધી ગઈ. અમે આખી રાત જાગ્યાં હતાં. શુક્રવારે સવારે હું તેને લઈને હૉસ્પિટલ પહોંચી ગઈ. ડૉક્ટર્સે તેની કેટલીક ટેસ્ટ કરવતાં જાણ થઈ કે તેને ઇન્ફ્લુએન્ઝા ફ્લુ થયો છે. એને કારણે તેને તાવ, શરીરમાં દુખાવો, શરદી, ખાંસી અને અન્ય તકલીફ થઈ હતી. કેટલાંક બાળકો ગંભીર રીતે બીમાર પડે છે એથી તેમની સારવાર હૉસ્પિટલમાં કરવી જરૂરી હોય છે. આવી સ્થિતિમાં બાળકોને સ્કૂલ ન મોકલાય. આ ફ્લુને હલકો ન ગણવો. જો બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો ખાસ ધ્યાન રાખવું. ફ્લુની વૅક્સિન લઈ લેવી. મારી દીકરી હવે દિવસે-દિવસે સ્વસ્થ થઈ રહી છે. આજે ચાર દિવસે તે ઘરે જવાની જીદ કરે છે. આશા છે કે અમે જલદી ઘરે જઈશું.’

jay bhanushali television news indian television entertainment news