૨પ વર્ષની ઉજવણી માટે નૉનસ્ટૉપ ૨પ કલાકની ડિજિટલ કૉન્સર્ટ

11 May, 2020 08:05 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

૨પ વર્ષની ઉજવણી માટે નૉનસ્ટૉપ ૨પ કલાકની ડિજિટલ કૉન્સર્ટ

સારેગમપાની ડિજીટલ કૉન્સર્ટ

ઝી ટીવીના સિન્ગિંગ રિયલિટી શો ‘સારેગામાપા’ને આ વર્ષે પચીસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એવા સમયે ઝી ટીવીએ લૉકડાઉનને ધ્યાનમાં રાખીને એક અનોખી કૉન્સર્ટનું આયોજન કર્યું છે. ઝી ટીવીએ પચીસ કલાક સુધી ચાલનારી નૉનસ્ટૉપ કૉન્સર્ટનું ડિજિટલ પ્લાનિંગ કર્યું છે જેમાં ૩પ૦થી વધારે ખ્યાતનામ સિંગર્સ જોડાશે. આ કૉન્સર્ટનું ઝી ગ્રુપના ૧૧થી વધારે સોશ્યલ પેજ પર લાઇવ સ્ટ્રીમિંગ થશે. કૉન્સર્ટ દરમ્યાન દર્શકો શોના પેજની ડોનેશનની લિન્ક પર ક્લિક કરીને યથાશક્તિ ફાળો પણ આપી શકશે. કોરોના સમયે સૌકોઈને ઘેરબેઠાં મનોરંજન મળી રહે અને મનોરંજનની સાથોસાથ જરૂરિયાતમંદોને રાહત પણ પહોંચે એવા હેતુથી આ કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨પ કલાક ચાલનારી આ કૉન્સર્ટ ૨૩ મેએ શરૂ થશે અને ૨૪ મેએ પૂરી થશે.

૨૪ મેએ સાંજે ૭થી ૧૦ વાગ્યા સુધી રાષ્ટ્રીય ભાષામાં સમગ્ર ઝીની ૧૯ ચૅનલોના કલાકારો જોવા મળશે, જેમાં ‘સારેગામાપા’ના સુપ્રસિદ્ધ ચહેરાઓ ઉદિત નારાયણ, શાન, રિચા શર્મા, હિમેશ રેશમિયા, જાવેદ અલી, સૌરવ ગાંગુલી, કમાલ ખાન, વિજય પ્રકાશ અને દેબોજિત સહિત અન્ય ઘણા કલાકારો તેમના ઘરેથી ગીતો ગાશે. આ કૉન્સર્ટમાં સમગ્ર દેશના ખૂણેખૂણેથી ઘણા મોટા ગાયકો, કમ્પોઝર, સંગીતકાર અને સ્પર્ધકો ભાગ લેશે.

આ કૉન્સર્ટને ‘એક દેશ એક રાગ’નું નામ આપવામાં આવ્યું છે. આ પ્રકારની મહાકાય કૉન્સર્ટનું ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્લાનિંગ થયું હોય એવું દેશમાં સૌપ્રથમ વાર બની રહ્યું છે.

sa re ga ma pa Rashmin Shah television news